: ૧૦ : આત્મધર્મ : ૨૦પ
આત્માના અબંધ સ્વભાવને નહિ જોનારો અજ્ઞાની જ બંધનો કર્તા થાય છે. આત્માના અબંધ સ્વભાવને દેખનાર
ધર્માત્મા બંધને પોતાથી જુદો જાણતો થકો બંધનો કર્તા થતો નથી, તે અબંધભાવરૂપ નિર્મળ ભાવને જ કરે છે.
* મોક્ષનું મૂળ ભેદજ્ઞાન: બંધનું મૂળ મિથ્યાત્વ *
અબંધ ચૈતન્યસ્વભાવમાં જેને એકત્વ નથી અને બંધભાવમાં જેને એકતા છે તેને જ બંધન અને
સંસારભ્રમણ થાય છે; એટલે રાગ સાથે ઉપયોગની એકતારૂપ જે મિથ્યાત્વ છે તે જ સંસારનું મૂળ છે. પ્રગટ
હો કિ મિથ્યાત્વ હી આસ્રવ ઔર બંધ હૈ; અને ઉપયોગ તથા રાગની ભિન્નતારૂપ જે ભેદજ્ઞાન તે મોક્ષનું મૂળ
છે; ભેદજ્ઞાન થતાં જીવ રાગમાં એકતારૂપ પરિણમતો નથી, એટલે તેને બંધન કે સંસારભ્રમણ થતું નથી. આ
રીતે મોક્ષનું મૂળ ભેદજ્ઞાન છે ને બંધનું મૂળ મિથ્યાત્વ છે.
* હે જીવ! તું બંધ–મોક્ષના કારણને જાણ! સ્વદ્રવ્યાશ્રિત મોક્ષ; પરદ્રવ્યાશ્રિત બંધ. *
ભાઈ, તારે મોક્ષ કરવો છે ને! બંધનથી તારા આત્માનો છૂટકારો કરવો છે ને? તો મોક્ષનું કારણ શું
ને બંધનું કારણ શું, તે બંનેને ઓળખીને મોક્ષના કારણને આદર, ને બંધના કારણને છોડ!
શુદ્ધ ચૈતન્યમય અબંધસ્વભાવી એવું જે તારું સ્વદ્રવ્ય, તેનો આશ્રય તે મોક્ષનું કારણ છે, અને
પરદ્રવ્યનો આશ્રય તે બંધનું કારણ છે.
* હે મોક્ષાર્થી જીવો! તમે સ્વદ્રવ્યનો આશ્રય કરો *
પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ નથી, પણ પરદ્રવ્ય તરફ ઝૂકતા તારા પરિણામ જ બંધનું કારણ છે. પરદ્રવ્ય
તો નિમિત્ત છે, તે નિમિત્ત પોતે કાંઈ બંધનું કારણ નથી, પરંતુ તે નિમિત્તનો આશ્રય કરનાર જીવ પોતે
પોતાના વિભાવપરિણામને લીધે જ બંધાય છે. અને ચિદાનંદસ્વરૂપ સ્વદ્રવ્યના આશ્રયે થતાં નિર્મળ પરિણામ
તે મોક્ષના કારણરૂપ છે. આ રીતે, સ્વદ્રવ્યનો આશ્રય અને પરદ્રવ્યનો આશ્રય તેને મોક્ષનું અને બંધનું કારણ
જાણીને, હે મોક્ષાર્થી જીવો! તમે મોક્ષને માટે સ્વદ્રવ્યનો જ આશ્રય કરો, અને પરદ્રવ્યનો આશ્રય છોડો.
પરદ્રવ્યના આશ્રયે થતો જે વ્યવહાર તે સઘળોય છોડીને સ્વદ્રવ્યના આશ્રયે નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરો...તે જ મોક્ષનું કારણ છે.
* પરંપરાકારણ એટલે ખરું કારણ નહિ *
બંધનના કારણનું નિમિત્ત થાય–એટલી જ પરદ્રવ્યના કાર્યની મર્યાદા છે, પરંતુ બંધનનું કારણ પણ
થાય–એવી તેની મર્યાદા નથી. હવે, બંધના કારણનું નિમિત્ત હોવાથી પરદ્રવ્યને પરંપરા બંધનું કારણ કહેવાય,
તો પણ તે પોતે કાંઈ બંધનું કારણ થતું નથી, તેમ પરદ્રવ્યાશ્રિત એવા વ્યવહારરત્નત્રયને કદાચ પરંપરા મોક્ષનું
કારણ કહે તો ત્યાં પણ એમ સમજવું કે તે વ્યવહાર પોતે કાંઈ મોક્ષનું કારણ નથી, મોક્ષનું કારણ તો સ્વદ્રવ્યના
આશ્રયે થતા નિશ્ચય રત્નત્રય જ છે. વ્યવહારની એવી મર્યાદા નથી કે તે મોક્ષનું કારણ થાય. મોક્ષમાર્ગની સાથે
સહકારીપણે નિમિત્ત થાય એટલામાં જ વ્યવહારનું કાર્યક્ષેત્ર પૂરું થઈ જાય છે.–એ મર્યાદાથી આગળ જાય તો તે
જીવ નિશ્ચય–વ્યવહારની મર્યાદાને ઓળંગનાર મિથ્યાદ્રષ્ટિ છે. એ જ રીતે પરદ્રવ્યને બંધનું કારણ માને તે પણ
સ્વ–પરની મર્યાદાને ઓળંગનાર મિથ્યાદ્રષ્ટિ જ છે.
* જિનોપદેશ પરાશ્રય છોડાવીને સ્વાશ્રય કરાવે છે *
સ્વદ્રવ્યના આશ્રયે બંધન થતું નથી, બંધન પરદ્રવ્યના જ આશ્રયે થાય છે; તેથી પરદ્રવ્યનો આશ્રય
છોડાવીને સ્વદ્રવ્યનો આશ્રય કરાવવાના હેતુથી શાસ્ત્રોમાં એવો પણ ઉપદેશ આપે કે તું પરદ્રવ્યને છોડ! ત્યાં,
પરદ્રવ્યને છોડવાનું કહેતાં પરદ્રવ્યનો આશ્રય છોડવાનું કહ્યું છે–એમ તાત્પર્ય સમજવું. જિનોપદેશનું તાત્પર્ય
પરાશ્રય છોડાવીને સ્વાશ્રય કરાવવાનું છે, કેમ કે એમ કરવાથી જ જીવને સુખ થાય છે.