Atmadharma magazine - Ank 200
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 33

background image
: ૨૨ : આત્મધર્મ: ૨૦૦
“ક્્યાં રહેવું?” તો જ્ઞાની કહે છે કે “અમારા નિજ ધર્મોમાં રહેવું.”
(૧૬૩) મહાપુરુષોએ એમ જોયું કે આત્મામાં જ સુખ છે. સંયોગમાં સુખ નથી; તેથી સંયોગ
તરફનું વલણ છોડીને તેઓ સ્વભાવમાં એકાગ્ર થયા. સ્વભાવ તરફની એકાગ્રતા તે સુખની જનેતા છે.
(૧૬૪) રાજગૃહી નગરીમાં......પૂ. ગુરુદેવે......વિપુલાચલ ઉપર વીરપ્રભુના સમવસરણના અને
દિવ્ય ધ્વનિના ધામને હૃદયની ઊંડી ઊર્મિઓપૂર્વક નજરે નીહાળ્‌યા.....દિવ્યધ્વનિ છૂટવાના એ ધન્ય
પ્રસંગને યાદ કરીને ભાવભીની અદ્ભુત ભક્તિ કરી.......જે ભૂમિમાં આત્માના જ્ઞાન–આનંદને પામેલા
જીવો વિચર્યા તે ભૂમિને જોતાં આત્માના જ્ઞાન–આનંદનું સ્મરણ જાગે છે.
“અનંત ચોવીસીના તીર્થંકરો અને આચાર્યોએ સત્ય દિગંબર જૈનધર્મને અર્થાત્ મોક્ષમાર્ગને
પ્રગટ કરનારો જે સંદેશ સંભળાવ્યો તે જ આમની (કાનજીસ્વામીની) વાણીમાં આપણા સાંભળવામાં
આવી રહ્યો છે.....આમની વાણીમાં તીર્થંકરોનું અને કુંદકુંદસ્વામીનું જ હૃદય હતું....આપની દ્રષ્ટિથી જે
પ્રતિપ્રાદિત થાય છે તે જગતને માટે કલ્યાણકારી છે.”
(–મધુવનમાં ઈંદોરના પંડિત શ્રી બંસીધરજી સિદ્ધાંતશાસ્ત્રીના ભાષણમાંથી)
(૧૬પ) રે જીવ! તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે, પરંતુ “આત્મા”
પણ એક વિષય છે,–એને તું કેમ ભૂલી જાય છે?–જેને લક્ષમાં લેતાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય–
એવા પરમ શાંત આનંદસ્વરૂપ સ્વવિષયને છોડીને દુઃખદાતાર એવા પરવિષયોમાં જ તું કાં રાચી રહ્યો
છે?–સ્વવિષયમાં એકાકાર થતાં જ તને એમ થશે કે ‘અહો, આવો મારો આત્મા!–અને પછી આ
સ્વવિષયના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બધા વિષયો તને અત્યંત તૂચ્છ લાગશે.
(૧૬૬) આ જિનાગમનો પ્રસિદ્ધ ઢંઢેરો છે કે મોક્ષ માટે જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ
કરો..... તે અનુભૂતિ જ ભગવાને મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
(૧૬૭) જે ધર્મી છે અથવા ધર્મનો ખરો જિજ્ઞાસુ છે તેને જગત કરતાં આત્મા વહાલો છે,
આત્મા કરતાં જગતમાં કાંઈ તેને વહાલું નથી. જેમ ગાયને પોતાના વાછરડાં પ્રત્યે, અને બાળકને
પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે? તેમ ધર્મીને પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે
અભેદબુદ્ધિથી પરમ વાત્સલ્ય હોય છે.
(૧૬૮) સભામાં હાજર હોવા છતાં જે શ્રોતાનો ઉપયોગ શ્રવણમાં નથી જોડાતો ને બીજે
બહારમાં ઉપયોગ ભમે છે તે શ્રોતાનો આત્મા ગેરહજાર છે. તેનું શરીર અહીં બેઠું છે પણ આત્માનો
ઉપયોગ તો બીજે ભમે છે, તેથી તે હાજર છતાં ગેરહાજર છે.
(૧૬૯) પ્રશ્ન:– પ્રજ્ઞા છીણીવડે આત્મા અને બંધનું ભેદજ્ઞાન કરતાં શું થાય?
ઉત્તર:– પ્રજ્ઞા છીણીવડે ભેદજ્ઞાન કરતાં જ આત્મામાં મોક્ષના સંદેશા આવી જાય, આત્મામાં સિદ્ધ
ભગવાન જેવા પરમ આનંદનો નમૂનો આવી જાય.
(૧૭૦) એ નાનકડો રાજકુંવર જ્યારે દીક્ષા લઈને મુનિ થાય, એક હાથમાં નાનકડું કમંડળ ને
બીજા હાથમાં મોરપીંછી લઈને નીકળે,–ત્યારે તો અહા! જાણે નાનકડા સિદ્ધભગવાન ઉપરથી ઊતર્યાં,
વૈરાગ્યનો અબધૂત દેખાવ! આનંદમાં લીનતા! વાહ રે વાહ!! ધન્ય તારી દશા.
(૧૭૧) ભલે બોમ્બગોળો કે કૃત્રિમ ઉપગ્રહ શું છે તેની ખબર ન હોય, પણ જો આત્મસ્વરૂપને
જાણીને ભવસમુદ્રથી તરતાં આવડયું તો તે જીવ સમ્યક્વિદ્યામાં આગળ વધી રહ્યો છે, તેણે જ સાચું
“વિજ્ઞાન” જાણ્યું છે, ને તે વિજ્ઞાન તેને પરમશાંતિનું કારણ થાય છે.
–આ છે અધ્યાત્મ–વિજ્ઞાન!
–આ છે ભારતની અધ્યાત્મવિદ્યા!
सा विधा या विमुक्तये