Atmadharma magazine - Ank 193
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 23

background image
કારતક: ૨૪૮૬ : ૧૯ :
રૂપ સેવાળને છોડીને આત્મધ્યાનરૂપી સ્વચ્છ અમૃતનું પાન કરે છે, શુદ્ધ આત્મા સિવાય પરદ્રવ્યની
ચિંતા તરફ તે પોતાના ચિત્તને ઝૂકવા દેતો નથી.
જીવે ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને એક સેકંડ પણ ધર્મ કર્યો નથી. જો એક સેંકડ પણ
ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને ધર્મ કરે તો અનંતકાળના જન્મ મરણનો આરો આવી જાય....ને
અનંતકાળમાં કદી નહિ થયેલ એવો અપૂર્વ આનંદનો અનુભવ થાય. જેમ તૃષાતુર મનુષ્ય સેવાળને દૂર
કરીને સ્વચ્છ જળના પાનવડે પોતાની તૃષા દૂર કરે છે ને શાંતિ અનુભવે છે; તેમ મોક્ષાર્થી ધર્માત્મા
અંતરમાં સ્વાત્મધ્યાનવડે રાગાદિ વિકારને દૂર કરીને, શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપ આત્માના અનુભવથી પરમ
શાંત ચૈતન્યરસનું પાન કરીને આત્માને સંસારતાપથી છોડાવે છે. આ સિવાય બીજા કોઈ ઉપાયથી
જીવને શાંતિ થતી નથી.
જુઓ, ભાઈ! આ મનુષ્ય અવતાર મળ્‌યો તે દુર્લભ છે, પરંતુ તેમાં જો આત્માના હિતનો ઉપાય
કરે તો જ તેની સાર્થકતા છે. જો, આત્માના હિતની દરકાર ન કરી તો આ મનુષ્ય દેહ ધારીને શું લાભ
મેળવ્યો? બે હાથ, બે પગ, મોઢું, બે આંખ–વગેરે તો વાંદરાને પણ મળ્‌યા છે, તો તેનામાં અને
મનુષ્યમાં શું ફેર પડ્યો? ઊલ્ટું તે વાંદરાને તો હાથ–પગ ઉપરાંત એક લાંબું પૂછડું પણ મળ્‌યું છે.....
માટે શરીરના અવયવો મળ્‌યા તેથી કાંઈ આત્માને લાભ નથી; આત્મા વિવેક કરીને, સત્સમાગમે
પોતાના સ્વરૂપની ઓળખાણ કરે અને ભવભ્રમણથી છૂટવાનો ઉપાય કરે તો જ તેના અવતારની
સફળતા છે.
ભાઈ, આ શરીર તો જડ છે, તે જડના સંયોગથી કાંઈ તારો મહિમા નથી. તારો મહિમા તો
તારા ચૈતન્યસ્વભાવથી છે. અરેરે, અમૃતસ્વરૂપ આ ચૈતન્યમૂર્તિઆત્મા પોતાને ભૂલીને મૃતક કલેવર
એવા આ જડ શરીરમાં મૂર્છાઈ પડ્યો.....શરીર અને શરીરનીક્રિયા તે જ હું–એવી મિથ્યા માન્યતાથી તે
મુર્છિત (મોહી–અજ્ઞાની) થઈ રહ્યો છે. પરંતુ વીતરાગી સંતોની વાણી તેને તેના ચિદાનંદસ્વરૂપનું ભાન
કરાવીને અતીન્દ્રિય આનંદરૂપ અમૃતનો અનુભવ કરાવે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ;
ઔષધ જે ભવરોગનાં, (પણ) કાયરને પ્રતિકૂળ.
અહો! અંતર્મુખ સ્વભાવને બતાવનારા વીતરાગનાં વચનો પરમ શાંત રસનો અનુભવ કરાવે
છે, ને ભવરોગનો નાશ કરનાર મહા ઔષધ છે. પરંતુ રાગાદિથી લાભ માનનાર બર્હિમુખી અજ્ઞાની
જીવને એ વીતરાગની વાણી પ્રતિકૂળ પડે છે. બર્હિમુખપણાથી જે લાભ માને છે તેને અંતર્મુખ થવાની
વાત ક્યાંથી ગોઠે? વીતરાગી સંતો કહે છે કે અરે જીવો! શાંતરસનો અનુભવ કરવા માટે તમે તમારા
ચૈતન્યસ્વભાવની સન્મુખ થાઓ....ચૈતન્યસ્વભાવની સન્મુખતા સિવાય જગતમાં બહાર ક્્યાંય શાંતિ
નથી. જેમ હીરા–માણેક બધી વસ્તુને પારખતાં શીખીને મોટો ઝવેરી થયો, પણ જો ચૈતન્ય–હીરાને ન
પારખ્યો તો તેનું કાંઈ હિત થતું નથી; જગતની કિંમત કરનારો પોતે પોતાના આત્માની કિંમત ન જાણે
તો તેનું બધું જાણવું વ્યર્થ છે, માટે હે ભાઈ! તારો આત્મા શું ચીજ છે તેને તું ઓળખ. અરે ભગવાન્!
તારો આત્મા સિદ્ધપરમાત્મા જેવો, તેને એક વાર લક્ષમાં તો લે. પાપ અને પુણ્યના ભાવ આવે, પણ
મારો આત્મા તે પાપ અને પુણ્ય જેટલો નથી, મારો આત્મા તો પાપ–પુણ્ય વગરનો ચિદાનંદસ્વરૂપ છે–
એમ એક વાર અંતર્મુખ થઈને લક્ષમાં તો લે....તેને લક્ષમાં લઈને તેનું ધ્યાન કરતાં જ અંતરના
અમૃતસાગરમાં તારો આત્મા ડૂબી જશે, ને તારા અનાદિના ભવકલેશનો નાશ થઈ જશે. દુઃખનો નાશ
કરીને અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત કરવાનો આ ઉપાય છે.