કારતક: ૨૪૮૬ : ૧પ :
જ રહેશે.
સ્વભાવભૂત જે કારણશુદ્ધપર્યાય તેના આશ્રયે પ્રગટતું પૂર્ણ કાર્ય કેવું છે, અર્થાત્ સ્વભાવભૂત
કાર્યશુદ્ધપર્યાય કેવી છે તે હવે કહે છે: કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળશક્તિ–આવા
અનંતચતુષ્ટય સહિતની પરમોત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે. જેમ ‘કારણ’ માં
ચતુષ્ટય લીધા હતા તેમ આ ‘કાર્ય’ માં પણ ચતુષ્ટય લીધા, પણ બંનેમાં તે ચાર ગુણની સાથે બીજા
અનંતા ગુણોની વાત પણ ભેગી જ સમજી લેવી.
કારણશુદ્ધપર્યાયમાં જે ચતુષ્ટય કહ્યા તે અનાદિઅનંત હતા, અને આ કાર્યશુદ્ધપર્યાયમાં જે
ચતુષ્ટય કહ્યા તે સાદિઅનંત છે. કારણશુદ્ધપર્યાય ત્રણે કાળ કર્મની ઉપાધિથી રહિત છે ને કાર્યશુદ્ધપર્યાય
પ્રગટ્યા પછી સદાય કર્મની ઉપાધિથી રહિત છે. કારણશુદ્ધપર્યાય સહજશુદ્ધનિશ્ચયનયનો વિષય છે ને
આ કાર્યશુદ્ધપર્યાય શુદ્ધસદ્ભૂત વ્યવહારનયનો વિષય છે.
જુઓ, આ કારણ–કાર્યની અદ્ભુત વાત! આ શા માટે સમજાવે છે?–કે આવું પૂર્ણ શુદ્ધ કાર્ય
પ્રગટ કરવું તે કર્તવ્ય છે.......અને તે કાર્ય, કારણસ્વભાવના આશ્રયે પ્રગટે છે.–આમ જાણીને, બીજા
બધાનો આશ્રય છોડીને એક કારણસ્વભાવનો આશ્રય કરવો–તે આ ઉપદેશનું તાત્પર્ય છે.
અહો! જંગલમાં બેઠાબેઠા મુનિવરોએ સિદ્ધપરમાત્મા જેવો જે પોતાનો કારણપરમાત્મા....તેની
સાથે ધ્યાનની કેલિ કરતાં કરતાં આનંદના દરિયા ઊછળ્યા છે,
આ રીતે કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય–એમ બે પ્રકારે જીવની સ્વભાવપર્યાયનું વર્ણન
કર્યું. અને હવે છએ દ્રવ્યની અપેક્ષાથી સ્વભાવપર્યાય કહે છે: છએ દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા
અર્થપર્યાયો તે શુદ્ધ છે; તે સૂક્ષ્મઋજુસૂત્રનયનો વિષય છે અને ષટ્ગુણવૃદ્ધિહાનિ સહિત છે. આ રીતે
પહેલાં જીવની સ્વભાવપર્યાયોનું, અને પછી છએ દ્રવ્યોની સ્વભાવપર્યાયનું વર્ણન કર્યું.
નર–નારકાદિ પર્યાયો તે જીવની વિભાવપર્યાયો છે. જે જીવ પર્યાયબુદ્ધિવાળો છે એટલે કે
વિભાવપર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, તે જીવ વિભાવપર્યાયોરૂપે પરિણમતો થકો નવાનવા શરીર
ધારણ કરીને ચાર ગતિમાં રખડે છે. જ્ઞાની તો ચિદાનંદી કારણ પરમાત્મા તે જ હું છું–એમ જાણીને તેની
જ ભાવનાવડે નિર્મળપર્યાયોરૂપે પરિણમતો થકો સિદ્ધપદને પામે છે.
શ્લોકદ્વારા પદ્મપ્રભમુનિરાજ કહે છે કે બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમતત્ત્વના અભ્યાસમાં
જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદ્રષ્ટિવાળો પુરુષ, ‘સમયસારથી અન્ય કાંઈ નથી’ એમ માનીને, શીઘ્ર
મુક્તિ પામે છે. જુઓ, આ નિશ્ચય–વ્યવહારની સંધિ! ‘...વિભાવ હોવા છતાં.....’ એમ કહીને પર્યાયમાં
વ્યવહાર છે તેનો સ્વીકાર કર્યો, પણ ‘સમયસારથી અન્ય કાંઈ નથી’ એમ કહીને શુદ્ધદ્રષ્ટિમાં તેનો અભાવ
બતાવ્યો. આ રીતે શુદ્ધ દ્રષ્ટિના જોરે વિભાવનો નિષેધ કરીને ધર્મી જીવ મુક્તિ પામે છે.
પ્રવીણ કોણ?–કે જેની બુદ્ધિ સહજ પરમતત્ત્વના અભ્યાસમાં લાગેલી છે તે; વિભાવમાં જેની
બુદ્ધિ લાગેલી છે તે પ્રવીણ નથી.
“પરમતત્ત્વનો અભ્યાસ” તે ચારિત્ર સૂચવે છે;
“પ્રવીણબુદ્ધિ” તે સમ્યગ્જ્ઞાન સૂચવે છે;
“શુદ્ધદ્રષ્ટિ” તે સમ્યગ્દર્શન સૂચવે છે;
–આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવાળો પુરુષ, વિભાવનો નિષેધ કરીને ચિદાનંદ સ્વભાવના
આશ્રયે મુક્તિ પામે છે.
અહો! ‘જિન’ અને ‘જીવ’ સરખા છે:
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
પ્રત્યેક આત્મા સિદ્ધસમાન પરિપૂર્ણ સ્વભાવી છે....અજ્ઞાની ભલે પોતાને વિભાવપર્યાય જેટલો
જ માને, પણ જ્ઞાની તો કહે છે કે તે વ્યવહારથી જ વિભાવપર્યાયરૂપ થયો છે, નિશ્ચયથી તો તે સિદ્ધ
જેવો જ છે, માટે હે જીવ!