: ૮ : આત્મધર્મ: ૨૦૪
પરંતુ ઓળખાણ–પૂર્વકનું જેવું પરમ બહુમાન જ્ઞાનીને આવશે તેવું અજ્ઞાનીને નહીં આવે. એટલે
પંચપરમેષ્ઠીની ભક્તિમાં ખરેખર કુશળતા જ્ઞાનીને જ હોય છે.
આ ઉપાધ્યાય–પરમગુરુનું વર્ણન છે. અહા, ઉપાધ્યાય પદ પણ અલૌકિક છે. સાધારણ સંસ્કૃત–
પ્રાકૃત વાંચીને કે શાસ્ત્રો વાંચીને ઉપાધ્યાયપણું માની બેસે તે કાંઈ ખરું ઉપાધ્યાય–પદ નથી, તે તો
ઉપાધિ છે. રત્નત્રયને સાધનારા મુનિઓ પણ જેમની પાસે શાસ્ત્ર ભણે–એવું ઉપાધ્યાય પદ છે. તે
ઉપાધ્યાય સૌથી પહેલાં તો પરમ ચિદ્રૂપનાં શ્રદ્ધાન–જ્ઞાન એ આચરણ રૂપ નિશ્ચય–રત્નત્રયવાળા હોય
છે. તે ઉપરાંત ભગવાન જિનેન્દ્રદેવે જેવા જીવાદિ પદાર્થો કહ્યા છે તેના ઉપદેશમાં તેઓ શૂરવીર છે,
યથાર્થ તત્ત્વથી વિપરીત વાતને યુક્તિના બળથી, આગમના બળથી ને અનુભવના બળથી તેઓ તોડી
નાંખે છે. ભવભ્રમણનો જેમને ભય છે ને જિનેન્દ્ર માર્ગના જેઓ ઉપાસક છે એવા ઉપાધ્યાયનો ઉપદેશ
ભગવાનની વાણી અનુસાર જ હોય છે–જાણે કે જિનેન્દ્ર ભગવાન જ તેમના હૃદયમાં બેસીને બોલતા
હોય! જિનેન્દ્ર ભગવાને કહેલા તત્ત્વોનું સ્વરૂપ શું છે તેની જેને ઓળખાણ ન હોય તે તેના ઉપદેશમાં
શૂરવીર ક્્યાંથી હોય? ન જ હોય. એટલે કે અજ્ઞાનીનો ઉપદેશ યથાર્થ ન હોય, જ્ઞાની જ ભગવાને
કહેલા તત્ત્વના ઉપદેશમાં કુશળ હોય, અને તેમાં પણ ઉપાધ્યાય તો બધા પડખેથી ઉપદેશમાં શૂરવીર છે
જો કે ઉપદેશની વાણી તો જડ છે, તે જડ છે, તે કાંઈ આત્માનું કાર્ય નથી પરંતુ ઉપાધ્યાયને તે પ્રકારના
જ્ઞાનનો વિશેષ ક્ષયોપશમભાવ હોય છે–તેમ અહીં બતાવવું છે.
વળી તે–ઉપાધ્યાય નિષ્કાંક્ષભાવના સહિત હોય છે.–કઈ રીતે? કે સમસ્ત પરિગ્રહના પરિત્યાગ–
સ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મ તત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતના
પાનમાં સન્મુખ હોવાથી તે ઉપાધ્યાય પરમેષ્ઠી સમસ્ત કાંક્ષાથી રહિત છે. ચૈતન્યસુખ પાસે જગતના
કયા સુખની વાંછા હોય? પરમાત્મતત્ત્વની ભાવનાથી જેઓ વીતરાગી સુખને અનુભવી રહ્યા છે એવા
સંતોને સંસારના સુખોની (વિષયોની) વાંછા કેમ હોય?–ન જ હોય.–એ રીતે તેઓ નિષ્કાંક્ષ છે,
જગતથી નિસ્પૃહ છે.
જેનો આત્મા રત્નત્રયમય છે, આત્મા પોતે જ રત્નત્રયરૂપ પરિણમી ગયો છે, અને રત્નત્રયમય
હોવાથી જેઓ શુદ્ધ છે, મિથ્યાત્વાદિ ભાવો અશુદ્ધ છે તેનો તેમને અભાવ છે, વળી જેઓ ભવ્ય કમળના
સૂર્ય છે–જેમનો વીતરાગી ઉપદેશ ઝીલતાં ભવ્ય જીવોરૂપી કમળ વિકસી જાય છે, અને જેઓ
વીતરાગમાર્ગના ઉપદેશક છે, એવા જૈન–ઉપાધ્યાય પરમેષ્ઠીને ફરી ફરીને વંદન હો.
આ રીતે ઉપાધ્યાયનું સ્વરૂપ કહ્યું; હવે પાંચમા પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છે.
(પ) સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ
નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરકત શ્રી
સાધુ છે. ૭પ. જૈનમાર્ગમાં સાધુઓ કેવા હોય છે?–કે વ્યાપારથી વિમુક્ત હોય છે,–મંદિર વગેરેની
વ્યવસ્થા કરવી, પુસ્તકો છપાવવાની કે વેચવાની વ્યવસ્થા કરવી–એવા પ્રકારની પ્રવૃત્તિઓનો વ્યાપાર
મુનિઓનો હોતો નથી; તેમને તો એક ચૈતન્યનો વ્યાપાર છે–ચૈતન્યમાં જ ઉપયોગને વારંવાર જોડે છે,
બીજા વ્યાપારથી તેઓ રહિત છે; અને ચતુર્વિધ આરાધનામાં તેઓ સદા રક્ત છે,–સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર અને તપમાં તેઓ પોતાનો પુરુષાર્થ જોડયા જ કરે છે; વળી તેઓ નિર્ગ્રંથ છે–મિથ્યાત્વાદિ
પરિગ્રહની ગાંઠ જેમને નથી, તેમજ વસ્ત્રાદિ પરિગ્રહ પણ જેમને નથી; તથા તેઓ નિર્મોંહ છે.–આવા
સાધુઓ હોય છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે આ નિયમસારની ૭૧ થી ૭પ પાંચ ગાથાઓમાં પચંપરમેષ્ઠીનું
સ્વરૂપ બતાવ્યું છે, તેમાં–
(૭૧) अरिहंता एरिसा होंति (અરિહંતો આવા હોય છે.)
(૭૨) सिध्धा एरिसा होंति (સિદ્ધો આવા હોય છે)
(૭૩) आयरिया एरिसा होंति (આચાર્યો આવા હોય છે)