પોષ: ૨૪૮૬ : ૧૩ :
થાય છે ને વીતરાગી આનંદનો અનુભવ થાય છે,–એમ પૂર્વ ગાથામાં કહ્યું. એ જ વાતને દ્રઢ કરતાં હવે
કહે છે કે આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્માની ભાવનાથી જ નાશ થાય છે–જેઓ
આત્મજ્ઞાનનો ઉદ્યમ નથી કરતા તેઓ ઘોર તપ કરે તોપણ નિર્વાણ પામતા નથી.–
आत्मविभ्रमजं दुखमात्मज्ञानात्प्रशाम्यति।
नायतास्तत्र निर्वान्ति कृत्वाति परमं तपः।।४१।।
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેને ભૂલીને દેહાદિકમાં આત્મબુદ્ધિરૂપ જે વિભ્રમ છે તે જ દુઃખનું
મૂળ છે. તે આત્મા–વિભ્રમથી થયેલું દુઃખ આત્મજ્ઞાનવડે જ દૂર થાય છે. ‘દેહાદિકથી ભિન્ન
જ્ઞાનદર્શનસ્વરૂપ જ હું છું, બીજું કાંઈ મારું નથી.’ એવા આત્મજ્ઞાન વગર દુઃખ મટવાનો બીજો કોઈ
ઉપાય નથી. આવા આત્મજ્ઞાન વગર ઘોર તપ કરે તોપણ જીવ નિર્વાણપદને પામતો નથી.
જેઓ આત્મજ્ઞાનનો તો પ્રયત્ન કરતા નથી ને વ્રતતપનો જ ઉદ્યમ કરે છે તેઓ માત્ર કલેશ જ
પામે છે, નિર્વાણને પામતા નથી. તેને જે વ્રત–તપ છે તે આત્માની ભાવનાથી નથી પણ રાગની અને
વિષયોની જ ભાવનાથી છે. ભલે સીધી રીતે વિષયોની ઈચ્છારૂપ પાપભાવના તો ન હોય, પરંતુ
અંતરમાં વિષયાતીત ચૈતન્યનું વેદન નથી કરતો તે રાગના જ વેદનમાં અટક્યો છે, એટલે તેના
અભિપ્રાયમાં રાગની ને રાગના ફળરૂપ ઈંદ્રિયવિષયોની ભાવના પડી જ છે. આત્માના અતીન્દ્રિય
આનંદના સ્વાદ વગર વિષયોની ભાવના ખરેખર તૂટે જ નહિ.
જેઓ આત્મજ્ઞાનનો પ્રયત્ન કરે છે તેઓ જ દુઃખથી છૂટે છે. જેઓ આત્મજ્ઞાનનો પ્રયત્ન નથી
કરતા તેઓ દુઃખથી છૂટતા નથી.
જુઓ, આ પૂજ્યપાદસ્વામીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર ‘સર્વાર્થસિદ્ધિ’–નામની મહાન ટીકા રચી છે;
તેઓ કહે છે કે આત્માનો વિભ્રમ તે જ દુઃખનું કારણ છે; કર્મના કારણે દુઃખ છે એમ ન કહ્યું, પણ
આત્મજ્ઞાનનો પ્રયત્ન પોતે નથી કરતો તેથી જ દુઃખ છે. ‘કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ’
પોતાની ભૂલથી જ આત્મા દુઃખી થાય છે, કર્મ બિચારું શું કરે? પોતે જ આત્મજ્ઞાનનો યત્ન નથી કરતો
તેથી દુઃખ છે, છતાં અજ્ઞાની કર્મનો વાંક કાઢે છે કે કર્મ દુઃખ આપે છે,–પોતાનો વાંક બીજા ઉપર ઢોળે
છે–તે અનીતિ છે, તે જૈનનીતિને જાણતો નથી. જો જિનધર્મને જાણે તો આવી અનીતિ સંભવે નહીં.
મોક્ષમાર્ગપ્રકાશકમાં કહે છે કે: “તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ જીવનો જ દોષ છે......
તત્ત્વનિર્ણય કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે.....તું પોતે તો મહંત રહેવા
ઈચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકમાં લગાવે છે. પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે
નહિ”.....એટલે કે પોતાનો દોષ જે કર્મ ઉપર ઢોળે છે તે જીવ જિનાજ્ઞાથી બહાર છે.
આત્મસ્વરૂપના જ્ઞાન વગર તેમાં એકાગ્રતારૂપ તપ હોય જ નહિ. આત્મજ્ઞાન વગર હઠથી વ્રત–તપ
કરવા માંગે તેમાં એકલું કષ્ટ છે, ભલે શુભરાગથી કરે તો પણ તેમાં કેવળ કષ્ટ છે, આત્માની શાંતિ તેમાં
જરા પણ નથી. દુઃખનું કારણ તો આત્મ–વિભ્રમ છે, તે ભ્રમણા ટાળ્યા વગર દુઃખ ટળે જ નહિ. આનંદનું
વેદન તે જ દુઃખના અભાવની રીત છે. જે તપમાં આત્માના આનંદનું વેદન નથી તેમાં કષ્ટ જ છે.
આત્મજ્ઞાન વગર રાગાદિક ખરેખર ઘટે જ નહિ. પહેલાં આત્મજ્ઞાન કરે પછી તેમાં લીનતાવડે
રાગાદિક ઘટતાં વ્રત–તપ ને મુનિદશા થાય છે. પં. ટોડરમલ્લજી પણ કહે છે કે: જિનમતમાં તો એવી
પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ તો સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે
તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે, માટે પહેલાં દ્રવ્યાનુયોગ–અનુસાર શ્રદ્ધાન કરી
સમ્યગ્દ્રષ્ટિ થાય અને પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય.
જીવને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્યાંસુધી લક્ષમાં ન આવે ત્યાંસુધી પરભાવોમાંથી આત્મબુદ્ધિ
છૂટે નહિ; એટલે રાગાદિ પરભાવના વેદનમાં અટકીને ‘આટલો જ હું’ , અથવા દેહાદિની ક્રિયા તે જ
હું,–એવી આત્મભ્રમણાથી પરભાવોમાં જ લીન થઈને જીવ મહાદુઃખ વેદી રહ્યો છે, આ આત્મભ્રમણા જ
મહાદુઃખનું મૂળિયું છે એ વાત જ્યાંસુધી ખ્યાલમાં ન આવે ત્યાંસુધી આત્મજ્ઞાનનો સાચો પુરુષાર્થ જાગે
નહીં. અને આત્મજ્ઞાન વગર સાચી શાંતિ થાય નહિ.