Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૬ : આત્મધર્મ: ૨૦૨
એવા દેહાદિ હું નથી, પણ તેનો જે દ્રષ્ટા છે તે જ હું છું. હું પુરુષ નથી, હું તો આત્મા છું, હું સ્ત્રી નથી, હું
તો આત્મા છું. ઈન્દ્રિયના કોઈ ચિહ્નો હું નથી, ને તે ચિહ્નો વડે હું ઓળખાતો નથી; હું તો શરીરના
ચિહ્નોથી પાર અલિંગ છું, મારો આત્મા ઈંદ્રિયાદિ લિંગોથી અગ્રાહ્ય છે એટલે અલિંગગ્રાહ્ય છે.
(૨૪૮૨: અસાડ સુદ બીજ)
આ શરીર આકૃતિઓને કારણે જીવને વિકાર થાય છે–એમ જે માને છે તે જીવ પોતાને સ્ત્રી–
પુરુષ વગેરે શરીરરૂપે જ માને છે. ઈંદ્રિય વગેરેના અવલંબન વડે જ્ઞાન થાય–એમ જે માને છે તે પણ
ખરેખર ઈંદ્રિયોથી ભિન્ન આત્માને નથી માનતો પણ ઈંદ્રિયોને જ આત્મા માને છે. પાંચ ઈંદ્રિયો કે તેના
કોઈ પણ વિષયો તેમાં જે સુખ માને તે પણ ઈંદ્રિયને અને શરીરને જ આત્મા માને છે. અતીન્દ્રિય
આત્મા જ્યાં સુધી લક્ષમાં–પ્રતીતમાં ને અનુભવમાં ન આવે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે શરીરમાં
આત્મબુદ્ધિ વેદાતી જ હોય. અંતરાત્મપણું થાય તો બહિરાત્મપણું ટળે, એટલે અંતર્મુખ થાય તો
બહિરાત્મપણું ટળે, એટલે અંતર્મુખ થઈને દેહાદિથી પાર આત્માને ઓળખે તો તેમાં જ મમત્વબુદ્ધિ
થાય, ને દેહાદિમાં મમત્વબુદ્ધિ ટળે–પછી ગમે તેવા સુંદર દેહમાં પણ તેને સ્વપ્નેય સુખની કલ્પના ન
થાય.
સમ્યગ્દ્રષ્ટિ જીવ વસ્તુ સ્વરૂપનો જ્ઞાતા છે, દેહથી ભિન્ન પોતાનું ચૈતન્યસ્વરૂપ તેની પ્રતીતમાં
આવી ગયું છે, તેથી તે પોતાને ચૈતન્યસ્વરૂપે જ અનુભવે છે, સ્ત્રી વગેરેના કે પશુ વગેરેના દેહરૂપે તે
પોતાને માનતો નથી.
જુઓ, આ ભેદજ્ઞાનની બુદ્ધિ! આ ઉપલક ધારણાની વાત નથી પણ અંતરના વેદનની વાત છે. દેહ
અને રાગ બંનેથી પાર થઈને દ્રષ્ટિએ અંતરમાં અતીન્દ્રિય આનંદવાળું ચૈતન્ય તત્ત્વ દેખી લીધું છે, તે દ્રષ્ટિ
હવે આખા જગતને પોતાથી બાહ્યપણે જ દેખે છે–અને બાહ્યવસ્તુમાં સુખ કેમ હોય? તેથી કહ્યું છે કે–
સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન,
તે કહીએ જ્ઞાનીદશા બાકી વાચા–જ્ઞાન.
આ સંસારમાં જીવને દેહ–સ્ત્રી વગેરેના સંયોગો અનંતવાર આવ્યા ને ગયા, એ રીતે સંયોગપણે
અનંતવાર ભોગવાઈ ગયા હોવાથી તે બધા પદાર્થો ચૈતન્યને માટે એઠ જેવા છે, એઠને કોણ ફરીને
મુખમાં નાંખે? તેમાં કોણ સુખ માને? એ રીતે જ્ઞાનીને ચૈતન્યથી બાહ્ય આખા જગતમાં ક્્યાંય સુખની
કલ્પના નથી માટે તેને તો તે એઠ સમાન જ છે. અને, જગતના પદાર્થો જગતમાં છે, પરંતુ પોતે
અંતર્મુખ થઈને જ્યાં પોતાના આત્મામાં વળ્‌યો, ત્યાં તે સ્વતત્ત્વમાં જગત ભાસતું નથી માટે તેને સ્વપ્ન
સમાન કહ્યું.
અહા! આવા ચૈતન્યતત્ત્વના અનુભવની ધૂનમાં જગતની અનુકૂળતા–પ્રતિકૂળતા ક્્યાં જોવી?
ચૈતન્યની ધૂન આડે જગતની અનુકૂળતા–પ્રતિકૂળતા જોવામાં જ્ઞાની રોકાતા નથી, એટલે ગમે તેવા
પ્રસંગમાં પણ ચૈતન્યની સમાધિ તેને વર્ત્યા જ કરે છે. સમ્યગ્દર્શનમાં જ મહાન સમાધિની તાકાત છે.
સમ્યગ્દર્શન ગમે ત્યારે ગમે તેવા પ્રસંગમાં પણ સ્વવસ્તુને ભૂલતું નથી, સ્વવિષયમાં તેને ભ્રાંતિ થતી જ
નથી, એટલે તેને શાંતિ અને સમાધિ થાય છે. આ સિવાય જેને દેહાદિની ક્રિયામાં કર્તાપણું વર્તે છે એવા
અજ્ઞજીવોને કદી પણ સમાધિ કે શાંતિ થતી નથી.
ભ્રાંતિ હોય ત્યાં શાંતિ નહિ,
શાંતિ હોય ત્યાં ભ્રાંતિ નહિ.