અષાડ: ૨૪૮૬ : ૯ :
કેવળજ્ઞાન સાથે શ્રુતજ્ઞાનની અપૂર્વ સંધિ
નિજઘરમાં વસવું તેનું નામ વાસ્તુ
* શ્રુતપંચમીના દિવસે શેઠ મગનલાલ સુંદરજીના મકાનના વાસ્તુ
પ્રસંગે તેમના મકાનમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
આત્મા આનંદસ્વરૂપ સર્વજ્ઞ સ્વભાવી છે, તેના સ્વભાવનું યથાર્થ જ્ઞાન તે આનંદના અનુભવનું
કારણ છે.
આત્માનું વાસ્તવિકજ્ઞાન એટલે કે ભાવશ્રુતજ્ઞાન તે અનાકુળ–આનંદરૂપ છે; આજે શ્રુતપંચમી
છે. ભગવાનની પરંપરાથી આવેલું જે શ્રુતજ્ઞાન જળવાઈ રહ્યું, તેમાંથી પુષ્પદંત–ભૂતબલી આચાર્ય
ભગવંતોએ ષટ્ખંડ આગમની રચના કરી, ને તેનો ઘણો મોટો ઉત્સવ કરીને ચતુર્વિધ સંઘે શ્રુતજ્ઞાનનું
બહુમાન કર્યું; એ રીતે આજે શ્રુતજ્ઞાનની આરાધનાનો મોટો દિવસ છે.
શ્રુતજ્ઞાનની આરાધના કઈ રીતે થાય? તેની આ વાત છે. શ્રુતજ્ઞાને કહેલો જે આત્માનો પરમ
શુદ્ધસ્વભાવ, તેની સન્મુખ થઈને ભાવશ્રુતથી આત્માને જાણવો–અનુભવવો તે શ્રુતજ્ઞાનની આરાધના
છે. અને એવા શુદ્ધઆત્મસ્વભાવરૂપી નિજઘરમાં વસવું તે પરમાર્થ ‘વાસ્તુ’ છે. ચૈતન્યવસ્તુમાં વાસ
તેનું નામ વાસ્તુ; નિજઘરમાં પ્રવેશીને તેમાં રહેવું તેનું નામ વાસ્તુ. અનાદિથી પરભાવરૂપી પરઘરમાં
વસ્યો છે ત્યાંથી ખસ્યો, ને નિજઘરમાં આવીને વસ્યો, તેણે અપૂર્વ વાસ્તુ કર્યું, તે મંગળ છે, ને તે
કેવળજ્ઞાન તથા પૂર્ણ આનંદનું કારણ છે.
અહીં કેવળજ્ઞાનના મહિમાની વાત છે. પરમ પ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન તે અનાકુળ છે–આનંદરૂપ
છે; અને સાધકને ભાવશ્રુતજ્ઞાન પણ સ્વસંવેદનપ્રત્યક્ષ છે, ને તે પણ અનાકુળ છે ને આનંદરૂપ છે.
કેવળજ્ઞાન પરમપ્રત્યક્ષ છે.
સાધકનું શ્રુતજ્ઞાન સ્વસંવેદનપ્રત્યક્ષ છે.
તે બંને આનંદસ્વરૂપ છે.
તે બંને મંગળસ્વરૂપ છે.
તે બંનેમાં ડગલે ડગલે–મંગળ છે.
જેણે નિજસ્વરૂપની પ્રતીત કરીને ભાવશ્રુતથી તેમાં પ્રવેશ કર્યો તેણે અસંખ્યપ્રદેશી સ્વઘરમાં
વાસ્તુ કર્યું, તેને હવે પગલે પગલે (પર્યાયે પર્યાયે) આનંદ–મંગળની વૃદ્ધિ છે.
અહા! સંતોએ કેવળજ્ઞાન અને ભાવશ્રુતજ્ઞાનની સંધિ કરીને જગતના ભવ્ય જીવોને આનંદની
ભેટ આપી છે. કેવળજ્ઞાન એટલે દેવસ્વરૂપ; કેવળજ્ઞાન એટલે દિવ્યસ્વરૂપ; કેવળજ્ઞાન એટલે અરહંતનું
સ્વરૂપ; તેનો અચિંત્ય મહિમા છે. તેનો નિર્ણય થતાં આત્માનો નિર્ણય થાય છે; તેનો નિર્ણય થતાં
આનંદનો અનુભવ થાય છે, સાધક ભાવના અંકુરા ફૂટે છે.
કેવળજ્ઞાનનો વિસ્તાર કેટલો?–તે કેવળજ્ઞાન રહ્યું છે તો અસંખ્ય આત્મપ્રદેશમાં, પણ તેની સર્વ
શક્તિ ખૂલી ગઈ છે તેથી પોતાની દિવ્ય પ્રભુતાવડે તે સર્વ જ્ઞેયોમાં વ્યાપીને રહેલું છે એટલે કે તે સર્વ
જ્ઞેયોને જાણી લ્યે છે; તેથી તેને કોઈ જાતની આકુળતા, કુતૂહલ કે ઈચ્છા રહી નથી.
જુઓ, આ ચૈતન્યનું પાણી! જેમ શ્રીફળમાં મીઠું પાણી ભર્યું છે તેમ આત્મામાં આનંદમય
ચૈતન્યરસ ભર્યો છે.–તેના સ્વાદ પાસે જગતના બધા રસ ફીક્કા લાગે છે. પરમાં સુખ નથી, પરમાં સુખ
ભાસે છે તે તો માત્ર