માગશર : ૨૪૮૬ : ૧૩ :
–પરમ શાંતિ દાતારી–
અધ્યાત્મ ભાવના
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
(‘આત્મધર્મ’ ની અધ્યાત્મરસ ભરપૂર સહેલી ચાલુ લેખમાળા)
૩૮મી ગાથામાં કહ્યું કે જેનું ચિત્ત ચૈતન્યમાં સ્થિર નથી તેને જ માન–અપમાનના વિકલ્પો
સતાવે છે; પરંતુ જેનું ચિત્ત ચૈતન્યમાં સ્થિર છે તેને માન–અપમાનના વિકલ્પો થતા નથી. હવે તે માન–
અપમાન સંબંધી વિકલ્પો કઈ રીતે દૂર કરવા? તે કહે છે–
यदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः।
तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।।३९।।
માન–અપમાન સંબંધી રાગદ્વેષ થવાનો પ્રસંગ આવતાં, તે જ ક્ષણે બહારથી ચિત્તને પાછું
વાળીને અંતરમાં સ્વસ્થ આત્માને–શુદ્ધ આત્માને ભાવવો. શુદ્ધ આત્માની ભાવનાથી ક્ષણમાત્રમાં
રાગદ્વેષ શાંત થઈ જાય છે.
પહેલાં તો રાગાદિથી રહિત, ને પરથી રહિત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ઓળખાણ કરવી
જોઈએ, પછી વિશેષ સમાધિની આ વાત છે. શુદ્ધ આત્માની ભાવના સિવાય રાગદ્વેષ ટાળવાનો ને
સમાધિ થવાનો બીજો કોઈ ઉપાય નથી. અંતર્મુખ થઈને ચૈતન્યને સ્પર્શતાં જ રાગાદિ અલોપ થઈ જાય
છે...ને ઉપશાંત રસની જ ધારા વહે છે. આનું નામ વીતરાગ સમાધિ છે.
(૨૪૮૨ જેઠ વદ ૧૧)
રાગ–દ્વેષ, ક્રોધ–માન–માયા–લોભની ઉત્પત્તિનું મૂળ કારણ અજ્ઞાન છે. જ્યાં મૂળમાં અજ્ઞાન
પડયું છે ત્યાં રાગ–દ્વેષાદિ વિભાવનું ઝાડ ફાલ્યા વિના રહેશે નહિ. ભેદવિજ્ઞાનવડે દેહ અને આત્માને
ભિન્ન ભિન્ન જાણીને આત્માની ભાવના કરવી તે જ રાગ–દ્વેષાદિ વિભાવોના નાશનો ઉપાય છે.
સમકિતીને રાગ–દ્વેષના કાળે પણ તેનાથી ભિન્ન ચૈતન્યનું ભેદજ્ઞાન તો સાથે વર્તી જ રહ્યું છે. તે
ભેદજ્ઞાન ઉપરાંત, અસ્થિરતાના રાગદ્વેષ ટાળવા માટે જ્ઞાની ચૈતન્યસ્વભાવનું ચિંતન કરે છે.
અરે! પહેલાં અંદરમાં આત્માની ખટક જાગવી જોઈએ કે મારા આત્માને કઈ રીતે શાંતિ થાય!!
મારા આત્માને કોણ શરણરૂપ છે!! સંતો કહે છે કે આ દેહ કે રાગ કોઈ તારું શરણ નથી. પ્રભો! અંદર
એક સમયમાં જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છે; તેને ઓળખ ભાઈ!
બે સગા ભાઈ હોય, બેય નરકમાં એક સાથે હોય, એક સમકિતી હોય ને બીજો મિથ્યાદ્રષ્ટિ
હોય! ત્યાં સમકિતીને તો નરકની ઘોર પ્રતિકૂળતામાં પણ ચૈતન્યના આનંદનું અંશે વેદન પણ સાથે
વર્તી રહ્યું છે. મિથ્યાદ્રષ્ટિ એકલા સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે...તેના ભાઈને પૂછે
છે કે ‘અરે ભાઈ! કોઈ