Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૨૨ : આત્મધર્મ : ૧૯૬
મોક્ષ–માર્ગના આશ્રયે
કદી બંધન થતું નથી

પુણ્ય–પાપ અધિકારમાં આચાર્યદેવ કહે છે કે : અશુભકર્મ કે શુભકર્મ એ બંને કર્મો જીવને
સંસારનું કારણ છે, તેથી તેમનામાં તફાવત નથી, તફાવત વગર જ તે બંને નિષેધવા યોગ્ય છે.
ત્યાં શિષ્ય પૂછે છે કે પ્રભો! કોઈ કર્મ તો મોક્ષમાર્ગને આશ્રિત છે અને કોઈ કર્મ
બંધમાર્ગને આશ્રિત છે,–તો તે બંનેનો નિષેધ શા માટે કહો છો? અથવા તે બંનેને સમાન શા માટે
કહો છો? મોક્ષમાર્ગમાં વર્તતા શુભકર્મને આદરણીય કહોને?
આચાર્યદેવ તેને સમજાવે છે : સાંભળ ભાઈ! મોક્ષમાર્ગમાં વર્તતા શુભકર્મને તું
મોક્ષમાર્ગના આશ્રયે માને છે તે તારી ભૂલ છે, તે શુભકર્મ પણ બંધમાર્ગને આશ્રિત જ છે. કેવળ
જીવમય એવો જે મોક્ષમાર્ગ, તેના આશ્રયે કોઈ પણ કર્મ બંધાતું નથી. જે સંસારમાં પ્રવેશ
કરાવનારું છે એવું કર્મ મોક્ષમાર્ગના આશ્રયે કેમ ઉત્પન્ન થાય? ન જ થાય. તે કર્મ તો બંધમાર્ગના
આશ્રયે જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગ જુદા છે–એ વાત ખરી, પણ તેથી કાંઈ શુભ ને
અશુભકર્મનો આશ્રય જુદો જુદો હોવાનું સિદ્ધ થતું નથી. શુભ કર્મ મોક્ષમાર્ગના આશ્રયે ને
અશુભકર્મ બંધમાર્ગના આશ્રયે–એમ શુભ–અશુભના આશ્રયની ભિન્નતા નથી, બંને એકલા
બંધમાર્ગને જ આશ્રયે છે તેથી બંને એક જ છે. મોક્ષમાર્ગમાં વર્તતા જીવને શુભકર્મ દેખીને, જે
અજ્ઞાની મોક્ષમાર્ગના વાસ્તવિક સ્વરૂપને નથી ઓળખતો તેને, એમ થાય છે કે આ શુભકર્મ
મોક્ષમાર્ગના આશ્રયે બંધાયું.–પરંતુ ખરેખર એમ નથી, તે શુભકર્મ પણ બંધમાર્ગને જ આશ્રિત છે.
જો મોક્ષમાર્ગને આશ્રિત પણ કર્મ બંધાતું હોય તો તો કર્મથી છૂટકારાનો કોઈ ઉપાય જ ન રહ્યો!–
પરંતુ જેમ બંધમાર્ગના આશ્રયે કદી મુક્તિ નથી થતી, તેમ મોક્ષમાર્ગના આશ્રયે કદી બંધન થતું
નથી. માટે,–બંધમાર્ગને આશ્રયે વર્તતું એવું અશુભ કે શુભ બંને કર્મ મોક્ષાર્થીએ નિષેધવા યોગ્ય
છે; અને જીવના આશ્રયે વર્તતો એવો મોક્ષમાર્ગ,–કે જે કર્મના બંધનું કારણ નથી પણ મોક્ષનું જ
કારણ છે તે જ આદરપૂર્વક સેવવા યોગ્ય છે. –સમયસાર ગા. ૧૪પ ના પ્રવચનમાંથી.
સર્વે મનોરથની સિદ્ધિનો ઉપાય
જે જીવ! તારા ચિદાનંદસ્વભાવનું શરણ
લેતાં સર્વ મનોરથની સિદ્ધિ થઈ જશે. કયા
મનોરથ? – કે મોક્ષનાં; મુમુક્ષુને મોક્ષ સિવાય
બીજા શેનાં મનોરથ હોય?