આવા ભેદજ્ઞાનના બળવડે તારા આત્માને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપંથમાં તું
પરિણમાવ.
જુઓ, અહીં “દર્શન–જ્ઞાન–ચારિત્રના
પરિણામને તું આત્મા તરફ વાળ”–એમ કહેવાને
બદલે, “તારા આત્માને દર્શન–જ્ઞાન–ચારિત્રમાં
સ્થાપ”–એમ કહ્યું, એટલે રત્નત્રયરૂપ
મોક્ષમાર્ગરૂપ તારા આત્માને પરિણમાવીને તેમાં
જ આત્માને સ્થાપ. પહેલાં બીજી ગાથામાં,
‘દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જે સ્થિત છે તે સ્વસમય
છે’ એમ કહ્યું હતું કે તેનો જ આ ઉપદેશ છે.
હે ભાઈ! તું અત્યારસુધી પરમાં વળ્યો–હવે તું
સ્વમાં વળ! પરમાં પણ તું તારા અપરાધથી જ
વળ્યો હતો, ને હવે સ્વમાં પણ તું તારા ગુણથી જ
(–ભેદ જ્ઞાનના બળથી જ) વળ.
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ
અનંત”
–જુઓ, આ સ્વરૂપની અણસમજણને તે
બંધપંથ છે. અને–
“સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત”
ગુરુઉપદેશ અનુસાર પોતે પોતાનું સ્વરૂપ
સમજ્યો તે મોક્ષપંથ છે. સંસારમાં રખડયો તે
પોતાના દોષથી; દોષ કેટલો?–કે પરદ્રવ્યને પોતાનું
માન્યું તેટલો સ્વપરના ભેદજ્ઞાનરૂપ પ્રજ્ઞાગુણવડે
જીવ પોતે જ પોતાને બંધમાર્ગથી પાછો વાળીને
મોક્ષપંથમાં સ્થાપે છે. અનાદિથી બંધમાર્ગમાં રહ્યો
હોવા છતાં તેનાથી જીવ પાછો વળી શકે છે, ને
કદી નહિ અનુભવેલા એવા મોક્ષમાર્ગમાં પોતાને
સ્થાપી શકે છે. માટે હે ભાઈ! એક વાર તો
જગતથી જુદો થઈને આત્મામાં આવ! એકવાર
તો જગતનો પાડોશી થઈને અંતરમાં આત્માને
દેખ! તને કોઈ અપૂર્વ આનંદનો અનુભવ થશે.
હવે ભવ્ય! એકવાર અંતરમાં વળી જા....ને
દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ! સ્વઘરમાં જ તારા
આત્માને વસાવ! તારા આત્માને નિરંતર
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જ સ્થાપ. બીજી બધી
ચિંતાને દૂર કરીને તારા ચિદાનંદસ્વરૂપને એકને જ
ધ્યેય– બનાવીને તેને જ ધ્યાવ. જગત આખાથી
ઉદાસ થઈ જા ને એક આત્માના મોક્ષમાર્ગમાં જ
ઉત્સાહિત થઈને તેમાં જ આત્માને સ્થાપ, તેનું જ
ધ્યાન કર......
તારા આત્માને સ્વતંત્રપણે જ તું મોક્ષમાર્ગમાં
સ્થાપ...બીજા કોઈનો તેમાં સહારો નથી. રાગને
એકમેક કરીને તારા આત્માને ન ધ્યાવ, પણ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળપર્યાયોમાં
એકમેક કરીને તારા આત્માને ધ્યાવ. આ રીતે
નિર્મળપર્યાયની સાથે આત્માને અભેદ કરીને કહ્યું છે.
અહા! આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! મેં મારા
આત્માને મોક્ષમાર્ગમાં પરિણમાવ્યો છે ને તું પણ
તારા આત્માને મોક્ષમાર્ગમાં પરિણમાવ! પાંચમી
ગાથામાં પણ કહ્યું હતું કે, હું મારા સમસ્ત
નિજવૈભવથી–આત્મવૈભવથી શુદ્ધઆત્માનું સ્વરૂપ
દર્શાવું છું અને તેમ તમારા સ્વાનુભવપ્રમાણથી
જાણીને તે પ્રણામ કરજો.–સામા શિષ્યની એટલી
લાયકાત જોઈને આચાર્યદેવે આ વાત કરી છે.
અહીં તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ સ્વદ્રવ્ય
કહ્યું છે, ને તેમાં જે સ્થિર છે તેને ‘સ્વસમય’ કહ્યો
છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ્ઞાનચેતના છે, તે
જ્ઞાન ચેતનારૂપ થઈને તું મોક્ષમાર્ગને ચેત, તેનો
અનુભવ કર...ને રાગનો અનુભવ ન કર. આત્માના
સ્વભાવનો આશ્રય કરતાં જે નિર્મળપરિણામ થાય
છે તે નિર્મળપરિણામમાં જ તું વિહર, પરદ્રવ્યાશ્રિત
થતા એવા રાગાદિ પરિણામમાં તું જરાપણ ન
વિહર...આ જ મોક્ષનો પંથ છે.
આ રીતે આચાર્યભગવાને ભવ્ય જીવોને માટે
આ મોક્ષમાર્ગ બતાવીને તેની પ્રેરણા કરી.
જ્ઞાનીનો નિશ્ચય
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ,પણ પરિગ્રહ નથી મારો ખરે.
(સમયસાર ગા. ૨૦૯)
પરદ્રવ્ય છેદાવો, અથવા ભેદાવો, અથવા કોઈ
તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા
ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ ગ્રહું,
કારણ કે ‘પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પરદ્રવ્યનો
સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે,–પરદ્રવ્ય
જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું,–હું જ
મારો સ્વામી છું’–એમ હું જાણું છું
–આ પ્રમાણે જ્ઞાનીનો નિશ્ચય છે.