Atmadharma magazine - Ank 194
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 19

background image
વૈરાગ્ય સમાચાર
પોરબંદરના શેઠશ્રી ભૂરાલાલ ભુદરજી કારતક વદ એકમના
રોજ ૬પ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા પાંચેક માસથી
પક્ષઘાતને લીધે તેઓ પથારીવશ હતા. સં. ૨૦૧૦માં પોરબંદરમાં
પંચકલ્યાણકમહોત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવના સમાગમથી તેઓ દિ.
જૈનધર્મ પ્રત્યે આકર્ષાયા હતા અને ઉત્સવમાં તેમણે પ્રેમપૂર્વક ભાગ
લીધો હતો. તેમાં પણ પ્રતિષ્ઠા વખતે તેઓએ જ્યારે
જિનેન્દ્રપ્રતિમાને પોતાના શિર પર ચઢાવીને મંદિરમાં બિરાજમાન
કર્યા ત્યારે ભગવાન પ્રત્યેનો તેમનો ભક્તિભાવ દેખીને સૌને
પ્રસન્નતા થતી હતી. ત્યારપછી તેઓ અવારનવાર સોનગઢ આવીને
લાભ લેતા. શિખરજી યાત્રા અને દક્ષિણયાત્રા બંનેમાં તેઓએ
ઉત્સાહથી ભાગ લીધો હતો. અને શિખરજીયાત્રાના ફંડમાં તેમણે
ઉત્સાહપૂર્વક રૂા. ૧૦,૦૦૦) આપ્યા હતા. તેઓ ઉદાર અને ઉત્સાહી
હતા. પોતાના વિશાળ કુટુંબમાં પણ તેઓ ધાર્મિક સંસ્કાર સિંચતા
ગયા છે. તેમની માંદગી દરમિયાન પૂ. ગુરુદેવ અનેકવાર તેમને યાદ
કરતા અને દેહનું અકર્તાપણું સમજાવવા તેમનું દ્રષ્ટાંત આપતા.
સં. ૨૦૧૪માં તેમના ખાસ આગ્રહથી પૂ. ગુરુદેવ પોરબંદર
પધાર્યા, ત્યારે તે સંબંધી બધું ખર્ચ તેમણે આપેલું. તેમના સ્વર્ગવાસથી
પોરબંદરને તેમજ આખા સૌરાષ્ટ્રનાં દિ. જૈનસંઘને એક સારા
આગેવાનની ખોટ પડી છે. તેમનું આખું કુટુંબ ધાર્મિક પ્રેમ ધરાવે છે.
તેઓ પોતાના કુટુંબને માટે ધાર્મિકપ્રેમનો જે વિશિષ્ટ વારસો સોંપીને
ગયા છે તે વારસો સંભાળીને તેમના કુટુંબીજનો તેમાં વૃદ્ધિ કરે અને
તેમણે પોતાના કુટુંબમાં વાવેલા ધર્મપ્રેમનાં બીજ ફૂલે–ફળે એવી આશા
રાખીએ છીએ. શ્રી ભૂરાલાલભાઈનો આત્મા સત્દેવગુરુધર્મની
ઉપાસનામાં આગળ વધીને આત્મહિત સાધે...એ જ ભાવના.
હવે બસ!
હે આત્મા! હવે બસ!! નર્કનાં અનંત દુઃખો, જે સાંભળતાં પણ
હૃદયમાં કંપારી ઊઠે એવા દુઃખો અનંતકાળમાં અનંતવાર તેં સહન કર્યા...પણ
હજી સુધી સુખ કે શાંતિનો એક અંશ પણ તેં અનુભવ્યો નથી...કેમકે તારા
સ્વરૂપનું સાચું ભાન એક ક્ષણ પણ કદી તેં નથી કર્યું. અજ્ઞાનનું સેવન
કરીકરીને તારા આત્માને તેં દુઃખમાં જ ધકેલ્યો છે...હે આત્મા! હવે બસ કર!
બસ કર! આ ઉત્તમ મનુષ્યભવમાં અનંત કાળના અનંતદુઃખો ટાળવાનો, ને
સાચું સુખ પામવાનો અવસર આવ્યો છે...અત્યારે જો તારું સ્વરૂપ જાણવાનો
સાચો ઉપાય તું નહિ કર તો ફરી ચોરાસીના ચક્કરમાં ભ્રમણ કરવું
પડશે...આવા અવસરમાં તારા આત્માને આ ચોરાસીના ચક્કરમાંથી નહિ
છોડાવ તો પછી કયારે છોડાવીશ! માટે હે આત્મા! હવે તું જાગ...અને તારા
આત્મહિતને માટે સાવધાન થા.