Atmadharma magazine - Ank 207
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
પોષ : ૨૪૮૬ : ૧૧ :
અજ્ઞાની બાહ્યસંયોગોને સુખના દાતાર માનીને, તે સંયોગમાંથી સુખ લેવા માંગે છે, પણ સંયોગો તો
સુખ કદી આપતા નથી, તેથી અજ્ઞાની છેતરાય છે.
જ્ઞાની બાહ્યસંયોગોમાં સ્વપ્નેય સુખ માનતા નથી, તે તો પોતાના સ્વભાવને જ સુખનો સાગર
જાણીને તેનો વિશ્વાસ અને તેમાં એકાગ્રતા કરે છે, ને એ રીતે પોતાના અતીન્દ્રિયસુખને ભોગવે છે; તે
છેતરાતા નથી.
માટે હે ભવ્ય! તારા આત્માને જ સુખનું સ્થાન જાણીને તેનો જ વિશ્વાસ કર ને તેમાં જ રમણતા કર.
બાહ્ય પદાર્થોમાં સુખની માન્યતા છોડ.–એમ શ્રી પૂજ્યપાદસ્વામીનો ઉપદેશ છે.
‘જગત ઈષ્ટ નહિ આત્મથી’–સમકિતીને પોતાનો આત્મા જ ઈષ્ટ છે, આત્મા જ વહાલો છે, આત્મા
સિવાય બીજું કાંઈ જગતમાં ઈષ્ટ નથી, સુખરૂપ લાગતું નથી. સમકિતી ચક્રવર્તી હોય ને છખંડનું રાજ–હજારો
રાણીઓ વગેરે હોય છતાં તેમાં ક્યાંય મારું સુખ છે એમ સ્વપ્નેય વિશ્વાસ કરતા નથી; તે બધા સંયોગો તો
મારાથી તદ્ન જુદા જ છે અને તે સંયોગો તરફની લાગણીથી પણ મને દુઃખ છે, તેમાં ક્યાંય મારું સુખ નથી
સુખ તો મારા ચિદાનંદસ્વભાવમાં જ છે; આમ સ્વભાવનો વિશ્વાસ કરીને ધર્મી વારંવાર તેને જ સ્પર્શે છે,–
તેમાં વારંવાર ડુબકી મારીને શાંતરસને વેદે છે. ચૈતન્યના વિશ્વાસે જ્ઞાનીના વહાણ ભવસાગરથી તરી જાય
છે–ને મોક્ષમાં પહોંચી જાય છે.
।। ૪૯।।
વૈરાગ્ય સમાચાર
મોરબીના ભાઈશ્રી જગજીવન કાસીદાસ મહેતા માગસર સુદ ૧૩ ના રોજ
મોરબી મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો.
વૃદ્ધાવસ્થા અને આંખોની પૂરી તકલીફ હોવા છતાં તેઓ અવારનવાર સોનગઢ આવીને
ગુરુદેવના પ્રવચનોનો લાભ લેતા; અને તેમના મનન માટે પૂ. ગુરુદેવે પોતાના પાવન
હસ્તે મંત્ર લખી આપેલ હતો કે “સહજ ચિદાનંદ સ્વરૂપ આત્માનું સ્મરણ કરવું.” તેઓ
પ્રસન્નતાપૂર્વક તેનું રટણ કરતા. આધ્યાત્મિક શાસ્ત્રોના સ્વાધ્યાય–શ્રવણનો તેમને ઘણો
પ્રેમ હતો. તેઓ મોરબી મુમુક્ષુ મંડળના એક વડીલ તેમજ કાર્યવાહક કમિટિના સભ્ય
હતા. આ આત્મધર્મના લેખક બ્ર. હરિભાઈને પરમકૃપાળુ ગુરુદેવનું ચરણસાન્નિધ્ય પ્રાપ્ત
થવામાં પ્રાપ્ત થવામાં તેમની પ્રેરણા હતી. સ્વર્ગવાસના આગલા દિવસે મોડી રાત સુધી
ઉત્સાહપૂર્વક તેમણે તત્ત્વશ્રવણ કર્યું હતું. તત્ત્વ સમજવાની જિજ્ઞાસામાં આગળ વધીને
તેઓ પોતાનું કલ્યાણ સાધે, અને તેમના કુટુંબીજનો પણ તેમના તત્ત્વપ્રેમનું અનુકરણ
કરીને આત્મહિતના પંથે વળે... એ જ ભાવના.