: ૪ : આત્મધર્મ: ૨૦૪
પંચ પરમેષ્ઠી
પ્રત્યે બહુમાન
(શ્રી નિયમસાર ગા. ૭૧ થી ૭પ ઉપરના પ્રવચનોમાંથી: અંક ૨૦૨ થી ચાલુ)
ધર્માત્માને પોતાના ચિદાનંદસ્વરૂપના આદરપૂર્વક
ભગવાન પંચપરમેષ્ઠી પ્રત્યે બહુમાન હોય છે; કેમકે
આત્માની પૂર્ણ શુદ્ધતા તે ધર્માત્માને પરમ ઈષ્ટ છે, તેથી
એવા પરમ ઈષ્ટ પદને પામેલા કે તેને સાધનારા એવા
જીવો પ્રત્યે પણ ધર્મીને બહુમાન આવે છે....અહા! હું જે
પદ પ્રાપ્ત કરવા માગું છું–જે મારું પરમ ઈષ્ટ પદ છે તેને
આ અરિહંત અને સિદ્ધભગવંતો પામી ચૂકયા છે, ને આ
આચાર્ય–ઉપાધ્યાય તથા મુનિભગવંતો તે પદને સાધી
રહ્યા છે.–એમ પંચપરમેષ્ઠી પ્રત્યે પરમ ભક્તિ ધર્માત્માને
વર્તતી હોય છે. સાધકને પોતાનો આત્મા સ્વાનુભવથી
કાંઈક પ્રત્યક્ષ છે અને કાંઈક પરોક્ષ છે. નિશ્ચય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં તો પોતાના પરમ ઈષ્ટ
એવા ચૈતન્યસ્વભાવને જ નમે છે ને તેનો જ આદર કરે
છે; તેને વ્યવહારસંબંધી રાગ છે તેમાં ભગવાન
અરિહંતદેવ વગેરે પંચ પરમેષ્ઠીનું બહુમાન– વિનય હોય
છે. અહીં નિયમસાર ગાથા ૭૧ થી ૭પમાં તે પંચ
પરમેષ્ઠીનું સ્વરૂપ શ્રી કુંદકુંદાચાર્યદેવ વર્ણવે છે,–તેઓ
પોતે ત્રીજા પરમેષ્ઠી પદમાં વર્તી રહ્યા છે ને પંચ
પરમેષ્ઠીના બહુમાનપૂર્વક તેનું સ્વરૂપ વર્ણવે છે.
પંચપરમેષ્ઠીમાંથી પહેલા અરિહંતપરમેષ્ઠીનું અને બીજા
સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ ‘આત્મધર્મ’ અંક ૨૦૨ માં આવી
ગયું છે; બાકીના ત્રણ પરમેષ્ઠીનું–આચાર્ય, ઉપાધ્યાય ને
સાધુ–નું સ્વરૂપ અહીં આપવામાં આવ્યું છે.