Atmadharma magazine - Ank 208
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
મહા : ૨૪૮૭ : ૧૩ :
શાસ્ત્ર ભણવાનું ફળ :
: શુદ્ધાત્માનો આશ્રય
શાસ્ત્રો ભણવાનું તાત્પર્ય–શુદ્ધજ્ઞાનમય આત્માનો આશ્રય કરવો–તે જ છે; એ જ વાત સંતો
ફરમાવે છે. જેને શાસ્ત્રના તાત્પર્યરૂપ શુદ્ધજ્ઞાનમય આત્માના આશ્રયનો અભાવ છે તે જીવ
ખરેખર શાસ્ત્રોને ભણ્યો જ નથી.
પ્રશ્ન :– અગીયાર અંગ ભણવા છતાં અભવ્ય જીવને સમ્યગ્જ્ઞાન કેમ નથી?
ઉત્તર :– કેમકે જ્ઞાનની શ્રદ્ધાનો તેને અભાવ છે તેથી અજ્ઞાની જ છે.
પ્રશ્ન :– તે અજ્ઞાની જીવ મોક્ષનો શ્રદ્ધે છે કે નહીં?
ઉત્તર :– મોક્ષને પણ તે શ્રદ્ધતો નથી, કેમકે શુદ્ધજ્ઞાનમય એવા આત્માને તે જાણતો નથી;
શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન જેને ન હોય તેને મોક્ષની પણ શ્રદ્ધા હોતી નથી. અને મોક્ષની શ્રદ્ધા વગર ગમે
તેટલા શાસ્ત્રો પઢી જાય તોપણ આત્માનો લાભ ક્યાંથી થાય?–સમ્યગ્જ્ઞાન ક્યાંથી થાય? શાસ્ત્રોનો હેતુ તો
શુદ્ધજ્ઞાનમય આત્મા દર્શાવીને મોક્ષના ઉપાયમાં લગાડવાનો હતો, પરંતુ જેને મોક્ષની જ શ્રદ્ધા નથી તેને
શાસ્ત્રનું ભણતર ક્યાંથી ગુણકારી થાય? માટે, અભવ્ય જીવ ૧૧ અંગ ભણવા છતાં અજ્ઞાની જ રહે છે.
અભવ્યના દ્રષ્ટાંત મુજબ બીજા ભવ્ય જીવોનું પણ એ જ પ્રમાણે સમજી લેવું. અંતર્મુખ થઈને, રાગથી જુદો
થઈને, શુદ્ધજ્ઞાનમય આત્માને જે જાણે છે તે જ સમ્યગ્જ્ઞાની થાય છે.
પ્રશ્ન :– શાસ્ત્રો ભણવાનું તાત્પર્ય શું છે?
ઉત્તર :– શાસ્ત્રોનું તાત્પર્ય તો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા બતાવવાનું છે, એવા આત્માનું
જ્ઞાન તે જ શાસ્ત્ર ભણવાનું તાત્પર્ય છે. જે જીવ એવા આત્માને નથી જાણતો તે ખરેખર શાસ્ત્રો ભણ્યો જ
નથી. જ્ઞાનસ્વભાવી આત્મા રાગથી પણ જુદો છે–એમ બતાવીને શાસ્ત્રો જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરાવે
છે ને રાગાદિનું અવલંબન છોડાવે છે.–આ જ શાસ્ત્ર તાત્પર્ય છે, આ જ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તેનો
(એટલે કે ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનસ્વભાવી આત્માના જ્ઞાનનો) જેને અભાવ છે તેને શાસ્ત્ર ભણવાના
ફળનો અભાવ છે, એટલે તે અજ્ઞાની જ છે.
મોક્ષની શ્રદ્ધા કહો, શુદ્ધજ્ઞાનની શ્રદ્ધા કહો, આત્માની શ્રદ્ધા કહો, કે સર્વજ્ઞની શ્રદ્ધા કહો,–તેનો
અજ્ઞાનીને અભાવ છે. શાસ્ત્રોનું ફળ પણ એ છે કે રાગથી પાર શુદ્ધજ્ઞાનમય આત્માનું સ્વરૂપ જાણીને તેનો જ
આશ્રય કરવો.–એમ કરવાથી જ મોક્ષની શ્રદ્ધા થાય છે, એમ કરવાથી જ શુદ્ધજ્ઞાનની શ્રદ્ધા થાય છે, એમ
કરવાથી જ આત્માની અને સર્વજ્ઞની શ્રદ્ધા થાય છે. પરંતુ શાસ્ત્રોમાં જ્યાં વ્યવહારનું કથન આવે ત્યાં તે
વ્યવહારની રુચિમાં જ જે અટકી જાય છે તેને શાસ્ત્ર ભણતરના ફળનો અભાવ છે, એટલે આત્મા વગેરેનું
જ્ઞાન નહિ હોવાથી તે અજ્ઞાની જ રહે છે. આ રીતે, જેને વ્યવહારની રુચિ છે તે શાસ્ત્ર ભણે તો પણ અજ્ઞાની
જ છે; અને જેણે શુદ્ધાત્માની રુચિ કરીને તેનો આશ્રય કર્યો છે તેને બીજું શાસ્ત્રભણતર કદાચ ઓછું હોય તો
પણ તે સમ્યગ્જ્ઞાની જ છે.
(સમયસાર ગા. ર૭૪ ઉપરના પ્રવચનમાંથી
સં. ર૦૧૬ આસોવદ ૧૨)