Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 29

background image
સ....મા....ચા....ર
પરમ પૂજ્ય ગુરુદેવ સુખ શાંતિમાં બિરાજે છે. આંખે ઘણું સારું છે, કોઈ
તકલીફ નથી. ભાદરવા વદ એકમના રોજ મુંબઈથી ડો. ચીટનીસ તથા ડો.
મનસુખભાઈ સોનગઢ આવ્યા હતા, અને પૂ. ગુરુદેવની આંખ ફરી તપાસીને
નીડલીંગ (
needling) કર્યા બાદ ગુરુદેવ ઝીણામાં ઝીણા અક્ષરો પણ સ્પષ્ટ
વાંચી શકે છે. ભાદરવા વદ ત્રીજે જ્યારે ગુરુદેવે વાંચવા–જોવાની પ્રેકટીસ કરી અને
બરાબર સ્પષ્ટ વાંચી–જોઈ શકાયું ત્યારે એ વધામણી સાંભળીને સર્વે ભક્તોના
હૃદયમાં ઘણો આનંદ થયો હતો. મોટા મોટા ગામોમાં આ સમાચાર તારથી પહોંચી
ગયા હતા, અને ઘણા સ્થળેથી ખુશાલી વ્યક્ત કરતા સંદેશા આવ્યા હતા. હવે
આસો સુદ એકમથી પૂ. ગુરુદેવે શાસ્ત્રોની સ્વાધ્યાય શરૂ કરી દીધી છે; અને આસો
સુદ ૧પ ને મંગળવારથી પૂ. ગુરુદેવના મંગળ પ્રવચનો શરૂ થયા છે. ગુરુદેવના
પ્રવચનો શરૂ થતાં ભક્તોને ઘણો આનંદ થયો છે અને ઘણાં દિવસોથી તરસતા
જિજ્ઞાસુઓના હૃદય ગુરુદેવનું અધ્યાત્મ–ઝરણું પામીને તૃપ્ત થયા છે. એ એક ઘણા
આનંદ સમાચાર છે. મંગળ પ્રવચનો હવે નિયમિત ચાલું રહેશે. પ્રવચન શરૂ
થવાના આ પ્રસંગે પૂજન–ભક્તિ વગેરે દ્વારા ઉત્સવ ઊજવાયો હતો.
આસો સુદ પાંચમના રોજ આફ્રિકાવાળા શેઠ ભગવાનજીભાઈના
મકાનના વાસ્તુ પ્રસંગે પૂ. ગુરુદેવે સમયસારની ૪૧૨ મી ગાથા ઉપર અદ્ભુત
ભાવભીનું પ્રવચન કર્યું હતું...જેનો સાર આ અંકમાં આપવામાં આવ્યો છે.
સોનગઢમાં દસલક્ષણીપર્વ આનંદપૂર્વક ઉજવાયા હતા; દસલક્ષણના દિવસોમાં પૂ.
ગુરુદેવના પ્રવચનો પણ ચાલુ રહ્યા હતા ભાદરવા સુદ પુનમના રોજ
જિનમંદિરમાં અભિષેક વગેરે વિધિ થઈ હતી, તથા તે દિવસે રથયાત્રા પણ
નીકળી હતી. સુગંધદશમી દરવર્ષની જેમ ઉલ્લાસપૂર્વક ઉજવાણી હતી.
સાવરકુંડલા શહેરમાં દિ. જૈનમંદિરનું શિલાન્યાસ મુહૂર્ત
આસો સુદ દશમ ને શુક્રવારના રોજ સાવરકુંડલા શહેરમાં દિ. જિનમંદિરનું
શિલાન્યાસ મુહૂર્ત ઘણા હર્ષ અને ઉત્સાહપૂર્વક થયું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના
ભાઈ–બહેનોને ઘણો ઉલ્લાસ હતો. શિલાન્યાસ પોરબંદરના શેઠ શ્રી નેમિદાસ
ખુશાલભાઈ હસ્તે થયું હતું. પોતાને આવા શુભકાર્યનો લાભ મળ્‌યો તે બદલ
તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો અને સાવરકુંડલાના જિનમંદિર માટે રૂા. પ૦૦૨)
અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગામના કેટલાક પ્રતિષ્ઠિત ગૃહસ્થો પણ ઉપસ્થિત
રહ્યા હતા. આવો ધન્ય અવસર પોતાના આંગણે આવ્યો તે માટે શેઠશ્રી
જગજીવનભાઈ તથા નરભેરામભાઈ વકીલ વગેરેએ ઘણો પ્રમોદ જાહેર કર્યો હતી.
દોશી બાવચંદ જાદવજીના સુપુત્રો તરફથી રૂા. ૧૧૦૦૧) તથા જયંતિલાલ
બેચરદાસ દોશી તરફથી પ૦૦૧) જિનમંદિર માટે અર્પણ કરવામાં આવ્યા હતા,
આ ઉપરાંત સાવરકુંડલાના બીજા અનેક મુમુક્ષુઓએ પણ ઉત્સાહપૂર્વક પોતાનો
ફાળો લખાવ્યો હતો. ઘણા વર્ષથી ભાવેલી જિનમંદિર માટેની ભાવના પૂરી થતી
હોવાથી સાવરકુંડલાના મુમુક્ષુમંડળને ઘણો ઉત્સાહ હતો આ પ્રસંગે ભગવાનની
રથયાત્રા નીકળી હતી, અને આખો દિવસ ભક્તિનું ઉમંગભર્યું વાતાવરણ રહ્યું
હતું. આ મંગલકાર્ય માટે સાવરકુંડલાના મુમુક્ષુમંડળને અભિનંદન!