Atmadharma magazine - Ank 200
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 33

background image
: ૬ : આત્મધર્મ: ૨૦૦
નિર્ણય કરી જ્ઞાનમાં લાવો...જે સત્પુરુષ છે તેમણે પોતાના કલ્યાણ અર્થે સર્વ સુખનું મૂળ કારણ જે
આપ્ત અર્હંત્ સર્વજ્ઞ તેનો યુક્તિપૂર્વક સારી રીતે સર્વથી પ્રથમ નિર્ણય કરી આશ્રય લેવો યોગ્ય છે...
સર્વથી પ્રથમ અર્હંત્ સર્વજ્ઞનો નિર્ણય કરવારૂપ કાર્ય કરવું–એ જ શ્રી ગુરુની મૂળ શિક્ષા છે.
(૨પ) જે આ મહાવીર ભગવાનનો નિર્વાણ કલ્યાણક ઊજવવાનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું છે
તે પ્રમાણે સમજીને જે પોતાનું સ્વરૂપ પ્રગટ કરશે તે મુક્તિને પામશે. ભગવાન મહાવીરના આત્માનું
સ્વરૂપ છે તેવું જ બધા આત્માનું સ્વરૂપ છે.
(૨૬) અહીં આખો આત્મસ્વભાવ પ્રસન્ન થાય છે; કોને પ્રસન્ન થાય છે?–જે જીવે.....પરિપૂર્ણ
સ્વભાવનો....નિર્ણય કર્યો તે જીવને સ્વભાવ પ્રસન્ન થાય છે. જ્યાં સ્વભાવને નિર્ણયમાં લીધો ત્યાં સ્વભાવ
પ્રસન્ન થઈને કહે છે કે માગ! માગ! જે દશા જોઈએ તે આપવા તૈયાર છું. પૂર્ણ સિદ્ધ પદ માગ! હું આ જ
ક્ષણે તે તને દઉં.–આ રીતે જે પર્યાયરૂપે પોતે થવા માગે તે પર્યાય સ્વભાવમાંથી પ્રગટી શકે છે.
(૨૭) “महाराजजी मेरे आनंदका पार नहि है, आप तो श्री वीरभगवान और कुन्दकुन्द
आचार्यका मार्ग प्रकाशीत कर रहा हो, मेरा आनंदकी क्या बात करुं! आपकी पास तो मोक्ष
जानेका सीधा रस्ता है।
” –ઈંદોરના સર હુકમીચંદજી શેઠ.
(૨૮) સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય કરનારના જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવી જ
જાય છે...કેવળજ્ઞાનને કબુલવામાં અનંત પુરુષાર્થની અસ્તિ આવે છે છતાં કબુલતો નથી તો તું માત્ર
વાતો જ કરે છે પણ તને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી. જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થની અને
ભવની શંકા ન હોય; સાચો નિર્ણય આવે અને પુરુષાર્થ ન આવે તેમ બને જ નહીં.
(૨૯) સ્વરૂપલીન થયેલા સાધક સંત મુનિને પરિષહનું જરાય દુઃખ નથી, એ તો પરમ સુખી
છે....આત્માના ચૈતન્યની પ્રેરણાના અમૃતઝરણાં પી રહ્યા છે....આત્માનું સુખ અનુભવવામાં તેઓ
એવા લીન છે કે શરીરનું લક્ષ નથી, અનંત સિદ્ધોની પંક્તિમાં બેસીને આત્માના અમૃતનો આનંદ
ભોગવી રહ્યા છે.....વંદન હો તે સાધક સંતમુનિને.
(૩૦) કુંદકુંદ ભગવાન પડકાર મારીને ચેતાવે છે કે ભાઈ રે! ધ્યાન રાખજે, સ્વભાવની
સાધકદશામાં વચ્ચે રાગ આવી પડશે ખરો, મુનિદશામાં પણ વિકલ્પ ઊઠશે ખરો, પણ તેને સાધન ન
માનીશ, તેની હોંશ ન કરીશ, તે બાધક છે, તેને બાધકપણે જાણીને છોડી દેજે અને નિશ્ચય સ્વભાવના જોરે
આગળ પગલાં ભરજે; એટલે કે નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિના જોરે જ તારી પર્યાય ક્રમેક્રમે શુદ્ધ થતી જશે.
(૩૧) શુભભાવ તે ધર્મનું પગથિયું નથી, પણ સમ્યક્ સમજણ તે જ ધર્મનું પગથિયું છે.
કેવળજ્ઞાનદશા તે સંપૂર્ણ ધર્મ છે અને સમ્યક્ સમજણ તે અંશે ધર્મ (શ્રદ્ધારૂપી ધર્મ) છે, તે શ્રદ્ધારૂપી
ધર્મ એ જ ધર્મનું પહેલું પગથિયું છે. આ રીતે ધર્મનું પગથિયું તે ધર્મરૂપ જ છે, પણ અધર્મરૂપ એવો
શુભભાવ તે કદાપિ ધર્મનું પગથિયું નથી....ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે ‘
दंसणमूलो धम्मो
ધર્મનું મૂળ દર્શન છે.
(૩૨) આચાર્ય કહે છે કે, જ્યારે અમારે સ્વરૂપમાં સમાઈ જવાના, વિકલ્પ તોડીને સ્થિર થવાના
અવસર આવ્યા અને તું સંસારના ભ્રમણથી થાકીને અમારી પાસે આવ્યો ત્યારે બીજું બધું ભૂલીને અમારો
અનુભવ સમજી લે. પ્રથમ ધડાકે એક વાત સાંભળી લે કે તું જ્ઞાયકસ્વરૂપ છો, મુક્ત જ છો. તારા સ્વતંત્ર
સ્વભાવની હા લાવ...એક વાર જુદા ચૈતન્યસ્વભાવ સમીપ આવીને અંર્તદ્રષ્ટિથી જો અને શ્રદ્ધા કર! તે
જ સમ્યગ્દર્શન છે. મુક્તસ્વભાવની હા પાડી, અંદરથી ઊછળીને સત્નો આદર કર્યો તે શ્રદ્ધા જ મોક્ષનું
બીજ છે. સ્વપ્નદશામાં પણ તે જ વિચાર, તેનો જ આદર અને તેના જ દર્શન થયા કરે.