Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૮ : આત્મધર્મ: ૨૦૨
એમ માનીને મફતના ખુવાર થાય છે; પણ આ ‘જ્ઞાન શક્તિ’ તે જ ખરી શક્તિ માતા છે, તે માતાનું
સેવન કર તો સુખ મળ્‌યા વગર રહે નહિ. જ્ઞાનશક્તિરૂપ માતાને ઓળખીને તેની સેવા કર તો અપૂર્વ
કલ્યાણ થાય. માટે હે ભવ્ય! તું તારા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને તેની પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થા
ને તેમાં તૃપ્ત થા.–તેનું પરિણામ શું આવશે?–કે તને પરમ સુખનો અનુભવ થશે.–આ જ સાચી
સફળતા છે; આવા આત્માની ઓળખાણ વગર લૌકિક ભણતરની ગમે તેટલી ડીગ્રી (–ઉપાધિ) મેળવે
તો પણ તે નિષ્ફળ છે, તેનાથી સુખ પમાતું નથી–માટે જેને પાસ થવું હોય–સફળ થવું હોય–સુખી થવું
હોય તેઓ જ્ઞાનવિદ્યાનો સતત્ અનુભવ કરો.
હે જીવ! તને આત્માની તરસ લાગી હોય, આત્મતૃષા જાગી હોય, ને તેની તૃપ્તિ કરવા માંગતો હો
તો આ જ્ઞાનરૂપી અમૃતનું પ્રીતિથી સેવન કર.–એનાથી જ તૃપ્તિ થશે, એ સિવાય રાગની પ્રીતિથી તૃપ્તિ
નહિ થાય, રાગના સેવનથી તો આકુળતા અને અતૃપ્તિ જ થશે. મુનિભગવંતો ચિદાનંદ સ્વરૂપમાં લીન
થઈને આનંદ રસના અનુભવથી તૃપ્ત–તૃપ્ત છે. બાહ્યવિષયના સેવનથી તૃપ્તિ થતી નથી. રાગ તે પણ
ખરેખર આત્મા નથી, તે રાગ અનુભવનીય નથી, તે તો પારકી ચીજ છે, તેનાથી તૃપ્તિ કેમ થાય? જેમ
લૌકિકમાં કહેવાય છે કે પૈસાથી બધી વસ્તુ ભલે મળે પરંતુ પૈસાથી કાંઈ માબાપ મળે? જનેતા કાંઈ
પૈસાથી મળે?–ન મળે; તેમ ચૈતન્યના સુખનો અનુભવ શું રાગથી થાય? રાગના વેદનથી તો આકુળતા
થાય ને તેનાથી બહારના વિષયોનો સંબંધ મળે, પરંતુ આત્માની તૃપ્તિ તેનાથી કદી ન મળે. આત્માની
તૃપ્તિ તો વિષયાતીત છે. તારે આવી તૃપ્તિ અને અતીન્દ્રિયસુખનો અનુભવ કરવો હોય તો તું આત્મામાં
પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થઈને ઠર!–આમ કરવાથી તરત જ તને તારા આત્માના અચિંત્યસુખનો અનુભવ
થશે.–પોતાને જ એવો આનંદ અનુભવાશે કે બીજાને પૂછવું નહિ પડે. અહા! ભગવાન આત્માનું નિજપદ
તે જ એક પ્રીતિ કરવા જેવું છે, તે જ અનુભવ કરવા જેવું છે, જ્ઞાનકળાવડે સતતપણે તેનો જ અભ્યાસ
કરવા જેવો છે. માટે હે જીવો! તમે સતતપણે તેના અનુભવનો અભ્યાસ કરો.
* * *
આનંદનો સમુદ્ર
જ્ઞાન જ્ઞાનને જાણે ત્યાં
આનંદ અમૃતરસનો સમુદ્ર
પ્રગટે. આનંદનો પ્રવાહ
નિજ–અવલોકનથી થાય છે;
નિર્વિકલ્પરસમાં ભેદભાવ–
વિકલ્પ કંઈ નથી;
નિર્વિકલ્પરસ એવો છે કે ત્યાં
વિકલ્પ નથી.
(પરમાત્મ પુરાણ પાનું ૮)