: ૪ : આત્મધર્મ : ૨૦પ
વિકારનું કર્તૃત્વ ઊડી જાય અને જ્ઞાનમાં જ એકતા રૂપે પરિણમતો થકો તે જ્ઞાની થાય, ભેદજ્ઞાન વગર
જ્ઞાનીની સાચી ઓળખાણ થતી નથી.
જેમ ઘડાને અને માટીને એકતા છે, પરંતુ ઘડાને અને કુંભારને એકતા નથી, તેમ જ્ઞાનપરિણામને
અને આત્માને એકતા છે પરંતુ જ્ઞાનપરિણામને અને રાગને કે કર્મને એકતા નથી; એટલે જ્ઞાનપરિણામ વડે
જ જ્ઞાનીનો આત્મા ઓળખાય છે; જ્ઞાનપરિણામને રાગથી ભિન્ન ઓળખતાં પોતામાં પણ જ્ઞાન અને રાગની
ભિન્નતાનું વેદન થઈને, જ્ઞાનપરિણામ સાથે અભેદ એવો પોતાનો આત્મા ઓળખાય છે. જ્ઞાનીને ઓળખવાનું
પ્રયોજન તો પોતાના આત્માની ઓળખાણ કરવી તે જ છે, જેણે ભેદજ્ઞાન કરી લીધું છે, એવા જીવોની
ઓળખાણ વડે આ જીવ પોતામાં પણ એવું ભેદજ્ઞાન કરવા માંગે છે. સામા જ્ઞાનીના આત્મામાં જ્ઞાન અને
રાગને જુદા ઓળખે તે જીવ પોતામાં પણ જ્ઞાન અને રાગને જરૂર જુદા ઓળખે, એટલે તેને જરૂર ભેદજ્ઞાન
થાય. ભેદજ્ઞાન થતાં આ જીવ સકળ વિકારના કર્તૃત્વરહિત થઈને જ્ઞાયકપણે શોભે છે. વિકારના કર્તૃત્વમાં તો
જીવની શોભા હણાય છે, ને ભેદજ્ઞાનવડે તે કર્તૃત્વ છૂટતાં આનંદમય જ્ઞાન–પરિણામથી તે જીવ શોભી ઊઠે છે.
આવા જ્ઞાન– પરિણામ તે જ જ્ઞાનીને ઓળખવાની નિશાની છે.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાની રીત! અહા! જ્ઞાનીની ઓળખાણની રીત આચાર્યદેવે અદ્ભુત
બતાવી છે. આ રીતથી જ્ઞાનીને જે ઓળખે તે પોતે જ્ઞાની થયા વિના રહે નહિ, એવી આ ઓળખાણ છે. આ
ઓળખાણ એ જ ધર્મની મોટી ખાણ છે. આ રીતથી જેણે જ્ઞાનીને ઓળખ્યા તેણે જ જ્ઞાનીની ખરી નીકટતા
કરી, જેવો જ્ઞાનીનો ભાવ છે તેવો જ ભાવ તેણે પોતામાં પ્રગટ કર્યો એટલે ભાવ અપેક્ષાએ તેને જ્ઞાની સાથે
એકતા થઈ. બાકી ક્ષેત્રથી ભલે નજીક રહે પણ જો જ્ઞાનપરિણામથી જ્ઞાનીને ન ઓળખે, ને પોતામાં
જ્ઞાનપરિણામ પ્રગટ ન કરે, તો તે ખરેખર જ્ઞાનીની નજીક નથી રહેતો, જ્ઞાનીના ભાવથી તે ઘણો દૂર છે.
