: ૮ : આત્મધર્મ: ૨૦૧
અજ્ઞાની આત્મા પણ પરનો કર્તા થઈ શકતો નથી. અજ્ઞાનભાવે પણ ફકત પોતાના ઉપયોગને
રાગમાં જોડીને તે અશુદ્ધ ઉપયોગનો અને યોગનો કર્તા થાય છે. આ વિકારનું કર્તૃત્વ અજ્ઞાનદશામાં જ
છે. જ્ઞાનદશામાં જ્ઞાતા ભગવાન વિકારનો કર્તા કેમ થાય?–ન જ થાય. ધર્મીની દ્રષ્ટિમાં જ્ઞાતા ભગવાન
જ છે, તેની દ્રષ્ટિમાં રાગાદિ નથી, માટે તે રાગાદિનો અકર્તા જ છે. આ રીતે રાગાદિનો અકર્તા થઈને
પરિણમતાં તે મુક્તિ પામે છે. પહેલાં આત્માના આવા સ્વભાવને દ્રષ્ટિમાં લેવો તે મોક્ષનો માર્ગ છે.
કેટલાક કહે છે કે અમને કાંઈ સમજાતું નથી. આચાર્યદેવ કહે છે કે ભાઈ! જો આ સમજવાની
ખરી જરૂર અંતરમાં લાગે તો સમજાયા વગર રહે નહીં.–બીજું કેમ સમજાય છે?–તો આ કેમ ન
સમજાય? ભાઈ, આ સમજણ વિના સંસારની ચાર ગતિમાં તેં બેહદ દુઃખો ભોગવ્યાં. આ
ચૈતન્યતત્ત્વની સમજણ કર્યા સિવાય ચાર ગતિના દુઃખથી છૂટકારો થાય તેમ નથી.
વર્તમાનમાં અલ્પજ્ઞતા તથા વિકાર વર્તતો હોવા છતાં ધર્માત્માની દ્રષ્ટિના ધ્યેયમાં નિર્વિકાર
સર્વજ્ઞસ્વભાવ વર્તે છે; એટલે તે દ્રષ્ટિ વિકારનું કર્તૃત્વ સ્વીકારતી નથી. ધર્મી તો જ્ઞાનમાં જ વર્તતો થકો
જ્ઞાનભાવને જ કરે છે.
ધર્માત્મા સંતોએ અંતરમાં જે સાધનથી આત્મશાંતિ સાધી, તે જ તેઓ બતાવી રહ્યા છે. ભાઈ,
ધર્મનો પંથ આ જ છે. ધર્મનો પંથ આત્માના સ્વભાવને સ્પર્શીને શરૂ થાય છે, રાગમાંથી ધર્મનો પંથ
નીકળતો નથી. ધર્મીને જ્ઞાનના કાળે રાગ પણ હો ભલે, પણ તે રાગથી ભિન્નપણે રહીને તેને જાણે છે;
એટલે રાગના કાળે ભેદજ્ઞાનનો કાળ પણ સાથે જ વર્તે છે. અજ્ઞાની રાગના કાળે રાગમાં જ તન્મય વર્તે
છે, રાગથી ભિન્ન જ્ઞાનની તેને ખબર નથી, એટલે તે રાગની આકુળતાને જ વેદે છે, જ્ઞાનની શાંતિ તેને
વેદાતી નથી. જેને સાચી આત્મશાંતિનું વેદન કરવું હોય તેણે જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મા અને
રાગનું ભેદજ્ઞાન કરવું–તે જ ઉપાય છે.
‘બધું ભૂલી જા!’
જેમ કોઈને મહારોગ થયો હોય અને તેનું
ઓપરેશન કરવાનું હોય તો દાકતર તેને કલોરોફોર્મ
સુંઘાડીને બધું ભૂલાવી દે છે ને તેના રોગનું ઓપરેશન
કરી નાંખે છે....તેમ આત્માને લાગેલા મોહરૂપી
મહારોગનું ઓપરેશન કરવા માટે શ્રી ગુરુ કહે છે કે હે
જીવ! એકવાર ચૈતન્યની સુગંધ (–રુચિ કરીને) આખા
જગતને ભૂલી જા....જગતનું લક્ષ છોડ....ને આત્માનું
લક્ષ કર....જગતને ભૂલીને ચૈતન્યની રુચિ કરતાં જ
તારા મોહરૂપી રોગનું ઓપરેશન થઈ જશે.....ને તને
વીતરાગી સુખ અનુભવાશે.
–પ્રવચનમાંથી.