સંસાર તો આવો છે....માટે તેનાથી ઉદાસ થા ને આત્મામાં આવ! જ્ઞાતાપણે રહેવું એ જ
સમાધાનનો ઉપાય છે...જ્યાં આયુષ્ય પૂરું થયું ત્યાં શો ઉપાય?–અને જ્યાં નિરૂપાયતા છે ત્યાં
સમાધાન (–સહનશીલતા) એ જ ઉપાય છે.
આ ઉપરાંત શ્રી કૃષ્ણના મૃત્યુ પ્રસંગનું દ્રષ્ટાંત આપીને સંસારની અશરણતા સમજાવી હતી.
વૈરાગ્યરસથી નીતરતા ગુરુદેવનાં વચનો સંતપ્ત હૃદયોને ઘણી શાંતિ આપતા હતા.
પૂ. બેનશ્રી બેન પણ આખો દિવસ અવારનવાર આશ્રમમાં જઈને, માતાની જેમ પરમ વાત્સલ્ય
પૂર્વક ધીરેન્દ્રના કુટુંબીજનોની સંભાળ લઈને વૈરાગ્યોપદેશનુંં સીંચન કરી જતા.....જેમ સુકાતા મોલને
જલવૃષ્ટિ નવપલ્લવિત કરે તેમ શોકના આઘાતથી ઘેરાયેલા જીવોને તેઓશ્રીની અમીભરીવૃષ્ટિ
શાંતરસનું સીંચન કરીને નવપલ્લવિત કરતી હતી ખરેખર, આ જગતમાં જ્ઞાની–સંતોની બલિહારી છે કે
જેમના સાન્નિધ્યમાત્રથી સંસારના ભયંકર દુઃખો ભૂલાઈને જીવના પરિણામ વૈરાગ્ય તરફ વળી જાય છે.
ગુરુદેવે જે પરમ માર્ગ બતાવ્યો છે તે માર્ગ મહા કલ્યાણકારી છે, સર્વ પ્રસંગે તે જ એક
શરણભૂત છે, અને સર્વ ઉદ્યમથી જીવે એક જ માર્ગ આરાધવા જેવો છે. તેમાંય જીવનની આવી
ક્ષણભંગુરતા દેખીને તો, ક્ષણનાય વિલંબ વિના વેગપૂર્વક એ હિતમાર્ગે વળવા જેવું છે.
ભાઈ ધીરેન્દ્રના સ્મરણાર્થે પુસ્તીકા છપાવવા માટે તેમજ જિનમંદિર વગેરે શુભખાતામાં તેમના
પિતાજી તરફથી લગભગ એક હજાર રૂા. જાહેર કરવામાં આવ્યા હતા. ભાઈ ધીરેન્દ્રનો આત્મા દેવ–
ગુરુ–ધર્મની ઉપાસનામાં આગળ વધીને આત્મહિત સાધે, અને ‘અકલંક’ તરીકેનું જે પાત્ર તેણે ભજવ્યું
હતું તેવો સાક્ષાત્ ભાવ પ્રગટ કરીને તે સાક્ષાત્ ‘અ–કલંક’ એવા સિદ્ધપદને પામે–એવી ભાવના
ભાવીએ છીએ. ધીરેન્દ્રનો આ પ્રસંગ જોઈને આપણો આત્મા પણ વેગપૂર્વક વૈરાગ્ય તરફ વળે ને
સંતોની ચરણ છાયામાં હવે જલદી આત્મહિતને સાધીએ.....એ જ ભાવના.
(૩) ઉપરોક્ત પ્રસંગના બીજે જ દિવસે, એટલે કે ભાદરવા વદ ત્રીજની રાત્રે અજમેરના
સુપ્રસિદ્ધ શેઠ અને ભારતના દિ. જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા સર ભાગચંદજી સોનીના સૌથી
મોટા સુપુત્ર કુંવર પ્રભાચંદ્રજી (કેપ્ટન, B. A.) માત્ર ૩૧ વર્ષની યુવાન વયે કલકત્તામાં અકસ્માત
હૃદય બંધ પડી જવાથી સ્વર્ગવાસ પામી ગયા. આ સમાચારથી ભારતના અનેક શહેરોના જૈન સમાજને
ઘણો આઘાત લાગ્યો ને ઠેર ઠેર શોક સભાઓ ભરાણી. તેઓ શાંત, ધર્મપ્રેમી, ઉત્સાહી, અને
વેપારક્ષેત્રમાં પણ બાહોશ સજ્જન હતા, અધ્યાત્મિક શાસ્ત્રોના અભ્યાસનો તેમને પ્રેમ હતો. સોનગઢનું
આધ્યાત્મ સાહિત્ય પણ તેઓ પ્રેમપૂર્વક વાંચતા અને તત્ત્વચર્ચામાં રસ લેતા. ઈંદોરના સર હુકમીચંદજી
શેઠના તેઓ દોહિત્ર (પુત્રીના પુત્ર) થાય. આવા નવયુવાન પુત્રના સ્વર્ગવાસથી સર ભાગચંદજી શેઠને
અને તેમના કુંટુંબ પરિવારને ઘણો જ આઘાત થાય–એ સહજ છે....પરંતુ જન્મ–મરણથી ભરેલા આ
સંસારની સ્થિતિ જ એવી છે...એમાં એક વૈરાગ્ય જ શરણ છે એમ સમજીને તેઓ પોતાના આત્માને
જૈનધર્મના તત્ત્વોના વિચારમાં જોડે.....અને વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિતના પંથે
પોતાના આત્માને વાળે.....એમ ભાવના ભાવીએ છીએ. કુંવર પ્રભાચન્દ્રજીનો આત્મા પણ પોતાના
અધ્યાત્મપ્રેમમાં આગળ વધીને, જિનેન્દ્રધર્મના પ્રતાપે આ અસાર–સંસારના જન્મ–મરણોથી છૂટીને
સિદ્ધપદને પામે–એમ જિનેન્દ્રદેવને પ્રાર્થના કરીએ છીએ.
(૪) રાજકોટના ડો. બોઘાણીના માતુશ્રી દયાબેન પ૪ વર્ષની વયે તા. ૬–૯–૬૦ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તા ૪–૯–૬૦ ના રોજ રાજકોટમાં જિનેન્દ્રભગવાનની રથયાત્રામાં ત્રણ કલાક
સુધી ભક્તિપૂર્વક તેમણે ભાગ લીધો હતો. ત્યારબાદ એકાએક બિમારી આવતાં પૂ. ગુરુદેવના
સ્મરણપૂર્વક તેઓ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા તેમનો
આત્મા ધર્મપ્રેમમાં આગળ વધીને જન્મમરણ રહિત થાય......એ જ ભાવના