: ૧૨ : આત્મધર્મ : ૧૯૬
બંધનથી છૂટકારાનો ઉપાય બતાવીને
આચાર્યદેવ શિષ્યની જિજ્ઞાસા તૃપ્ત કરે છે.
(શ્રી સમયસાર ગા. ૬૯ થી ૭૨ ઉપરનાં
પ્રવચનોનું દોહન : ગતાંકથી ચાલુ)
વિદેહક્ષેત્રમાં આઠ આઠ વર્ષની બાલિકાઓ ને
રાજકુમારો આવી આત્મપ્રતીતિ કરી રહ્યા છે.–કેવી પ્રતીતિ? કે
ગણધર ભગવાન જેવી. વાહ! આઠ વર્ષનો બાળ હોય...હજી તો
બાળપણાના ખેલ ખેલતો હોય...પણ અંદર જુઓ તો ગણધર
જેવો વિવેક આત્મામાં વર્તતો હોય! ધન્ય એ દશા!–એવી દશા
કેમ પ્રગટે? તેનું આ વર્ણન છે.
(૧૨૨) જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે–એમ આચાર્યદેવે કહ્યું; તે જ્ઞાન કેવું છે? કે
ક્રોધાદિ આસ્રવોથી નિવર્તેલું છે. કારણ કે જો તેનાથી નિવર્તેલું ન હોય તો તેને આત્મા અને આસ્રવોના
પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્તિની સાથે જે અવિનાભાવી છે
એવા જ્ઞાનથી જ બંધન અટકે છે. શાસ્ત્રો વાંચીને કે સાંભળીને એકલી ધારણા કરી જાય, પણ અંર્ત
સ્વભાવમાં વળીને ક્રોધાદિથી જુદું ન પરિણમે, તો એવા જ્ઞાનથી (જાણપણાથી) કાંઈ બંધન અટકતું
નથી, ખરેખર તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે.
(૧૨૩) આત્માના સ્વભાવની ઓળખાણ–પ્રતીત–અનુભવ કરીને ક્રોધાદિ ભાવોથી જે જુદો
પડતો નથી, પાછો વળતો નથી, ભેદ પાડતો નથી તેને ભેદજ્ઞાનની સિદ્ધિ જ થતી નથી. પહેલાંની માફક
ક્રોધાદિમાં એકમેકપણે જ વર્ત્યા કરે તો એવા જ્ઞાનને ભેદજ્ઞાન કોણ કહે?
(૧૨૪) કોઈ કહે કે પહેલાં ભેદજ્ઞાન થાય પછી ક્રોધાદિથી નિવર્તે.–તો એમ નથી. જે સમ્યગ્જ્ઞાન
પ્રગટે છે તે ક્રોધાદિથી નિવર્તતું થકું જ પ્રગટે છે, એટલે જે વખતે સમ્યગ્જ્ઞાન પ્રગટે છે તે જ વખતે
ક્રોધાદિથી નિવૃત્તિ થાય છે; આ રીતે, ભેદજ્ઞાન થવાનો અને ક્રોધાદિથી નિવર્તવાનો એ બંનેનો એક જ
કાળ છે.
(૧૨પ) કોઈ કહે કે અમને ભેદજ્ઞાન થયું છે પણ હજી ક્રોધાદિથી ભિન્નપણું ભાસ્યું નથી,–તો
એની વાત ખોટી છે, તેને ભેદજ્ઞાન થયું જ નથી.
બીજો કોઈ એમ કહે કે અમને ક્રોધાદિથી આત્માનું જુદાપણું ભાસ્યું છે પણ હજી ભેદજ્ઞાન થયું
નથી,–તો એની વાત પણ ખોટી છે, તેને ક્રોધાદિથી આત્માનું ભિન્નપણું ખરેખર ભાસ્યું જ નથી.