Atmadharma magazine - Ank 214
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
શ્રાવણ : ૨૪૮૭ : :
વગેરે થઈને સંસારમાં રખડે છે.
મુનિનો ભેષ ધારણ કરીને પણ જે જીવ ચૈતન્યની દરકાર કરતો નથી, ધર્મભાવના જાણતો નથી, ને
મકાન બાંધીને રહે, મઠ સ્થાપે, એવાને પાર્શ્વસ્થ કહેવાય છે, તે કુસાધુ છે. વળી જે જીવ સાધુ નામ ધરાવીને
તીવ્ર કષાયને આધીન થઈને વ્રતાદિથી ભ્રષ્ટ થાય, સંઘમાં બીજા મુનિઓનો તથા ધર્માત્માનો અનાદર કરે તે
કુશીલ છે. સાધુ નામ ધરાવીને જે જ્યોતિષ–વૈદિક મંત્રવિદ્યા વગેરે સાધનથી આજીવિકા કરે, રાજાનો સેવક
થઈને રાજખટપટમાં ઉતરે–એને સંસક્ત કહે છે. જિનસૂત્રથી વિરુદ્ધ વર્તન કરે, ચારિત્રથી ભ્રષ્ટ વર્તે એવા
આળસુ ભ્રષ્ટ સાધુને અવસન્ન કહે છે; અને ગુરુની આજ્ઞા બહાર, મિથ્યા સ્વચ્છંદપૂર્વક એકલો વર્તે, જિનઆજ્ઞા
લોપે–એવા ભેષધારી સાધુ તે મૃગાચારી છે–આવા પંચવિધ કુસાધુઓ સમ્યગ્દર્શનાદિરૂપ જિનભાવનાથી ભ્રષ્ટ
થઈને અશુભભાવનાઓ ભાવે છે, તેઓ દુઃખને જ પામે છે. સાધુ વેષ ધાર્યો તેથી કાંઈ જિનભાવના વગર
સુખી થઈ જાય–એમ બનતું નથી. સમ્યગ્દર્શન વગર અનંતવાર એવા ભેષ ધાર્યા, પણ ભવનો અંત ન આવ્યો.
સમ્યગ્દર્શનાદિની આરાધના વગર દેવ થયો ત્યારે પણ મહાઋદ્ધિવાળા દેવોને દેખીને મનમાં મહાદુઃખ
પામ્યો. ચૈતન્યઋદ્ધિનું માહાત્મ્ય જાણ્્યું નહિ ને સ્વર્ગાદિના વૈભવના મહાત્મ્યમાં મૂર્છાઈને બહુ માનસદુઃખ
પામ્યો. આ તો બહારના વ્યક્ત દુઃખોનું વર્ણન છે, આકુળતા હોય ત્યારે પણ અંતરમાં આકુળતાથી એકલા
વિકારને જ વેદતો થકો અજ્ઞાની જીવ પણ દુઃખી જ છે. સુખસાગર આત્મા તરફ જ્યાં વલણ નથી ત્યાં દુઃખ
જ છે,–ભલે અનુકૂળ સંયોગ હો કે પ્રતિકૂળ હો.
વળી મુનિ થઈને તપશ્ચરણાદિ કરવા છતાં ચાર પ્રકારની વિકથામાં તત્પર એવો જીવ ધર્મભાવના
ભૂલીને વિકથાથી હલકો કુદેવ થાય છે. વિકથા તો પાપ છે. પણ વ્રત–તપના કાંઈક શુભભાવ ભેગા હતા તેથી
કુદેવ થયો. ચૈતન્યની વીતરાગી કથાનો તો રસ નથી ને સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા કે ભોજનકથા તેમાં
રસથી વર્તે છે,–તે ભલે મુનિ થઈને વ્રતાદિ પાળે–તોપણ હલકો દેવ થઈને દુઃખને જ પામે છે. અરે જીવ!
ચૈતન્યની મહત્તાને ભૂલીને તું આહારાદિની તૂચ્છ કથામાં ક્્યાં પડ્યો?
વળી મુનિ થઈને પણ ચૈતન્યને ભૂલીને, દેહબુદ્ધિથી જાતિમદ, કુળમદ, રૂપમદ, જાણપણાનો મદ,–એમ
અનેક પ્રકારના અભિમાનમાં પ્રવર્તે ને એવા મદસહિત તપશ્ચરણાદિ કરે તો હલકા દેવમાં જન્મે ને ત્યાં પણ
ઈર્ષાથી હાલકડોલક થઈને આકુળવ્યાકુળપણે દુઃખી જ થાય.
ધર્માત્મા સ્ત્રીવેદ છેદીને મોટો દેવ કે ઈન્દ્ર થાય, ને અજ્ઞાની મોટો ત્યાગી થઈને પણ હલકો દેવ થાય–ત્યાં
ઈર્ષાથી બળે. દેવમાંથી વળી આયુષ્ય પૂરું થતાં માતાના ગર્ભમાં ઘણા કાળ સુધી રહીને મહાદુઃખ પામ્યો. આવા
દુઃખો અજ્ઞાનથી પામ્યો. તે દુઃખોથી છૂટવા માટે હે જીવ! તું સમ્યગ્દર્શનાદિ ભાવોને ઓળખીને તેની ભાવના
કર...
શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ એવો જે તારો આત્મા તેની સન્મુખ થઈને જિનભાવના ભાવ. નિજભાવના તે જ
જિનભાવના છે, કેમકે “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ” જેવું શુદ્ધજિનપદ છે તેવું જ શુદ્ધ
નિજપદ છે, તેની ભાવનાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ પ્રગટે છે, ને તેનાથી જ ભવભવનાં દુઃખોનો
અંત આવીને પરમસુખની પ્રાપ્તિ થાય છે. માટે ફરીફરીને આચાર્યભગવાન ઉપદેશ આપે છે કે હે જીવ! તું
જિનભાવના ભાવ! સ્વસન્મુખ થઈને શુદ્ધાત્માની ભાવના ભાવ.
અરે જીવ! સંસારમાં નવા નવા જન્મ ધારણ કરી કરીને, નવી નવી માતાના દૂધ તેં એટલા પીધા કે
સમુદ્રના પાણીથી પણ તે અધિક થાય. ભૂંડના અવતારમાં ભૂંડણીના દૂધ પીધાં, સિંહના અવતારમાં સિંહણના
દૂધ પીધાં, હાથીના અવતારમાં હાથણીનાં દૂધ પીધાં, ગધેડાના અવતારમાં ગધેડીના દૂધ પીધાં–અને મનુષ્યના
અવતારમાં મનુષ્યની માતાના દૂધ પીધાં–એમ અનંત અવતારમાં અનંત દરિયા ભરાય એટલા દૂધ પીધાં.
એક માત્ર જિનભાવના વિના જીવે આવા અવતાર કર્યા.
જન્મીને જનેતાના દૂધ પીધાં ને મરીને માતાને રોવડાવી; મરીમરીને એટલી માતાને રોવડાવી કે જેના