: ૨૦ : આત્મધર્મ: ૧૯૩
સંતોની વાણી
શાંતિ પમાડે છે
મલકાપુરમાં પૂ. શ્રી કાનજીસ્વામીનું પ્રવચન તા. ૩૦–૩–પ૯
આ સમયસાર શાસ્ત્ર વંચાય છે. દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે, તેનામાં સર્વજ્ઞ થવાની
તાકાત છે. ભગવાન સર્વજ્ઞ થયા પછી તેમની વાણી સહજ–ઈચ્છા વગર નીકળી, ને બાર સભાના જીવો
પોતપોતાની ભાષામાં સમજ્યા. ભગવાનની વાણી સાંભળીને કુંદકુંદાચાર્યદેવે ૨૦૦૦ વર્ષે પૂર્વે આ
શાસ્ત્ર રચ્યું છે; ને ૧૦૦૦ વર્ષ પહેલાં અમૃતચંદ્ર આચાર્યે તેની ટીકા કરી છે...અમૃતચંદ્રાચાર્યદેવની
વાણીમાં પણ અમૃત છે. આત્માનું જ્ઞાનાનંદસ્વરૂપ શુ્રં છે–તે આચાર્યદેવે સમજાવ્યું છે. તેની સમજણ
વગર જીવનું સંસારપરિભ્રમણ મટતું નથી. આત્માની સમજણ વગર જીવ અનાદિકાળથી સંસારમાં
પરિભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છે. ૨૯ વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:–
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખઅનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત,
જીવને બીજા કોઈએ (કર્મે કે ઈશ્વરે) દુઃખ નથી આપ્યું, પણ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલ્યો
તેથી દુઃખ પામ્યો છે. આત્માની ઓળખાણ સિવાય બીજું બધું જીવ અનંતવાર કરી ચૂક્્યો છે, પુણ્ય
કરીને સ્વર્ગમાંય અનંતવાર જઈ આવ્યો છે, પણ આત્માનો ધર્મ લેશમાત્ર તેને થયો નથી.
પં. દૌલતરામજી છહઢાળમાં કહે છે કે:–
“मुनिव्रतधार अनंतवार ग्रीवक उपजायो,
पै निज आतमज्ञान बिन सुख लेश न पायो.”
આત્માનું સ્વરૂપ શું છે–તેની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર જીવ શુભરાગરૂપ
વ્રત–તપ જે કાંઈ કરે તે બધુંય ધર્મને માટે એકડા વગરના મીંડાની જેમ વ્યર્થ છે શુભરાગ હો ભલે પણ
ધર્મને માટે તે કિચિંત્ પણ કાર્યકારી છે–એ માન્યતા ભ્રમ છે–મિથ્યા છે, તે જ સંસારનું મૂળ કારણ છે.
આત્મા દેહથી ભિન્ન અને અંદરના વિકારથી પણ ભિન્ન શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે–તે જ પ્રધાન છે. જેમ
શ્રી ફળમાં ઉપરનાં છાલાં ટોપરાથી જુદા છે, કાચલી પણ ટોપરાથી જુદી છે, તેમજ અંદરની રાતપ પણ
સફેદ–મીઠા ટોપરાથી જુદી છે; છાલાં, કાચલી અને રાતપ એ બધાથી ભિન્ન શુદ્ધ સફેદ–મીઠું ટોપરું છે તે
જ શ્રીફળમાં સારભૂત છે. તેમ જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા આ શરીરરૂપી છાલાંથી જુદો છે, કર્મરૂપી
કાચલાથી પણ જુદો છે ને અંદરમાં રાગરૂપી રતાશથી પણ તે જુદો છે, જ્ઞાન અને આનંદના સ્વાદથી
ભરેલો શુદ્ધ ચૈતન્યગોળો જ સારભૂત વસ્તુ છે. તેની ઓળખાણ–શ્રદ્ધા કરીને તેના અનુભવમાં લીનતા
તે મોક્ષમાર્ગ છે.