: ૧૨ : આત્મધર્મ: ૨૦૧
સંવર માટે ભેદજ્ઞાનની ભાવના
પ્રશ્ન:– સંવર કઈ રીતે થાય છે?
ઉત્તર:– ભેદવિજ્ઞાનથી સંવર થાય છે.
પ્રશ્ન:– ભેદવિજ્ઞાન એટલે શું?
ઉત્તર:– આત્મા ઉપયોગસ્વરૂપ છે, રાગાદિ
પરભાવોથી તે ભિન્ન છે,–એમ ઉપયોગને અને
રાગાદિને સર્વપ્રકારે અત્યંત જુદા જાણીને, રાગથી
ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન
પરિણમે તે ભેદવિજ્ઞાન છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાની શું કરે છે?
ઉત્તર:– તે ધર્માત્મા પોતાના ભેદવિજ્ઞાનની
શક્તિવડે નિજ મહિમામાં લીન થાય છે; તેઓ રાગરૂપે
જરા પણ નથી પરિણમતા, જ્ઞાનરૂપે જ રહે છે.
પ્રશ્ન:– ધર્માત્મા રાગરૂપે નથી પરિણમતા–એટલે
શું? તેમને રાગ તો હોય છે?
ઉત્તર:– રાગ હોવા છતાં ‘રાગ તે આત્મા છે’
એવી બુદ્ધિ તે ધર્માત્માને થતી નથી, એટલે રાગ
સાથે આત્માની એકતારૂપે તેઓ પરિણમતા નથી
પણ રાગથી જુદાપણે જ પરિણમે છે, માટે કહ્યું કે
ધર્માત્મા રાગરૂપે જરા પણ પરિણમતા નથી.
પ્રશ્ન:– ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે–એટલે શું?
ઉત્તર:– ભેદવિજ્ઞાની ધર્માત્મા સર્વ પ્રસંગે જાણે છે
કે ‘જ્ઞાનસ્વભાવ જ હું છું’ ગમે તેવી પ્રતિકૂળતાથી
ઘેરાઈ જાય તો પણ ‘હું જ્ઞાનસ્વભાવ જ છું’ એવી
શ્રદ્ધા તેમને છૂટતી નથી.–આ રીતે સર્વ પ્રસંગે
પોતાને ચૈતન્યસ્વભાવપણે જ અનુભવતા હોવાથી
ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે.
પ્રશ્ન:– ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે ને રાગરૂપે
જરા પણ નથી થતા–એ કોનું બળ છે?
ઉત્તર:– એ ભેદવિજ્ઞાનનું જ બળ છે.
ભેદવિજ્ઞાનની એવી તાકાત છે કે તે જ્ઞાનને જ્ઞાનરૂપે
જ રાખે છે, તેને જરાપણ વિપરીતતા પમાડતું નથી
તેમજ તેમાં રાગાદિભાવોને જરાપણ પ્રવેશવા દેતું
નથી. આ રીતે ભેદવિજ્ઞાનનું બળ જ્ઞાનને અને રાગને
ભેળસેળ થવા દેતું નથી પણ જુદા જ રાખે છે, તેથી
ભેદવિજ્ઞાની ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે ને રાગરૂપે
જરા પણ થતા નથી.
પ્રશ્ન:– સંસાર શું? ને સંવર શું?
ઉત્તર:– પરમાં એકતા તે સંસાર; ને
સ્વમાં એકતા તે સંવર.
અથવા
અજ્ઞાન તે સંસાર; ને
ભેદજ્ઞાન તે સંવર.
પ્રશ્ન:– સંસાર કેમ અટકે?–સંવર કેમ થાય?
ઉત્તર:– શુદ્ધ આત્માની પ્રાપ્તિથી સંસાર અટકે
છે, સંવર થાય છે.
પ્રશ્ન:– શુદ્ધ આત્માની પ્રાપ્તિ કેમ થાય?
ઉત્તર:– ભેદજ્ઞાનની તીવ્ર ભાવનાથી
શુદ્ધઆત્માની ઉપલબ્ધિ થાય છે, માટે ભેદજ્ઞાન
અત્યંત ભાવવા યોગ્ય છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાન ક્્યાં સુધી ભાવવું?
ઉત્તર:– અચ્છિન્નધારાથી ભેદજ્ઞાન ત્યાંસુધી
ભાવવું કે જ્યાંંસુધી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય.
પહેલાં પરથી ભિન્ન શુદ્ધઆત્માની ભાવના કરતાં
કરતાં જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં રાગાદિથી ભિન્ન થઈને
સમ્યગ્જ્ઞાન થાય છે. ત્યારપછી પણ પરથી ભિન્ન
એવા શુદ્ધાત્માની સતત ભાવના કરતાં કરતાં
કેવળજ્ઞાન થાય છે. માટે, કેવળજ્ઞાન થતાં સુધી
અચ્છિન્નધારાથી ભેદજ્ઞાન ભાવવું. આ ભેદજ્ઞાનની
ભાવના તે રાગરૂપ નથી પણ શુદ્ધઆત્માના
અનુભવરૂપ છે, એમ સમજવું.
અહીં કહ્યું કે ભેદજ્ઞાન અચ્છિન્નપણે ભાવવું ને
‘અતીવ’ એટલે કે અત્યંતપણે ભાવવું, ઉગ્રપણે
ભાવવું. થોડીક ભાવના કરીને થાકી ન જવું પણ
શુદ્ધાત્માનો સાક્ષાત્ અનુભવ થતા સુધી અતિ
દ્રઢપણે નિરંતર ભેદજ્ઞાનની ભાવના કરવી.
પ્રશ્ન:– આ ભેદજ્ઞાનનું ફળ શું છે?
ઉત્તર:– ભેદજ્ઞાનનું ફળ કેવળજ્ઞાન અને
સિદ્ધદશા છે. જે કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ
ભેદજ્ઞાનથી જ થાય છે.