Atmadharma magazine - Ank 215
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
ભાદરવો : ૨૪૮૭ : ૧૧ :
કેવળજ્ઞાન થાય–એમ નથી, ‘શુદ્ધોપયોગ’ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી.–આમ ભગવાન
અર્હંતદેવના શાસનનો સાર છે.
આચાર્યદેવ કહે છે કે અરે, વચનના વિસ્તારથી હવે બસ થાઓ. આત્માની પવિત્રતાનાં જેટલાં ઉત્તમ
સ્થાનો છે તે બધાયની પ્રાપ્તિ જેનાથી થાય છે એવા શુદ્ધોપયોગને અભેદભાવે નમસ્કાર હો.–આત્મા પોતે જ
સ્વયં શુદ્ધોપયોગરૂપે પરિણમ્યો ત્યાં પોતે નમસ્કાર કરનાર ને બીજો નમસ્કાર કરવા યોગ્ય–એવો સ્વ–પરનો
વિભાવ ન રહ્યો, શુદ્ધોપયોગરૂપે પરિણમીને પોતે જ પોતામાં અભેદપણે નમ્યો,–તે નમસ્કારમાં સ્વ–પરનો
વિભાવ અસ્ત થઈ ગયો છે, ભાવ્ય–ભાવક બંને અભેદ થયા છે,–આ રીતે નમસ્કાર હો! એટલે કે સાક્ષાત્
શુદ્ધોપયોગરૂપ પરિણમન હો.
અહા, મોક્ષાર્થીના સર્વ મનોરથનું સ્થાન હોય તો આ એક શુદ્ધોપયોગ જ છે; તેને એક શુદ્ધોપયોગનો
જ મનોરથ છે, વિકલ્પ ઊઠે તેનો મનોરથ નથી. શુદ્ધોપયોગી સંત મુનિઓને જ ખરેખરું સાક્ષાત્ શ્રામણ્ય છે,
શુભોપયોગી મુનિઓને તો તેમની પાછળ–પાછળ (ગૌણપણે) લેવામાં આવ્યા છે. શુભોપયોગી મુનિ કહ્યા તે
પણ છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી સંત શુદ્ધપરિણતિવાળા છે, અજ્ઞાનીને શુભોપયોગ હોય તેની વાત નથી.
છઠ્ઠા ગુણસ્થાને શુભોપયોગી મુનિને જેટલી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની શુદ્ધ પરિણતિ વર્તે છે તેટલો જ
મોક્ષમાર્ગ છે, જે શુભરાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી. જે જીવ આવી શ્રદ્ધા ન કરે ને રાગને મોક્ષમાર્ગ માને
તેને તો હજી સમ્યગ્દર્શનની પણ શુદ્ધિ નથી, માર્ગની તેને ખબર જ નથી, તો માર્ગમાં આવે ક્્યાંથી?
જુઓ, આ પરમ સત્ય માર્ગ! ભગવાન સીમંધર પરમાત્મા પૂર્વ દિશામાં વિદેહક્ષેત્રે અત્યારે બિરાજી રહ્યા
છે, ત્યાં જઈને કુંદકુંદાચાર્યદેવ આઠ દિવસ દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા, ને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્ય
માર્ગની રચના કરી. અહા, કેવો સત્ય માર્ગ! કેવો ચોકખો માર્ગ! કેવો પ્રસિદ્ધ માર્ગ!! લોકોમાં અત્યારે માર્ગની
ઘણી ગરબડ ચાલી રહી છે.–શું થાય?–એવો જ કાળ!–પણ સત્યમાર્ગ તો જે છે તે જ રહેવાનો છે.
અરે જીવ! તું આવો માર્ગ ઓળખીને તેનો મનોરથ તો કર! સંસારના મનોરથ અનંતકાળ કર્યાં. હવે
આ મોક્ષમાર્ગને ઓળખીને તેનો સમ્યક્ મનોરથ કર. શુદ્ધોપયોગી સંત મુનિવરો સકળ મહિમાનું સ્થાન છે;
સર્વ મનોરથના સ્થાન તરીકે તેઓ અભિનંદનીય છે. મુમુક્ષુના સર્વ મનોરથની સિદ્ધિ શુદ્ધોપયોગ વડે થાય છે.
તેથી તેને અભિનંદતા થકા અતિ આસન્નભવ્ય મહામુમુક્ષુ આચાર્યદેવ કહે છે કે હું આવા શુદ્ધોપયોગને
અભેદપણે ભાવીને નમસ્કાર કરું છું, એટલે કે હું તે–રૂપે પરિણમું છું. જેવું ‘વાચક’ પરિણમે છે તેવું જ અંદર
‘વાચ્ય’ પણ પરિણમી જ રહ્યું છે; આ રીતે સંધિબદ્ધ અલૌકિક રચના છે, વાચક–વાચ્યની સંધિ તૂટતી નથી.
જુઓ તો ખરા, મોક્ષમાર્ગને કેવો સ્પષ્ટ ખુલ્લો કરીને પ્રસિદ્ધ કર્યો છે–
* શુદ્ધોપયોગ જ મોક્ષનું સાધન છે, બીજું સાધન નથી;
* શુદ્ધોપયોગ જ અભિનંદનીય છે, બીજું અભિનંદનીય નથી;
* શુદ્ધોપયોગ જ મોક્ષાર્થીનો મનોરથ છે, બીજો મનોરથ નથી;
* મોક્ષના સાક્ષાત્ સાધનરૂપ શ્રામણ્ય શુદ્ધોપયોગી ને જ હોય છે, બીજાને નહિ;
* કેવળજ્ઞાન અને કેવળદર્શન શુદ્ધોપયોગીને જ થાય છે, બીજાને નહિ;
* પરમ જ્ઞાનાનંદરૂપ નિર્વાણપદ–સિદ્ધપદ તે શુદ્ધોપયોગીને જ થાય છે, બીજાને નહિ.
વધારે શું કહીએ! આટલાથી બસ થાઓ. સર્વ મનોરથના સ્થાનરૂપ એવા આ શુદ્ધોપયોગને તદ્રૂપે
પરિણમીને અભેદભાવે નમસ્કાર હો.
આ રીતે, શુદ્ધોપયોગ જ મોક્ષસાધન છે–એમ કહીને ચોથારત્નમાં તેને સર્વ મનોરથના સ્થાન તરીકે
અભિનંદન કર્યા...નમસ્કાર કર્યા.