Atmadharma magazine - Ank 208
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
મહા : ર૪૮૭ : :
ય ધર્માત્માના હૃદયમાં સ્ફુરતી સહજ આત્મસંપદા ય
ધર્માત્મા જ્યારે પોતાના ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યારે તે ઉત્તમ
આત્માના હૃદયમાં સમતાની સાથે સાથે આત્મસંપદા સ્ફુરાયમાન્ થાય છે...અતીન્દ્રિય
આનંદના ઝરણાં વહે છે. જુઓ, આનું નામ સમાધિ છે. પહેલાં ચોથા ગુણસ્થાને પણ
આ જાતની સમ્યકત્ત્વસમાધિ થાય છે. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર એ
ત્રણેય સમાધિ છે, ત્રણેયમાં આત્મસંપદાનું સ્ફુરણ થાય છે. સમ્યક્ત્વની સ્ફુરણા થતાં
ધર્માત્માના હૃદયમાં જાણે સિદ્ધ ભગવાન પધાર્યા! એમ તે પોતાની આત્મસંપદાને
અનુભવે છે. અહીં મુનિરાજ કહે છે કે અહા! અતીન્દ્રિય આનંદથી ભરેલી આ સહજ
આત્મસંપદા તે અમારા જેવાઓનો વિષય છે,–છતાં અમે પણ જ્યાંસુધી અંર્તમુખ
થઈને સમાધિરૂપ પરિણમતા નથી ત્યાંસુધી અમે તે આત્મસંપદાને અનુભવતા નથી.
શુભવૃત્તિનું ઉત્થાન પણ અમારી ચૈતન્ય સંપદામાં સંપદાના અનુભવને રોકનાર છે.
સ્વાશ્રયવડે જ્ઞાયક સ્વરૂપમાં લીનતા તે સમાધિ છે, આ વીતરાગી સમાધિમાંથી
આનંદના ઝરણાં ઝરે છે, ને તે સમસ્ત કર્મકલંકને ધોઈ નાંખે છે. જુઓ, આ સમાધિ!
ચૈતન્યને ભૂલેલા અજ્ઞાની જીવો બાહ્ય વિષયોમાં લીનતાથી મૂઢ થઈને અનંતકાળથી
અસમાધિપણે મરે છે, જીવતાં પણ તેને અસમાધિ છે, ને મરતાં પણ તે અસમાધિપણે
મરે છે;–ભલે કદાચ ભગવાનનું નામ બોલતાં બોલતાં પ્રાણ છોડે તો પણ ચૈતન્યના લક્ષ
વગર તેને અસમાધિ જ છે. ચિદાનંદ તત્ત્વનું ભાન થતાં તેના આશ્રયે ધર્માત્માને
વીતરાગી સમાધિમાં અવર્ણનીય આનંદ સ્ફુરે છે. સમ્યગ્દર્શન થતાં પણ અંતરમાં એવો
આનંદ ધર્માત્માને સ્ફૂરે છે કે અજ્ઞાનીને કલ્પનામાંય ન આવે. તો ચૈતન્યમાં લીન
મુનિવરોના આનંદની શી વાત!! આવા પરમ આનંદની સ્ફૂરણા તે સમતાની સખી છે,
એટલે કે ઉત્તમપુરુષોને સમાધિવખતે હૃદયમાં સમતાની સાથે આવા આનંદની સ્ફૂરણા
થાય છે. સંત–ધર્માત્માઓ સિવાય બીજાનો આ વિષય નથી.
समाधि वरं उत्तमं दिंतु” એમ ભગવાન પાસે પ્રાર્થના કરે છે તેમાં આ
સમાધિની માગણી છે. સમાધિ શું તેની ઓળખાણ પણ જેને નથી, તે તો, ભગવાન
પાસે શું માંગે છે તેની પણ ખબર નથી, તેને સમાધિ ક્યાંથી હોય? સમાધિ તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં છે, ને તે ચૈતન્યના આશ્રયે જ થાય છે. તે સમાધિમાં
ધર્માત્માને સમતાની સાથે સાથે સહજ આનંદના વેદનરૂપ આત્મસંપદા સ્ફૂરે છે.
જુઓ, આ ધર્માત્માની સંપદા! ધર્માત્મા ઉત્તમ આત્મા ચૈતન્યની આનંદ સંપદાને
જ પોતાની સંપદા માને છે, ચૈતન્યના આનંદની સંપદા પાસે આખા જગતની સંપદાને
તે તૂચ્છ સમજે છે. ચૈતન્યના આનંદને ચૂકીને બાહ્યવિષયોમાં જે સુખ માને છે તે તૂચ્છ
બુદ્ધિવાળો છે. સહજ આત્મસંપદા તેનો વિષય નથી અર્થાત્ તે તૂચ્છ બુદ્ધિવાળા જીવને
ચૈતન્યસંપદાનો અનુભવ થતો નથી. ધર્માત્માઓ જ ચિદાનંદસ્વભાવની સંપદાને ઉત્તમ
જાણતા થકા સમાધિ વડે અંતરમાં તેને અનુભવે છે.
સમ્યગ્દર્શન તે પણ આવા અનુભવથી જ પ્રગટે છે. સમ્યગ્દર્શન થતાં ધર્માત્માના
હૃદયમાં સહજ આનંદની સ્ફૂરણા થાય છે...ને મોક્ષનો માર્ગ ખુલી જાય છે.
આસો વદ ચોથ; નિયમસાર કલશ ૨૦૦ ઉપરના પ્રવચનમાંથી