: ૮ : આત્મધર્મ : ૨૦પ
જળમાંથી) પાણી મેળવવાની ઈચ્છાથી વેગપૂર્વક દોડતું
તરસ્યું હરણું દુઃખી જ થાય છે, ઝાંઝવાના જળથી કદી પણ
તેની તૃષા છીપતી નથી; તેમ આ સંસારરૂપી રેતીના રણમાં
પાંચ ઈન્દ્રિયના વિષયરૂપ પુણ્યફળો તો મૃગતૃષ્ણા
(ઝાંઝવાના જળ) જેવા છે, તેમાં ખરેખર સુખ નથી પણ
દ્રષ્ટિભ્રમને લીધે અજ્ઞાનીને ત્યાં સુખની કલ્પના થઈ ગઈ
છે, તેથી વિષયોમાંથી સુખ મેળવવાની લાલસાથી વેગપૂર્વક
વિષયોમાં ધસતા અજ્ઞાનીજીવો તૃષ્ણાથી દુઃખી જ થાય છે, વિષયો પ્રત્યેના વલણથી કદીપણ તેને સુખ મળતું
નથી. અહો જીવો! ચૈતન્યતત્ત્વમાં જ સુખ છે, બહારમાં જગતના કોઈ વિષયોમાં સુખ નથી, માટે બાહ્યવૃત્તિ
છોડીને અંતરમાં વળો...આમ સંતો સુખનું ધામ બતાવે છે, અને વિષયતૃષ્ણાના વેગે ચડેલા જીવોને પાછા
વાળે છે કે અરે જીવો! આ ચૈતન્ય તરફ વળો...તે જ સુખનું ધામ છે, તે જ આનંદનું ધામ છે.
બાહ્યમાં પુણ્યફળની સામગ્રી મળતાં અજ્ઞાની માને છે કે મને સુખનું સાધન મળ્યું; આચાર્યદેવ કહે છે
કે અરે મૂઢ! એ તારા સુખનું સાધન નથી, પરંતુ જેટલો તું તે સામગ્રીને અવલંબ્યો તેટલું તને દુઃખ મળ્યું.
સુખ તો સમસ્ત વિકલ્પોથી રહિત પરમચૈતન્યના આહલાદરૂપ સ્વરૂપતૃપ્તિમાં જ છે. ચૈતન્યતત્ત્વ પોતે જ
સુખનું સાધન છે. ચૈતન્યનું જે અતીન્દ્રિય સુખ છે તે જ ખરું સુખ છે, એ સિવાય બાહ્યવિષયોમાં જે
ઈન્દ્રિયોસુખ ભાસે છે તે તો ઝાંઝવાના જળની જેમ અજ્ઞાનીની માત્ર કલ્પના જ છે. જે અતીન્દ્રિય વાસ્તવિક
સુખ છે તે તો આત્માથી જ ઉત્પન્ન અને વિષયોથી પાર છે, તે સુખ આત્માને જ અવલંબશે પણ વિષયોને
નહિ અવલંબે.–આવું સ્વાધીનસુખ તે જ સાચું સુખ છે. વિષયોને આધીન થઈને અજ્ઞાની જે સુખ માને છે તે
સુખ નથી પણ દુઃખ જ છે.
* ઈન્દ્રિયસુખ તો પરના સંબંધવાળું હોવાથી પરાધીન છે, ને અતીન્દ્રિયસુખ પરના સંબંધ વગર
આત્માને જ આધીન છે.
* ઈન્દ્રિયસુખ તો અનેક વિઘ્નવાળું છે, ખાવા–પીવા વગેરેની અનેક તૃષ્ણાને લીધે તેમાં આકુળતા
છે, અને અતીન્દ્રિયસુખ તો વિઘ્નવગરનું છે. તેમાં વિષયો મેળવવાની આકુળતા નથી પણ તૃપ્તિ છે.
* ઈન્દ્રિયસુખ તો વિચ્છિન્ન છે, સાતાનો ઉદય પૂરો થતાં જ અસાતાથી જીવ દુઃખી થાય છે,
ઈન્દ્રિયસુખ કાયમ રહેતું નથી, જેમાં સુખ કલ્પ્યું હોય તે સામગ્રી પણ કાયમ રહેતી નથી. જ્યારે અતીન્દ્રિય
સુખના સાધનરૂપ ચૈતન્યતત્ત્વ તો કાયમ છે,–તે ચૈતન્યના આશ્રયે થયેલું અતીન્દ્રિયસુખ અચ્છિન્ન છે.
* ઈન્દ્રિયસુખ તો બંધનું કારણ છે, પુણ્યનું ફળ ભોગવવાની જે રાગવૃત્તિ તે નવાકર્મબંધનું કારણ
થાય છે. અને ચૈતન્યના અનુભવરૂપ અતીન્દ્રિય સુખ તો રાગ વગરનું હોવાથી બંધનું કારણ થતું નથી, તે તો
મોક્ષનું કારણ થાય છે. અને–
* પુણ્યના ફળને આધીન વર્તતું તે ઈન્દ્રિયસુખ તો વિષમ છે, તેમાં વધઘટ થયા કરતી હોવાથી તે
અત્યંત અસ્થિર છે, તે એક સરખું રહેતું નથી. પૂર્ણ અતીન્દ્રિયસુખ આત્માના આધારે વર્તતું હોવાથી વધઘટ
રહિત સ્થિર રહે છે. જે પૂર્ણ સુખ પ્રગટ્યું તે પ્રગટ્યું, પછી તે સદાકાળ એવું ને એવું રહ્યા કરે છે.
આ રીતે આત્માશ્રિત અતીન્દ્રિયસુખ તે જ ખરું સુખ છે, તે જ પ્રશંસનીય અને ઈચ્છવાયોગ્ય છે;
ઈન્દ્રિયસુખ તે દુઃખ જ છે, તે પ્રશંસનીય નથી, ઈચ્છવા યોગ્ય નથી. અને, જો ઈન્દ્રિયસુખ તે દુઃખ જ છે–તો
પછી, તેના સાધનરૂપ એવું પુણ્ય તે પણ પાપની જેમ દુઃખનું જ સાધન છે–એમ સિદ્ધ થાય છે. અતીન્દ્રિય
આત્મસ્વભાવ તે એક જ સુખનું સાધન છે, માટે સર્વઉદ્યમવડે સમ્યક્ પ્રકારે તેને ઓળખી, તેમાં એકાગ્રતાવડે
રાગદ્વેષ છોડીને શુદ્ધોપયોગી થવું તે જ શરણ છે, તે જ સુખ છે, તે મોક્ષનો ઉપાય છે.
પ્રવચનસાર ગાથા ૭પ–૭૬ ઉપરના પ્રવચનમાંથી.
૨૦૧૬ના આસો વદ ૩–૪