: ૧૦ : આત્મધર્મ : ૨૦૬
અને બંધને જુદા કરવાની તાલાવેલી જાગી છે તેથી સાધન પૂછે છે કે હે નાથ! તેને જુદા કરવાનું સાધન મને
બતાવો.
ત્યારે આચાર્યદેવ ર૯૪ મી ગાથામાં સાધન બતાવે છે :–
જીવ બંધ બંને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
પ્રજ્ઞા છીણી થકી છેદતાં બંને જુદા પડી જાય છે.
(આ ગાથા ઘણી સરસ છે...પૂ. ગુરુદેવ પ્રવચનમાં અધ્યાત્મની મસ્તીપૂર્વક શાંત હલકથી જ્યારે આ
ગાથા બોલ્યા ત્યારે સભાજનો ડોલી ઊઠ્યા હતા. અહા! ગુરુદેવના શ્રીમુખે આત્માના મોક્ષનું સાધન
સાંભળતાં મુમુક્ષુજીવોને ઘણી પ્રસન્નતા થતી હતી. ગુરુદેવ કહેતા હતા–)
ભગવાન! સાંભળ...આ તારા મોક્ષનું સાધન! આત્મા અને બંધને જુદા કરવારૂપ જે ‘કાર્ય’ , તેનો
‘કર્તા’ આત્મા, તેના ‘સાધન’ સંબંધી ઊંડી વિચારણા (મીમાંસા) કરવામાં આવતાં, ‘ભગવતી પ્રજ્ઞા’ જ
સાધન છે, કેમકે નિશ્ચયે પોતાથી ભિન્ન સાધનનો અભાવ છે.
જુઓ, આ મુમુક્ષુની વિચારણા! આચાર્યદેવ કહે છે કે ભાઈ, જો ઊંડો વિચાર કર તો તારા મોક્ષનું
સાધન તને તારામાં જ દેખાશે. આચાર્યદેવ પોતે સાધનનો નિર્ણય કરીને શિષ્યને પણ પ્રેરે છે કે જો ભાઈ!
તારું સાધન તારાથી જુદું ન હોય. રાગ તો તારા સ્વભાવથી જુદો ભાવ છે. જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ, એટલે કે
અંતરમાં વળેલું જ્ઞાન –તે જ તારું મોક્ષ માટેનું સાધન છે. એટલે કે ભગવતી પ્રજ્ઞા જ તારું મોક્ષનું સાધન છે.
તે પ્રજ્ઞાવડે છેદવામાં આવતાં આત્મા અને બંધ જરૂર છૂટા પડી જાય છે.
જુઓ, આ ભગવતી પ્રજ્ઞાને સાધન કહ્યું તેમાં ક્્યાંય રાગ ન આવ્યો, ક્્યાંય વ્યવહારનું અવલંબન ન
આવ્યું, પણ પોતામાં પોતાના સ્વભાવનું જ અવલંબન આવ્યું. અહા, આચાર્યદેવે આત્માથી અભિન્ન
ભગવતીપ્રજ્ઞાને જ મોક્ષનું સાધન બતાવીને અલૌકિક વાત સમજાવી છે. તેઓશ્રી પોતાના સ્વાનુભવપૂર્વક
કહે છે કે આવી પ્રજ્ઞાછીણી વડે આત્મા અને બંધને છેદી શકાય છે એમ અમે જાણીએ છીએ.
બંધનથી છૂટવાની જેને ભાવના છે, એવો મોક્ષાર્થી જીવ પૂછે છે કે પ્રભો! મારા આત્મામાંથી બંધનનો
છેદ કઈ રીતે થાય? મારા આત્માને બંધનથી જુદો કરવાનું સાધન શું? આમ પૂછનાર શિષ્ય એટલે સુધી તો
આવ્યો છે કે બંધભાવને છેદવાથી મુક્તિ થશે, કોઈ રાગવડે કે દેહાદિની ક્રિયાવડે મુક્તિ નહિ થાય. એટલે
દેહની ક્રિયા કે રાગાદિ તે મારું કાર્ય નથી. મારું કાર્ય તો બંધને છેદવાનું છે, આત્માને બંધનથી મુક્ત કરવો તે
જ મારું કાર્ય છે, અને મારો આત્મા જ તેનો કર્તા છે. હવે તેનું સાધન શું એનો ઊંડો વિચાર કરે છે.
આચાર્ય દેવ કહે છે કે હે ભવ્ય! મોક્ષરૂપી જે તારું કાર્ય તેના સાધનની ઊંડી મીમાંસા કરવામાં
આવતાં, તે સાધન તારામાં જ છે, તારા મોક્ષનું સાધન ખરેખર તારાથી જુદું નથી; તારા આત્માથી અભિન્ન
એવી ભગવતીપ્રજ્ઞા જ બંધને છેદવાનું તારું સાધન છે. અહો, એકવાર શ્રદ્ધા તો કર કે હું જ્ઞાનસ્વરૂપ છું ને
મારા મોક્ષનું સાધન પણ જ્ઞાનસ્વરૂપ ભગવતીપ્રજ્ઞા જ છે, એનાથી જુદું કોઈ સાધન નથી. કર્તા આત્મા, અને
સાધન રાગ–એમ હોઈ શકે નહિ. રાગ તો બંધન છે, તે પોતે બંધનથી છૂટવાનું સાધન કેમ હોય? સમ્યગ્દર્શન
તે પણ મિથ્યાત્વના બંધનથી છૂટકારો છે, તેનું સાધન રાગ નથી પણ ચૈતન્યસ્વરૂપ આત્મા તરફ વળેલી પ્રજ્ઞા
જ તેનું સાધન છે, તેથી તે પ્રજ્ઞા ‘ભગવતી’ છે.
મોક્ષના ઉપાયનો ખરો વિચાર પણ જીવે કદી કર્યો નથી, મોક્ષનું સાધન બહારમાં જ શોધ્યું છે; પણ
મોક્ષ કરનાર જે આત્મા તેનાથી જુદું મોક્ષનું સાધન હોય નહિ. મોક્ષનું સાધન રાગથી તો જુદું હોય. પણ
જ્ઞાનથી જુદું ન હોય.