જ્યારે જીવ ભેદજ્ઞાન કરે છે ત્યારે તે આસ્રવોથી પાછો વળે છે એટલે કે બંધભાવથી છૂટીને મોક્ષમાર્ગ
તરફ વળતો જાય છે. દુઃખમય એવો આસ્રવો, અને સુખરૂપ એવો જ્ઞાનસ્વભાવ–એ બંને ભિન્ન છે. એવું
ભેદજ્ઞાન કરનાર જીવ તે ક્ષણે જ જ્ઞાનસ્વભાવ સાથે એકતા કરીને આસ્રવોથી છૂટો પડે છે. આવા જ્ઞાન
પરિણામનું નામ ભેદજ્ઞાન છે, તેના વડે જ જ્ઞાની ઓળખાય છે.
તે જ્ઞાની ધર્માત્મા જાણે છે કે હું પરથી ભિન્ન એક છું, વિકારરહિત શુદ્ધ છું, ને જ્ઞાન–દર્શનથી પરિપૂર્ણ
છું. જ્ઞાનથી ભિન્ન જે કોઈ ભાવો છે તે હું નથી. આ રીતે તે ભેદજ્ઞાની ધર્માત્મા અસાર અને અશરણ એવા
સંસારથી પાછો વળીને પરમ સારભૂત અને શરણરૂપ પોતાના સ્વભાવ તરફ વળે છે; એટલે સ્વભાવ તરફ
વળેલા જ્ઞાનપરિણામને જ તે કરે છે, જ્ઞાનપરિણામ સિવાય બીજા કોઈ ભાવનો કર્તા તે થતો નથી, તેને તો
પોતાથી ભિન્ન જાણીને તે તેનો જ્ઞાતા જ રહે છે.
આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહીંથી એટલે કે જ્યારથી ભેદજ્ઞાન થયું ત્યારથી જગતનો સાક્ષી પુરાણ
પુરુષ પ્રકાશમાન થયો. ભેદજ્ઞાન થતાં જ ચૈતન્યભગવાન આત્મા પોતાના જ્ઞાનપરિણામથી ઝળહળી ઊઠ્યો...
આનંદથી શોભી ઊઠ્યો.
આટલી વાત કરી કે તરત જ જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન ઊઠ્યો કે પ્રભો! આવા જ્ઞાનીને કઈ રીતે ઓળખવા?
ચૈતન્યભગવાન ઝળહળી ઊઠ્યો તેને કઈ રીતે ઓળખવો? ખરેખર શિષ્ય પોતે આવું ભેદજ્ઞાન પ્રગટ કરવા તૈયાર
થયો છે, એટલે હું પણ આવું ભેદજ્ઞાન કઈ રીતે પ્રગટ કરું! એવી ધગશથી તેને પ્રશ્ન ઊઠ્યો છે.
ત્યારે આચાર્યદેવ તેને કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાનમય પરિણામને જ કરે છે; જ્ઞાનમય પરિણામનું જ
કર્તાપણું ને રાગાદિનું અકર્તાપણું–તે જ્ઞાનીનું ચિહ્ન છે, તે જ્ઞાનીની નિશાની છે. જેમ મોટા રાજા–મહારાજાઓને
ધજામાં ચિહ્ન હોય છે, તે ચિહ્ન ઉપરથી તે ઓળખાય છે. તેમ જ્ઞાનીધર્માત્મા તો રાજાનો પણ રાજા છે, તેની
ધજાનું કાંઈ ચિહ્ન ખરું? તો કહે છે કે હા; રાગાદિના અકર્તાપણારૂપ જે જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીની
ધર્મધજાનું ચિહ્ન છે, તે ચિહ્નવડે જ્ઞાનીરાજા ઓળખાય છે. અને આ રીતે જ્ઞાનપરિણામવડે જ્ઞાનીને
ઓળખનાર જીવ પોતે પણ તે કાળે જ્ઞાનસ્વરૂપ થઈને, કર્તૃત્વ રહિત થયેલો શોભે છે.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવનું ચિહ્ન બતાવ્યું. ‘વાહ! ભારે અદ્ભુત વાત કરી છે, જે જાગીને જુએ તેને
જણાય તેવું છે.’ (સમયસાર ગાથા ૭પ ઉપરના પ્રવચનોમાંથી)