: ૧૦ : આત્મધર્મ: ૨૦૦
(પ૬) કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનનું અપાર માહાત્મ્ય છે. ગુરુદેવે ઘણાં વર્ષો પહેલાં રાજકોટમાં
શ્રીમદ્ રાજચંદ્રજીની જયંતિ પ્રસંગે કહ્યું હતું કે ‘સમ્યગ્દ્રષ્ટિ બળદની ખરી જે વિષ્ટા ઉપર પડે તે વિષ્ટા
પણ ધન્ય છે.’ પ્રત્યેક પદાર્થને પોતાના સ્પર્શમાત્રથી ધન્ય બનાવનાર સમ્યગ્દ્રષ્ટિ મહાપુરુષની
જન્મજયંતિ ઉજવવાનો આજનો પ્રસંગ આપણા માટે અતિ આનંદોલ્લાસનો પ્રસંગ છે.
(પ૯મા જન્મોત્સવપ્રસંગે વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહના ભાષણમાંથી)
(પ૭) હે મુનિ! આત્મા કલ્યાણસ્વરૂપ છે એમાં તું તારા મનને જોડ, તેને છોડીને બહાર ન જા.
(પ૮) હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા
અને એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો–
તપાસ કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં જેનું તેજ, પ્રતાપ, પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા
આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. (–જરૂર થશે જ.)
(પ૯) તીર્થંકરોનો પંથ સ્વાશ્રયનો જ છે. તીર્થંકરોના ઉપદેશમાં સંપૂર્ણ સ્વાશ્રયનો જ આદેશ છે.
મોક્ષમાર્ગમાં અંશમાત્ર પરાશ્રયભાવ તીર્થંકરોએ ઉપદેશ્યો નથી. જે જીવ સ્વાશ્રય નથી કરતો તે જીવ
તીર્થંકરોના ઉપદેશના આશયને સમજ્યો નથી.–આવો શ્રી તીર્થંકરોનો પંથ જ્ઞાનીઓ બતાવે છે અને
જગતના જીવોને હાકલ કરે છે કે હે જગતના જીવો! મોક્ષનો માર્ગ આત્માશ્રિત છે. તમે પરાશ્રયને
છોડીને આ સ્વાશ્રિતમાર્ગમાં નિઃશંકપણે ચાલ્યા આવો.
(૬૦) જીવનું પોતાનું નિજસ્વરૂપ વીતરાગ છે, વીતરાગ છે, વીતરાગ છે; જેઓ તે
વીતરાગસ્વરૂપનું વારંવાર કથન કરે છે તે જ સદા ગુરુપદે શોભે છે. *** શ્રી ગુરુ જ્ઞાનને સ્થિરીભૂત
કરીને પોતાના આત્માને તો વીતરાગસ્વરૂપ અનુભવે છે, અને જ્યારે કોઈને ઉપદેશ પણ આપે છે
ત્યારે અન્ય સર્વે દૂર કરીને એક જીવનું નિજસ્વરૂપ વીતરાગ છે તેનું જ વારંવાર કથન કરે છે.
વીતરાગસ્વરૂપ સિવાય બીજો કોઈ અભ્યાસ તેમને નથી. (–આત્માવલોકન)
(૬૧) શ્રી કુંદકુંદ ભગવાન ભવ્ય જીવોને મોક્ષ માટે આમંત્રણ આપે છે; અમારા ઘરે
મોક્ષદશાની રસોઈ તૈયાર થઈ ગઈ છે. અમે તને જે કહીએ છીએ તેની હા પાડ, તો તું મોક્ષદશા માટેનાં
ભાણે બેઠો છે. ભાણે બેઠા પછી મોક્ષદશાનાં ભોજન આવતાં વાર નહિ લાગે. અરે, આવ તો ખરો! હા
તો પાડ! આત્માના સ્વભાવસુખનો સ્વીકાર તો કર.
(૬૨) સમુદ્રનાં પાણીથી પણ જેની તૃષા ન છીપી તેની તૃષા એક ટીપું પાણીથી તૂટવાની નથી;
તેમ આ જીવે સ્વર્ગાદિ ભોગ અનંતવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહિ, તો સડેલા ઢીંગલા સમાન આ
માનવદેહના ભોગથી તેને કદાપિ તૃપ્તિ થવાની નથી, માટે ભોગ ખાતર જિંદગી ગાળવા કરતાં મનુષ્ય
જીવનમાં બ્રહ્મચર્ય પાળવું અને તત્ત્વનો અભ્યાસ કરવો તે જ માનવજીવનનું ઉત્કૃષ્ટ કર્તવ્ય છે.
(૬૩) હે જીવો! અંદરમાં ઠરો.....રે...ઠરો! અનંત મહિમાવંત શુદ્ધ આત્મસ્વભાવનો આજે જ
અનુભવ કરો.
(૬૪) હે ભાઈ! ચૈતન્ય ભગવાન કેવા છે તેને જોવાને એક વાર કુતુહલ તો કર. જો દુનિયાની
અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રોકાઈશ તો તારા ચૈતન્યભગવાનને તું જોઈ શકીશ નહિ, માટે દુનિયાનું
લક્ષ છોડી દઈ અને તેનાથી એકલો પડી એક વાર મહાન કષ્ટે પણ તત્ત્વનો કૌતૂહલી થા.
(૬પ) અહો! કુંદકુંદાચાર્યદેવની શું વાત કરીએ? કુંદકુંદાચાર્યદેવ તો ભગવાન કહેવાય. એમનું
વચન એટલે કેવળીનું વચન. અંતરમાં અધ્યાત્મના પ્યાલા ફાટી ગયેલા હતા. એકદમ કેવળજ્ઞાનની
તૈયારી હતી. વીતરાગભાવે અંતરમાં ઠરતાં ઠરતાં વળી છદ્મસ્થ દશામાં રહી ગયા, ને વિકલ્પ ઊઠતાં
આ સમયસારાદિ મહાન શાસ્ત્રો રચાઈ ગયાં.–એટલા વળી જગતના મહાભાગ્ય!