Atmadharma magazine - Ank 212
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૨
હજારો રૂપિયા ગયા, ઘરમાં કલેશ વગેરે દેખી વૈરાગ્ય કરે તે વૈરાગ્ય નથી. અંતરમાં પુણ્ય–પાપ રહિત ત્રિકાળી
જ્ઞાનાનંદઘન સ્વભાવ પડ્યો છે તેની રુચિ, અપેક્ષા અને પરભાવની સહજ ઉપેક્ષા થાય તેને સહજ
સ્વાભાવિક વૈરાગ્ય કહેવાય છે. અમે આત્મા છીએ, જ્ઞાતા–દ્રષ્ટા સુખશક્તિનો ભંડાર છીએ, પુણ્ય–પાપની
વૃત્તિ ઊઠે તે વિરુદ્ધભાવ છે. જેને પુણ્ય–પાપ અને તેના સંયોગમાં ઠીક–અઠીક ભાસે છે તેને વૈરાગ્ય નથી.
વિષમતા છે.
આત્મજ્ઞાની દીપચંદજી સાધર્મી ‘અનુભવ પ્રકાશ’ માં લખે છે કે ‘અરે આત્મા! તેરી અશુદ્ધતા ભી
બડી’ જેમ મકોડો પગમાં ચોંટે, પછી ઉખેડતાં કેડ તૂટે પણ છૂટે નહિ. તેમ આ આત્મા અજ્ઞાનવડે પુણ્ય–
પાપની લાગણીને એવો ચોંટ્યો છે–કે કોઈનું માને નહિ. આ કાળે તો પુણ્ય સારાં માનવાં જોઈએ. વ્યવહાર
પ્રથમ જોઈએ એમ રાગના પ્રેમમાં અંધ થયેલો ત્રિકાળી અરાગીસ્વભાવમાં રુચિ કરી શકતો નથી. ભાઈ!
ધીરો થા અનાદિની પરાશ્રયની દ્રષ્ટિ છે તે બદલાવી અંદર દેખ, ચિદાનંદ સ્વભાવ વિકારથી જૂદો જ છે.
અનાદિની આ ઊંધી પકડમાં હિત નથી. અપૂર્વ દ્રષ્ટિનો મહિમા લાવ, ધ્રુવસ્વભાવની દ્રષ્ટિ થતાં નિત્યાનંદના
સ્વાદ સહિત સહજ–સ્વાભાવિક વૈરાગ્ય થાય છે. ટીકાકાર મુનિ કહે છે કે અમે આવા સહજ વૈરાગ્યમાં વર્તીએ
છીએ, અમારો આત્મા આવો છે. આખા સંસારથી વિમુખ–ઉપેક્ષાવાન છીએ. તમે પણ આવી ઉપેક્ષા અને
આત્માની અપેક્ષાવડે સ્વ–સન્મુખ થાઓ.
જેમ કોઈ શત્રુને મિત્ર માનીને તેને પડખે ચડ્યો, ભૂલની ખબર પડતાં ફરી જાય. તેમ અજ્ઞાની રાગ
દ્વેષ મોહને પડખે ચડીને પોતાના આત્માને ભૂલી ગયો હતો તેને કહે છે કે હવે રુચિનું પડખું ફેરવીને, અંદર
ત્રિકાળી શુદ્ધ આત્માને જો તો અપૂર્વ આનંદ આવશે.
વળી, મુનિ કેવા છે? કે દેહમાત્ર પરિગ્રહના ધારક છે. પાંચ ઈન્દ્રિયના ફેલાવથી રહિત અને અતિન્દ્રિય
જ્ઞાનઆનંદના ફેલાવ સહિત, ચિન્માત્ર છે. તું પણ અંતરની વસ્તુપણે એવો છો.
આત્મામાં સ્વભાવ દ્રષ્ટિ અને લીનતા થતાં ઈન્દ્રિયો તરફનો રાગરૂપ ફેલાવ અટકી જાય છે. આ વાત
અજાણ્યાને કઠણ પડે છે. બી. એ. ની જેમ ઊંચી ભૂમિકાની વાત નથી પણ ધર્મનું પ્રથમ પગથિયું જે
સમ્યગ્દર્શન છે તેની વાત છે, સમ્યગ્દર્શન થતાં પુણ્ય–પાપનો પ્રેમ ઉડી જાય છે. અતીન્દ્રિય આત્મા ઉપર દ્રષ્ટિ
પડે છે અને તેનો ફેલાવ થાય છે. અલ્પ રાગાદિ હોવા છતાં તેનો ફેલાવ નથી.
ખાતા–પીતા દેખાતા હોવા છતાં સ્વરૂપમાં સતત જોડાણ કરે છે તે જૈનયોગી છે. પુણ્ય–પાપની ઉપેક્ષા
અને સ્વભાવની સન્મુખતા અને સાવધાની જેણે કરી તેને ઈન્દ્રિયોનો ફેલાવ રોકાઈ જાય છે.
સ્વદ્રવ્યમાં જોડાય તે તીક્ષ્ણ બુદ્ધિવાન છે, પુણ્ય–પાપમાં પ્રેમવાળાને સ્થૂળ લક્ષ્યવાળા કહ્યા છે જે બુદ્ધિ
આત્માને હણે તેને તીક્ષ્ણ કહેતા નથી. પરથી ભેદજ્ઞાન કરી આત્મામાં ઠરે તેને તીક્ષ્ણ એટલે સૂક્ષ્મ બુદ્ધિવાન
કહીએ.
આત્મા ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે, વાસ્તુ શેમાં થાય. મકાન હોય તેમાં થાય. તેમ અનંતજ્ઞાન–આનંદ આદિ
શક્તિરૂપ ગુણો જેમાં વસેલા છે એવો આત્મા ધ્રુવ વસ્તુ છે. અપરિમિતજ્ઞાન, અનંતદર્શન, અનહદસુખ,
અદ્ભુતવીર્ય અને અપાર સુખ–શાંતિથી ભરેલો એવો આ આત્મા છે. આવા સ્વદ્રવ્યને પકડવામાં કામ કરે તે
બુદ્ધિતીક્ષ્ણ છે. ધર્મીજીવને તીર્થયાત્રા, દેવશાસ્ત્રગુરુનો વિનય–ભક્તિ, દાનાદિના શુભભાવ આવે પણ તેને તે
ધર્મ કે ધર્મનું કારણ માનતો નથી–જે ભાવ જેમ છે તેમ તેને જાણવા તેમાં આત્માના જ્ઞાનની મર્યાદા છે. ઝીણા
મોતીને પકડવામાં સાણસો કામ ન આવે પણ સોનીની સમાણી કામ આવે, તેમ અતીન્દ્રિય આનંદમય
આત્માને પકડવામાં ઘણી ધીરજ સહિત તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ.