Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 29

background image
આસો: ૨૪૮૬ : ૩ :
આત્માર્થી જીવ ચૈતન્યને જરૂર સાધે છે
(આત્માર્થ સાધવા માટે આત્માર્થી જીવનો ઉલ્લાસ અને વિશ્વાસ
કેવો હોય? તે ગુરુદેવ અદ્ભુત રીતે અહીં સમજાવે છે.)
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને ચૈતન્યના સાધક
ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને ઉમળકો આવે છે: અહા! આ
ધર્માત્મા ચૈતન્યને કેવા સાધી રહ્યા છે! એમ તેને પ્રમોદ આવે છે,
અને હું પણ આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને આરાધનાનો
ઉત્સાહ જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંતગુરુઓને
પણ તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રાજાની જેમ રીઝવે છે
ને સંત–ગુરુઓ તેના ઉપર પ્રસન્ન થઈને તેને આત્મપ્રાપ્તિ કરાવે છે.
તે મોક્ષાર્થી જીવના અંતરમાં એક જ પુરુષાર્થ માટે ઘોલન છે
કે કઈ રીતે હું મારા આત્માને સાધું?–કઈ રીતે મારા આત્માના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને પ્રગટ કરું? આત્મામાં સતત આવી ધૂન
વર્તતી હોવાથી જ્યાં સંત ગુરુએ તેના શ્રદ્ધા–જ્ઞાનાદિનો ઉપાય
બતાવ્યો કે તરત જ તેના આત્મામાં તે પ્રણમી જાય છે. જેમ ધનનો
અર્થી મનુષ્ય રાજાને દેખતાં જ પ્રસન્ન થાય છે અને તેને વિશ્વાસ
આવે છે કે હવે મને ધન મળશે ને મારી દરિદ્રતા ટળશે; તેમ
આત્માનો અર્થી મુમુક્ષુ જીવ આત્મપ્રાપ્તિનો ઉપાય દર્શાવનારા
સંતોને દેખતાં જ પરમ પ્રસન્ન થાય છે...તેનો આત્મા ઉલ્લસી જાય
છે કે અહા! મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર સંત મળ્‌યા...હવે
મારા સંસારદુઃખ ટળશે ને મને મોક્ષસુખ મળશે. આવો ઉલ્લાસ
અને વિશ્વાસ લાવીને, પછી સંત–ધર્માત્મા જે રીતે ચૈતન્યને
સાધવાનું કહે છે તે રીતે સમજીને પોતે સર્વ ઉદ્યમથી ચૈતન્યને જરૂર
સાધે છે.