આસો: ૨૪૮૬ : ૧૩ :
તો તેણે ખરેખર કરોડપતિ ઓળખ્યો નથી, તેનું બહુમાન કર્યું નથી પણ અપમાન કર્યું છે. તેમ
કૈવલ્યપતિ સર્વજ્ઞસ્વભાવી આનંદનિધાનથી ભરપૂર આત્મા છે, તેને જે અલ્પજ્ઞસ્વરૂપ માને, રાગી
માને, તેનું સુખ પરમાં માને, તે ખરેખર આત્માને ઓળખતો નથી, તે આત્માનું બહુમાન નથી કરતો
પણ અપમાન કરે છે. મોટા રાજાને ભીખારી માને તો તેમાં રાજાનું ઘોર અપમાન છે ને તેની શિક્ષા
જેલ છે, તેમ મહામહિમાવંત ચૈતન્યરાજાને પરમાંથી સુખની ભીખ માંગનાર માનવો તેમાં ચૈતન્ય
મહારાજનું ઘોર અપમાન છે ને તેની શિક્ષા સંસારરૂપી જેલ છે. ભાઈ, તારે આ સંસારરૂપી જેલમાંથી
છૂટવું હોય તો તારા ચૈતન્યરાજાને બરાબર ઓળખીને તેનું બહુમાન કર. સંતો પોકારી–પોકારીને તને
તારી પ્રભુતા બતાવે છે, તેને ઓળખ; તારી પ્રભુતાની ઓળખાણથી તું પ્રભુ થઈશ.
જે જીવ રાગથી લાભ માને છે તે ચૈતન્ય કરતાં રાગને મહત્તા આપે છે, એટલે પોતાના
ચૈતન્યની પ્રભુતાને પાટુ મારીને પામરતાને સેવે છે, એટલે પામરપણે પરિભ્રમણ કરે છે. અહીં સંતો
તેને કરુણાથી સમજાવે છે કે અરે જીવ! તારું ચૈતન્યતત્ત્વ સ્વતંત્રપણે શોભી ઊઠે એવી તારી પ્રભુતા
છે. અખંડ શક્તિથી ભરપૂર તારી અખંડ પ્રભુતા છે. તેમાં જ તારું સમકિત ને શાંતિ છે; બીજે ક્્યાંય
શોધ્યે તે મળે તેમ નથી. તારા સમ્યકત્વની, કેવળજ્ઞાનની ને પરમઆનંદની રચના સ્વતંત્રપણે કરે એવું
તારું પ્રભુતાનું સામર્થ્ય છે.–આવા પ્રભુત્વને તું જો.
“ધર્મનું મૂળ સર્વજ્ઞ છે”–આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે, તેની પ્રતીત કરીને નિર્વિકલ્પધારાથી
કેવળજ્ઞાન પ્રગટ કરીને જેઓ સર્વજ્ઞ થયા, તેમની વાણીમાં ધર્મનું સ્વરૂપ ઉપદેશ્યું–એ રીતે ભગવાન
સર્વજ્ઞદેવ ધર્મના પ્રણેતા છે. જેને આવા સર્વજ્ઞનો નિર્ણય કર્યો નથી તેને ધર્મ થતો નથી. સર્વજ્ઞનો
નિર્ણય કરનારને પોતાના આત્મામાં ભરેલી સર્વજ્ઞશક્તિનો અનુભવ થઈ જાય છે.
નિજ આત્મામાં સર્વજ્ઞ શક્તિનો આ કાળે ને આ ક્ષેત્રે પણ અનુભવ થઈ શકે છે. આ ક્ષેત્રે અને
આ કાળે પરિણમેલા સર્વજ્ઞનો વિરહ છે, પરંતુ સર્વજ્ઞત્વશક્તિ તો અત્યારે પણ આત્મામાં પડી જ છે.
અને આત્માની સર્વજ્ઞશક્તિની જે પ્રતીત કરે તેને વ્યક્ત સર્વજ્ઞ પરમાત્માની પ્રતીત પણ થાય જ.
કોઈ નાસ્તિક એમ કહે કે ‘સર્વજ્ઞ નથી’ તો આચાર્ય તેને પૂછે છે કે હે ભાઈ! સર્વજ્ઞ ક્્યાં
નથી? આ કાળે ને આ ક્ષેત્રે જ સર્વજ્ઞ નથી? કે સર્વ કાળે ને સર્વ ક્ષેત્રે સર્વજ્ઞ નથી?
જો તું એમ કહે કે ‘આ કાળે આ ક્ષેત્રે જ સર્વજ્ઞ નથી,’–તો તેના અર્થમાં એમ આવી જ ગયું કે
આ સિવાય બીજા કાળે ને બીજા ક્ષેત્રે સર્વજ્ઞ છે.
અને જો તું એમ કહે કે સર્વકાળે અને સર્વ ક્ષેત્રે સર્વજ્ઞનો અભાવ છે–તો અમે તને પૂછીએ
છીએ’ કે શું તેં સર્વકાળ અને સર્વક્ષેત્રને જાણ્યા છે?–જો જાણ્યા છે તો તો તું જ સર્વજ્ઞ થયો! (એટલે
‘સર્વજ્ઞ નથી’ એવું તારું વચન ‘મારી માતા વંધ્યા છે’–એના જેવું સ્વવચન બાધિત થયું) અને જો તું
કહે કે ‘સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને જાણ્યા વગર હું સર્વજ્ઞનો નિષેધ કરું છું’–તો તે પણ યોગ્ય નથી કેમકે
એવા બીજા ક્ષેત્રો (વિદેહક્ષેત્ર) છે જ્યાં સર્વજ્ઞ ભગવંતો સદાય બિરાજે છે, તેને જાણ્યા વગર સર્વજ્ઞનો
નિષેધ તારાથી કેમ થઈ શકે? તેં ન જાણ્યા હોય એવા ક્ષેત્રમાં સર્વજ્ઞ ભગવંતો બિરાજે છે. વળી હે મૂઢ!
જો સર્વજ્ઞ ન હોય તો સૂક્ષ્મદૂરવર્તી અને અતીન્દ્રિય પદાર્થોને કોણ જાણે? સર્વજ્ઞનો અભાવ માનતાં
અતીન્દ્રિય પદાર્થોનો પણ અભાવ થઈ જશે. રાગ ઘટતાં ઘટતા તેનો તદ્ન અભાવ પણ થઈ શકે છે,
જ્ઞાન વધતાં વધતાં તે પૂર્ણતાને પામી શકે છે ધર્માત્માને સ્વસંવેદનથી પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં
સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થઈ ગયો છે. સ્વસંવેદનથી નિજ આત્મામાં સર્વજ્ઞશક્તિનો અનુભવ આ કાળે
ને આ ક્ષેત્રે પણ થઈ શકે છે.–અને જેણે એવો અનુભવ કર્યો તે જ્ઞાનમાં સર્વજ્ઞનો સદ્ભાવ થયો, ને
ધર્મની શરૂઆત થઈ. આ રીતે અંતરમાં સર્વજ્ઞસ્વભાવ તે ધર્મનું મૂળ છે.