Atmadharma magazine - Ank 194
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 19

background image
: ૧૦ : આત્મધર્મ : ૧૯૪
જુઓ, આ આમંત્રણ! શાંતરસમાં નિમગ્ન થવાનું આમંત્રણ કોણ ન સ્વીકારે? ચૈતન્યના
અસંખ્યપ્રદેશે શાંતરસનો સમુદ્ર ઊછળી રહ્યો છે તે આચાર્યભગવાને દેખાડયો...તેમાં કોણ ડુબકી ન
મારે? અહીં તો કહે છે કે આખું જગત આવીને આ શાંતરસમાં ડુબકી મારો.
અહાહા! આવો ભગવાન આત્માનો શાંતરસ!–એમ ભગવાન આત્માનો અદ્ભુત સ્વભાવ
દેખીને ધર્માત્માનો ભાવ ઊછળી ગયો છે કે અહો! આત્માનો આવો શાંતરસ બધાય જીવો પામો. બધા
જીવો આવો! ધગધગતા અંગારા જેવા વિકારમાંથી બહાર નીકળીને આ શાંતરસમાં મગ્ન
થાઓ...અત્યંત મગ્ન થાઓ...જરાય બાકી રાખશો નહીં. આ શાંતરસ થોડો નથી પણ આખા લોકમાં
ઊછળી રહ્યો છે...શાંતરસનો અપાર સમુદ્ર ભર્યો છે. તેમાં લીન થવા માટે ઢંઢેરો પીટીને આખા જગતને
આમંત્રણ છે.
પોતાના ભાવમાં જે રુચ્યું તેનું બીજાને પણ આમંત્રણ આપે છે. કેટલાક શ્રાવકો સાધર્મીને
જમાડે છે, તેમાં કેટલાકના એવા ભાવ હોય છે કે કોઈ પણ સાધર્મી રહી જવો ન જોઈએ...કારણ કે
આટલા બધામાંથી કોઈ જીવ એવો રૂડો હોય કે ભવિષ્યનો તીર્થંકર થનાર હોય, કોઈ કેવળી થનાર
હોય, કોઈ અલ્પકાળમાં મુક્ત થનાર હોય, તો એવા ધર્માત્માને પેટે મારો કોળીયો જાય તો મારો ધન્ય
અવતાર! કોણ ભવિષ્યમાં તીર્થંકર થનાર છે, કોણ અલ્પકાળમાં મુક્તિમાં જનાર છે, તેની ભલે ખબર
ન હોય પણ જમાડનારનો ભાવ એવો છે કે અલ્પકાળમાં મુક્તિ જનાર કોઈ ધર્માત્મા રહી જવો ન
જોઈએ.–એનો અર્થ એમ છે કે જમાડનારને ધર્મનો અને મુક્તિનો પ્રેમ છે; જમાડનારના ભાવ જો
આત્મભાવનાપૂર્વક યથાર્થ હોય તો પોતાને અલ્પકાળમાં મુક્તિ લેવાના ભાવ છે, તેથી બીજા
ધર્માત્માઓ પ્રત્યે ભાવ ઊછળી જાય છે.
અહીં જેણે ચૈતન્યના શાંતરસનો સ્વાદ ચાખ્યો છે એવા સંત–ધર્માત્મા આખા જગતને સાગમટે
આમંત્રણ આપે છે, આ શાંતરસનો સ્વાદ ચાખ્યા વગર કોઈ જીવ રહી જવો ન જોઈએ, આખું જગત
એકસાથે આવીને આ શાંતરસને આસ્વાદો...તેમાં નિમગ્ન થાઓ.–આમાં ખરેખર તો પોતાને જ ભગવાન
આત્માના શાંતરસમાં ડુબી જવાની તીવ્રભાવના ઉપડી છે. અહો! સમયસારની એકેક ગાથામાં
આચાર્યદેવે અદ્ભુત રચના કરી છે, અલૌકિક ભાવો ભર્યા છે; શું કહીએ! જેને સમજાય તેને ખબર પડે.
દેહરૂપી ખોળિયામાં પ્રભુચૈતન્ય બાલભાવે સુતો છે પ્રવચનમાતા ચૈતન્યના હાલરડાં ગાઈને તેને
જગાડે છે. લૌકિકમાતા તો બાળકને ઊંઘાડવા માટે હાલરડાં ગાય છે; અને આ પ્રવચનમાતા તો, શરીર
અને રાગને પોતાનું સ્વરૂપ માનીને સુતેલા બાલજીવોને જગાડવા માટે હાલરડાં ગાય છે: અરે જીવ! તું
જાગ. જડથી ને રાગથી જુદો પડીને તારા ચૈતન્યના શાંતરસનું પાન કર...શાંતરસમાં નિમગ્ન થા.
જેમ મોરલીના મધુર નાદે સર્પ ઝેરને ભૂલી જાય છે ને મોરલીના નાદમાં એકાગ્ર થઈને ડોલી
ઊઠે છે; તેમ આ સમયસારની વાણીરૂપ આચાર્યદેવની મધુર મોરલીના નાદે કયો આત્મા ન ડોલે?
ચૈતન્યના શાંતરસના રણકાર સાંભળીને કયા જીવનું ઝેર(–મિથ્યાત્વ) ન ઊતરી જાય? ને કોણ ન
જાગે? બધાય જાગે...બધાય ડોલે. અહા! આત્માની અદ્ભુત વાત સાંભળતાં અસંખ્યપ્રદેશે
ઝણઝણાટથી આત્માર્થી જીવ ડોલી ઊઠે છે ને ચૈતન્યના શાંતરસમાં મગ્ન થાય છે.
જુઓ, આ ચૈતન્યરાજાને પ્રસન્ન કરવાનું ભેટણું! આવી અંર્તપરિણતિરૂપી ભેટણું આપ્યા વગર
આત્મરાજા કોઈ રીતે રીઝે એવો નથી. પરિણતિને અંતરમાં અકાગ્ર કરતાં ચૈતન્યના અસંખ્યપ્રદેશે
શાંતરસનો સમુદ્ર ઉલ્લસે છે, તે શાંતરસમાં નિમગ્ન થવા માટે આખા જગતના જીવોને આમંત્રણ છે:
બધા આવો..બધા આવો! મને આવો શાંતરસ પ્રગટયો અને જગતનો કોઈ જીવ રહી જવો ન જોઈએ.
સમયસાર–કલશ ૩૨ ઉપરનાં પ્રવચનોમાંથી.