ચૈત્ર : ર૪૮૭ : ૧૧ :
પદ્મનંદી પંચવિંશતીકા
(દાનઅધિકાર ઉપર પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનાં પ્રવચનો)
જામનગર મહા સુદી ર–૩ તા. ૧૮–૧–૬૧, ૧૯–૧–૬૧
(૧)
૧. ખરેખર દાન તો મિથ્યામાન્યતા–અજ્ઞાન અને રાગાદિના ત્યાગપૂર્વક આત્મામાં સમ્યગ્દર્શનાદિ
રત્નત્રયની શાન્તિ, અતિન્દ્રિય આનંદનું પ્રગટ કરવું તે દાન છે. અધુરી દશામાં ગૃહસ્થદશા છે ત્યાં કેવી
જાતનો રાગ અને વિવેક હોય તે બતાવે છે. આચાર્યદેવે પ્રથમ ગાથામાં કહ્યું કે જગતના જીવ અંતરના
આનંદને ભૂલીને લોભરૂપી ઊંડા કુવાની ભેખડમાં ભરાયા છે તેને બહાર કાઢવા માટે આ ઉપદેશ છે.
ર. જ્ઞાનાનંદમૂર્તિ પ્રભુ આત્મા છે તેને ભૂલીને, પર ચીજ પોતાથી જુદી છે તેમાં મારું કાંઈ નથી એ
ભૂલીને એ મારા ને હું એનો એમ માનવાથી અનાદિથી જીવો અજ્ઞાની દુખી થઈ રહ્યા છે.
૩. પોતે દેહની અપેક્ષા વિનાનો, શાશ્વત જ્ઞાનાનંદ મૂર્તિ છે તેની મહિમા, પ્રીતિ, રુચિ છોડીને, પરને
અનુકૂળ કે પ્રતિકૂળ માની પરથી લાભ નુકશાન અજ્ઞાની માને છે. પુણ્યને ધર્મ માની બેઠા છે તેની વાત નથી
પણ જેને ધર્મની ઓળખાણ છે, પ્રેમ છે તેને દાનનો વિવેક બતાવે છે અને ધર્મમાં જિજ્ઞાસા છે તેને પણ
ધર્માત્માની ઓળખ કરી દાન દેવાનો ઉપદેશ છે. ધર્મની રુચિ કરાવવાને તૃષ્ણા ઘટાડવાનો જે ઉપદેશ છે તે
અનાદિનો છે, નવો નથી.
૪. ‘અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા’ એ નિયમ મુજબ જીવ અનાદિકાળથી પોતાને ભૂલી,
પરને પોતાનું માનતો આવે છે. કામ ક્રોધાદિ પાપ છે દયા, દાન, વ્રતાદિ, પૂજા ભક્તિના ભાવો પુન્ય છે; બેઉ
બંધનના કારણો છે, ઉપાધિ છે અનિત્ય છે પણ આત્મા તેવો નથી, આત્મા તો સદા જ્ઞાયક સ્વભાવી છે તેની
રુચિ–છોડી દેહાદિની રુચિ જીવ કરે છે, ત્યાં સુધી પુન્યપાપના ફળમાં દેવ, મનુષ્ય, પશુ અને નારકી એમ ચાર
ગતિમાં તે રખડ્યા કરે છે. પરમાં કર્તા ભોક્તાપણું, અને ધણીપણું માનીને તૃષ્ણાના ઊંડા કૂવામાં ભરાઈ
ગયો છે તેને બહાર કેમ કાઢવો તેની વાત જીવે ભાવ સહિત કદી સાંભળી નથી.
પ. મેંદીના પાનમાં અંદર શક્તિરૂપે લાલપ છે બારીકપણે પીસે તો પ્રગટ થાય, દીવાસળીમાં અગ્નિ
અપ્રગટ શક્તિરૂપે છે, ઘસે તો પ્રગટ થાય; એમ આત્મામાં અંદરની શક્તિરૂપે પરમાનંદ–જ્ઞાનાનંદ સંપદા
વિદ્યમાન છે તેને સત્ સમાગમે ઓળખીને અંતર્મુખ દ્રષ્ટિથી અંદરમાં એકાગ્ર થાય તો તે પ્રગટ થાય પણ તેમ
ન માનતાં શરીર–મન–વાણી સંયોગનું લક્ષ કરી, બાહ્યમાં શુભરાગરૂપ વ્યવહારની રુચિ કરી જગતની ધુડની
આશાથી ઓશીયાળો થઈ રહ્યો છે.
૬. ધર્મના નામે કે સંસારની સેવાના નામે મંદ કષાય કરે તો પુણ્યની ધુડ મળે છે; તે તો ચલતી ફિરતી
છાંયા છે. તેનાથી આત્મા ન મળે. બુદ્ધિ ઘણી હોય તેના કારણે પૈસા મળતા નથી પણ પૂર્વના પુન્ય પ્રમાણે જ
મળે છે.