: ૧૦ : આત્મધર્મ : ૨૦૭
રમતાં પરમ શાંતિ વેદાય છે. તો પછી આવા શાંત રમ્ય ચૈતન્યપ્રદેશને છોડીને ઉજ્જડ વેરાન એવા પરદ્રવ્યમાં
કોણ રમે?–તેને રમ્ય કોણ માને? ધર્મી તો ન જ માને. જેણે શાંતિધામ એવો રમ્ય આત્મપ્રદેશ જોયો નથી
એવા મૂઢ જીવો જ પરદ્રવ્યમાં સુખ કલ્પીને તેને રમ્ય સમજે છે.
‘જગતમાં જે પદાર્થો દુઃખદાયક છે તે ભલે રમ્ય ન હો, પરંતુ જે સુખદાયક છે એવા સ્ત્રી–પુત્ર–લક્ષ્મી
વગેરેને તો રમ્ય કહો?–એમ કોઈ અજ્ઞાનીને પ્રશ્ન ઊઠે તો તેનું આ ગાથામાં સમાધાન કર્યું છે. અરે મૂઢ!
બાહ્ય પદાર્થો તને સુખરૂપ રમ્ય લાગે છે તે તારી બાહ્યદ્રષ્ટિ અને દેહદ્રષ્ટિને લીધે જ લાગે છે, ખરેખર પોતાના
આત્મા સિવાય બીજું કોઈ સુખરૂપ કે રમ્ય નથી.
જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સંયોગમાં સુખબુદ્ધિ છે, ને તેને આખું જગત વિશ્વાસયોગ્ય તથા રમ્ય
લાગે છે. જ્ઞાની તો પોતાના આત્માને જગતથી જુદો જાણીને આત્માને જ વિશ્વાસયોગ્ય તથા રમ્ય જાણે છે.
પોતાના ચૈતન્યતત્ત્વમાં જ જેની દ્રષ્ટિ છે તેને બહારમાં કોનો વિશ્વાસ? ને કોનો પ્રેમ? બહારના કોઈ
પદાર્થોમાં મારું સુખ છે એવો વિશ્વાસ જ્ઞાની કરતા નથી. અજ્ઞાની પરચીજને પોતાના સુખનું કારણ માનીને
તેનો વિશ્વાસ અને પ્રીતિ કરે છે, પણ આત્મામાં સુખ છે તેનો વિશ્વાસ કે પ્રીતિ તે કરતો નથી. જ્ઞાનીને
ચૈતન્યના અતીન્દ્રિય સુખનું વેદન થયું છે, એટલે તેનો જ વિશ્વાસ અને તેની જ પ્રીતિ છે. જગતમાં ક્યાંય
પરમાં મારું સુખ છે જ નહિ એવું ભાન છે તેથી પરમાં ક્યાંય સુખબુદ્ધિથી આસક્તિ થતી નથી. આ રીતે
આત્માની જ રતિ હોવાથી જ્ઞાની પોતાના આત્મજ્ઞાન સિવાય બીજું કાર્ય અધિકકાળ ધારણ કરતા નથી–એ
વાત હવેની ગાથામાં કહેશે.
વિશ્વાસયોગ્ય એટલે શ્રદ્ધા કરવાયોગ્ય, અને રમ્ય એટલે રમવાયોગ્ય–લીન થવા યોગ્ય; જ્ઞાની તો આત્મામાં
જ સુખ જાણીને તેની જ શ્રદ્ધા અને લીનતા કરે છે; અજ્ઞાની પરમાં સુખ માનીને તેની જ શ્રદ્ધા ને લીનતા કરે છે,
એટલે તેને જગતના બાહ્ય વિષયો સુખકર અને પ્રિય લાગે છે, આત્મા તેને પ્રિય લાગતો નથી. જ્ઞાનીને આત્મા જ
પ્રિય લાગે છે, આત્મા સિવાય બીજું કાંઈ તેને પ્રિય લાગતું નથી.–‘જગત ઈષ્ટ નહિ આત્મથી.’
આત્માના સ્વભાવ સિવાય બહાર લક્ષ જઈને જે શુભ વૃત્તિ ઊઠે, તે શુભવૃત્તિનો જેને પ્રેમ છે તેને
પણ જગતના બાહ્ય વિષયોનો પ્રેમ છે, આત્માના સ્વભાવનો પ્રેમ નથી. દ્રવ્યલિંગી મુનિ થઈને જે એમ
માનતો હોય કે અઠ્ઠાવીસ મૂળગુણ વગેરે શુભ વિકલ્પો મને મોક્ષનું કારણ થશે,–તો તેને રાગનો જ વિશ્વાસ
છે, પણ મુક્તિદાતાર એવો જે પોતાનો વીતરાગી આત્મા તેનો વિશ્વાસ તેને નથી. બાહ્યપદાર્થોના વિશ્વાસે તે
ઠગાઈ જશે; કેમકે જે બાહ્ય પદાર્થોના આધારે તે સુખ માને છે તે બાહ્યપદાર્થો તો ક્ષણમાં ખસી જશે. માટે
બાહ્ય વિષયોમાં જે સુખ માને છે તે જરૂર ઠગાય છે–છેતરાય છે. અને જ્ઞાની તો ચિદાનંદ સ્વભાવમાં જ સુખ
માનીને તેની જ શ્રદ્ધા અને તેમાં રમણતા કરે છે, તે કદી છેતરાતા નથી, કેમકે પોતાનો આત્મા કદી દગો દેતો
નથી–તેનો કદી વિયોગ થતો નથી. સંયોગ તો દગો દઈને ક્ષણમાં છૂટા પડી જાય છે. તેથી સંયોગના વિશ્વાસે
જે સુખી થવા માંગે છે તે જરૂર છેતરાય છે. આ શરીર ને આ અનુકૂળ સંયોગો જાણે સદાય આવા ને આવા
રહ્યા કરશે એમ તેનો વિશ્વાસ કરીને અજ્ઞાની તેમાં સુખ માને છે, પણ જ્યાં સંયોગો પલટી જાય ને
પ્રતિકૂળતા થઈ જાય ત્યાં જાણે કે મારું સુખ ચાલ્યું ગયું! એમ તે છેતરાય છે. પણ અરે ભાઈ! અનુકૂળ
સંયોગ વખતે પણ તેમાં કાંઈ મારું સુખ ન હતું, તું તેમાં સુખ માનીને છેતરાયો. જ્ઞાની તો જાણે છે કે
સંયોગનો શો વિશ્વાસ? તેમાં ક્્યાંય સુખ દેખાતું જ નથી. જ્ઞાનીની નજર એક આત્મા ઉપર જ ઠરે છે. બીજે
ક્્યાંય જગતમાં તેની નજર ઠરતી નથી. રાગ ઉપર પણ તેની દ્રષ્ટિ ઠરતી નથી. એક આતમરામમાંજ તેની
નજર ઠરે છે. અહો! મારો આત્મા એક જ મારા સુખનું ધામ છે, તે સિવાય જગતનું કોઈ તત્ત્વ મારા સુખનું
ધામ નથી, તો તે પર દ્રવ્યોનો શો વિશ્વાસ? ને તેમાં કેવી રતિ? મારો આત્મા જ મારું આનંદનું ધામ છે–એમ
જ્ઞાનીની શ્રદ્ધાનો વિષય પોતાનો આત્મા જ છે.
જ્ઞાની પોતાના આત્માનો વિશ્વાસ કરે છે.
અજ્ઞાની બાહ્ય સંયોગનો વિશ્વાસ કરે છે.