: ૨૦ : આત્મધર્મ: ૨૦૪
* ઉત્તમ બ્રહ્મચર્યધર્મ *
* ભાદરવા સુદ ૧૪ અનંતચતુર્દશીના રોજ અપાયેલું પ્રવચન (વીર સં. ૨૪૮૬) *
દસલક્ષણ ધર્મમાં આજે છેલ્લો દિવસ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મનો છે. આ ધર્મો સમ્યગ્દર્શન વગર
હોતા નથી. ધર્મનું મૂળીયું જ સમ્યગ્દર્શન છે. અહીં ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ કોને હોય છે તે આચાર્યદેવ કહે
છે–સુકૃતિ એટલે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા, તેને બ્રહ્માનંદસ્વરૂપ આત્માનું ભાન થયું છે અને તેની સન્મુખ
પરિણતિની લીનતા થઈ છે ત્યાં સ્ત્રી વગેરેને જોતાં તેને દુર્ભાવોની ઉત્પત્તિ થતી નથી,–આવી નિર્મળ
પરિણતિનું નામ બ્રહ્મચર્યધર્મ છે. જે પવિત્ર આત્મા એટલે સમ્યગ્દ્રષ્ટિ આત્મા, ચૈતન્યના અતીન્દ્રિય
આનંદના સ્વાદ પાસે જેણે જગતના વિષયોને તૂચ્છ જાણ્યા છે એવો ધર્માત્મા, સ્ત્રી વગેરેના અંગો
જોતાં પણ વિકૃતિ પામતો નથી તેને દુર્દ્ધર એવો બ્રહ્મચર્યધર્મ હોય છે. જેને ચૈતન્યનું ભાન ન હોય ને
પરવિષયોમાં સુખ માનતો હોય તે કદાચ શુભરાગવડે બ્રહ્મચર્ય પાળતો હોય–તોપણ તેના બ્રહ્મચર્યને
ધર્મ કહેતા નથી. તેની તો દ્રષ્ટિ જ મેલી છે, તે રાગથી ધર્મ માને છે તેથી તેનામાં પવિત્રતા નથી, અને
જે આત્માને પવિત્રતા નથી તેને બ્રહ્મચર્યાદિ કોઈ ધર્મ હોતો નથી. તેથી અહીં ‘પવિત્ર આત્મા’ એમ
કહ્યું છે. જેનામાં પવિત્રતા છે, જેના શ્રદ્ધા–જ્ઞાન ચોકખા થયા છે એવા ધર્માત્માને જ બ્રહ્મચર્યાદિ
વીતરાગીધર્મોની આરાધના હોય છે. સમ્યગ્દર્શન વગર આરાધના કોની કરશે? જેની આરાધના કરવી
છે તેને પ્રથમ શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે, પછી તેમાં સ્થિરતા કરીને તેની આરાધના કરે. આવી આરાધનામાં જ
ઉત્તમ ક્ષમા બ્રહ્મચર્ય વગેરે ધર્મો હોય છે.
સાહિત્યની પ્રભાવના માટે યોજના
શ્રી દિગંબર જિનમંદિરો તથા સ્વાધ્યાય મંદિરોને, શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, તરફથી પ્રસિદ્ધ થયેલ સત્સાહિત્ય એક ઉદાર
સદ્ગૃહસ્થ તરફથી યોગ્ય લાગે તે મુજબ ભેટ અગર અર્ધ મુલ્યથી આપવામાં
આવશે.
જેમને આવશ્યકતા હોય તેઓ તે તે શહેરના દિગંબર જૈન સમાજના બે
અગ્રગણ્ય સભ્યોની સહી સાથે નીચેના સરનામે પત્રવ્યવહાર કરે. સાહિત્ય
વિના મૂલ્યે જોઈએ છે કે અર્ધા મૂલ્યે–તે પણ જણાવે.
ઉપરોક્ત યોજના સં. ૨૦૧૭ના કારતક સુદ પુનમ સુધી અમલમાં રહેશે
તો તે દરમ્યાન જે જે સાહિત્યની આવશ્યકતા હોય તે મંગાવી લેવું. અહીંથી
પ્રસિદ્ધ થયેલ સત્સાહિત્યની નામાવલિની જરૂર હોય તેમણે અહીંથી પોસ્ટ દ્વારા
મંગાવી લેવી.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)