ચૈત્ર : ર૪૮૭ : ૧૭ :
ઠંડી મટે નહીં. આમ નકલ કરે પણ ઠંડી ઉડવાનું કામ થાય નહીં, તેમ અજ્ઞાનીઓ તત્ત્વ સમજ્યા વિના
જ્ઞાનીઓની બાહ્ય ક્રિયાની નકલ કરે, પણ તેનું અજ્ઞાન ટળે નહીં.
૧૦. ચોથા ગુણસ્થાનમાં વ્રત ન હોય, પૂજા, ભક્તિ, દાનના શુભભાવ હોય. પાંચમા ગુણસ્થાનમાં બે
કષાયના અભાવે અણુવ્રત હોય; મુનિદશામાં મહાવ્રત–નગ્નદશા આદિ ર૮ મૂળગુણ હોય; બહારથી એને જોઈને
કોઈ નકલ કરવા લાગે તેઓ જેમ ટાઢ ઉડાડવા વાંદરા આગીયા જીવડાને પકડીને અગ્નિ કરવા માગે છે તેના
જેવી ભ્રમણાને સેવે છે.
૧૧. નિમિત્ત હોય છે પણ તેનાથી કલ્યાણ થતું હોય તો એક તીર્થંકર થાય તે બધાને તારી દે. બીજાને
સમજાવી દે તો જ જ્ઞાની–એવું વસ્તુસ્વરૂપ નથી. જેમ બદામ ઉપર છોડાં હોય છે ને પછી ફોતરી હોય છે; તેની
અંદર સફેદ ગોળો તે બદામ છે; તેમ શરીર અને શુભાશુભ રાગથી પાર અંદરમાં શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ છે તે
આત્મા છે; તેનાથી વિરુદ્ધ જે રાગાદિ છે, તે આસ્રવ છે; પુણ્યપાપ તે ઉપરની ફોતરી સમાન મેલ છે આસ્રવ છે
તેનાથી રહિત ચૈતન્ય નિત્ય છે; તેને દ્રષ્ટિમાં લેવો તેનો આદર (આશ્રય) કરી તેમાં એકતાનો અનુભવ
કરવો તે ધર્મ છે.
૧ર. પુણ્યપાપનું કર્તૃત્ત્વ તે જ્ઞાતા આત્માની અરુચિરૂપ ક્રોધાદિનું થવું છે, આવો રાગ હોય તો ઠીક પડે
એમ વિકારની મહત્તા તે નિર્વિકાર આત્માની તુચ્છતા કરનાર માન છે, રાગ અને ત્રિકાળી જ્ઞાનનું ભેદજ્ઞાન
કરવાની શક્તિ છુપાવવી તે કપટ (માયા) છે. પુણ્યને ભલું માને તે જ્ઞાતાને ખરાબ માનનાર (તૂચ્છ
માનનાર) લોભ છે. જ્ઞાનીને અમુક હદ સુધી પુણ્ય–પાપની વૃત્તિ ઊઠે છે પણ તેણે તે ઉપરની દ્રષ્ટિ ઉઠાવી;
સમ્યગ્દર્શન– જ્ઞાનવડે અંતરમાં પ્રવેશ કર્યો છે. તેથી તે રાગાદિનો કર્ત્તા નથી પણ વ્યવહારે જ્ઞાતા છે.
અતીન્દ્રિય આનંદ દશાનું પ્રગટવું (તે રૂપે થવું) એવી દશા ધર્મીને હોય છે. જીવોને અનાદિકાળથી અંતરનું
તત્ત્વ સમજાયું નથી. પણ જિજ્ઞાસાથી સત્ સાંભળવામાં એકાગ્રતા રાખે તો સમજાય તેવું છે.
૧૩. પોતાની ભૂલના કારણે રાગદ્વેષ, પુણ્યપાપની વૃત્તિ થાય છે પણ તેટલો ને તેવો આત્મા નથી;
રાગાદિ આસ્રવોથી પાર પોતાનું સ્વરૂપ છે તે સ્વરૂપ સન્મુખ થઈ જીવ જ્ઞાતાપણું પ્રગટ કરે તે દશાનું નામ
ક્ષમા (અહિંસા) ધર્મ કહેવાય છે.
૧૪. જાણવું માનવું તેમાં શું, કાંઈ કરવાનું કહોને! એમ કેટલા કહે છે. પરંતુ તે તો રાગનું કાર્ય છે.
રાગ તો જીવ અનાદિ કર્તાબુદ્ધિથી કરતો આવે છે, તે કરવાનું જ્ઞાની કેમ કહે? તેવા જીવને હું જ્ઞાતા જ છું
એવા અસલી સ્વરૂપની અરુચિ છે તેથી એવાં જીવોને ભગવાન આત્મા કહેતા નથી.
૧પ. અજ્ઞાનીને પુણ્યાદિ વિકારનો પ્રેમ છે તેથી તે તેનો કર્તા થઈ પરિણમે છે. જે જીવને ત્રિકાળી
નિર્વિકારી ‘જ્ઞાયક સ્વભાવ’ પ્રત્યે વેર છે, તે જીવ સ્વભાવનું બહુમાન છોડી. રાગનું બહુમાન કરે છે તેથી તેને
મિથ્યાત્વનું બહુમાન છે તે અનંતાનુબંધીમાન કહેવાય છે.
[ગા. ૭૧ ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન]
[જામનગર તા. ૨૦–૧–૬૧]
૧૬. અનંતકાળથી અજ્ઞાનીપણાવડે ‘કર્તાકર્મ’ શું છે તે જીવે જાણ્યું નથી, પણ આ શરીર અને ઈન્દ્રિયો
સંબંધી જ્ઞાન તેટલો જ હું એમ માનતો હોવાથી અતીન્દ્રિય–અમૂર્તિક કેવળજ્ઞાનસ્વભાવી નિત્ય ચૈતન્યપણે હું
છું એમ પોતાને જાણતો નથી. આ શરીર તે જ હું–પુણ્યપાપના ભાવ થાય તે જ હું એમ માનતો હોવાથી
(અજ્ઞાનથી) તેમાં પોતાનું કર્તા–કર્મ (–કાર્ય) માને છે.