Atmadharma magazine - Ank 215
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
ભાદરવો : ૨૪૮૭ : ૧પ :
વેદ્યા, પણ આ ચૈતન્યના આનંદનું વેદન તેં કદી ન કર્યું. આવા ઊંધા ભાવે તેં નિગોદના ને નરકના અવતાર
અનંતવાર કર્યાં છે. રાગની વાતમાં (વ્યવહારની વાતમાં) હોંસ આવે ને ચૈતન્યના વીતરાગીસ્વભાવની
વાતમાં હોંસ ન આવે તો તે જીવનો ભાવ નરક અને નિગોદની જાતનો જ છે, એટલે કે તે સંસારચક્રની
મધ્યમાં જ રહેલો છે.
જુઓ, આમાં ઉપાદાન–નિમિત્તની વાત પણ આવી ગઈ. નિમિત્તરૂપે એકત્વભાવના શબ્દો તો કાને
પડ્યા, પણ ઉપાદાનમાં તેવો ભાવ પ્રગટ ન કર્યો તો તે શ્રવણને શુદ્ધતાનું નિમિત્ત પણ ન કહેવાયું, ને તેણે
એકત્વસ્વભાવની વાત સાંભળી જ નથી એમ કહ્યું. અને નિગોદના અનંતા જીવોએ શબ્દો સાંભળ્‌યા ન હોવા
છતાં, વેદનમાં કામ–ભોગ–બંધનનો ભાવ સેવી રહ્યા છે તેથી તેણે બંધકથા અનંતવાર સાંભળી છે એમ કહી
દીધું. આ રીતે ઉપાદાનમાં જેનો ભાવ છે તેવું જ શ્રવણ કહ્યું.
અરે જીવ! રાગ અને આત્માની એકતાને તોડીને તેં કદી આત્માનું શ્રવણ–લક્ષ કે વેદન કર્યું નથી,
રાગમાં એકતા કરી કરી ને મોહરૂપી ભૂતને આધીન થઈને તું સંસારમાં બળદની જેમ ભાર વહી રહ્યો છે,
આકળો બનીબનીને મૃગજળ જેવા વિષયોમાં ઝંપલાવે છે...અને ઊંધી રુચિને પોષનારા જીવો સાથે પરસ્પર
આચાર્યપણું કરીને આત્માનું અહિત કરનારા એવા કામ–ભોગ–બંધનના ભાવનું જ તું સેવન કરી રહ્યો છે
તેથી તે સુલભ છે...છે તો દુઃખદાયી પણ અનંતકાળથી સેવી રહ્યો છે તેથી સુલભ છે; ને ચૈતન્યના સ્વભાવને
કદી સેવ્યો નથી તેથી તે દુર્લભ છે. ચૈતન્યને ભૂલીને મિથ્યાત્વરૂપી ભૂતને તાબે થઈને આકુળવ્યાકુળપણે
વિષયોમાં જ દોડે છે. તૃષ્ણારૂપી મોટા રોગથી અંતરમાં મહાપીડા થઈ છે, ચૈતન્યની બહાર શુભ–અશુભ
વિષયોમાં જ ઉપયોગને ભમાવે છે, ચૈતન્યધ્યેયને ભૂલ્યો છે, ને બાહ્યવિષયો તો મૃગજળ જેવા છે. જેમ
મૃગલો મૃગજળ પાછળ ઘણો દોડે તોપણ પાણી મળે નહીં ને તરસ છીપે નહિ...તેમ ચૈતન્યથી બાહ્ય કોઈ પણ
વિષયોમાં ઉપયોગને ગમે તેટલો ભમાવે પણ તે બાહ્યવિષયો મૃગજળ જેવા છે તેમાંથી સુખ મળે નહિ ને
જીવની તૃષ્ણા મટે નહીં. અરે! મુનિ કે આચાર્ય નામ ધરાવીને પણ અનંતવાર વિષયોમાં જ મૂર્છાઈને પડ્યો
છે, શુભરાગમાં ધર્મ માનીને જે અટક્યો તે પણ વિષયોમાં જ મૂર્છાણો છે. પરમાં કર્તાંપણાની ને વિકારના
ભોક્તાપણાની વાત પોતાને તો રુચિ છે એટલે પોતે હોંસથી બીજાને સંભળાવે છે અને બીજા પાસેથી તેવી
વાત હોંસથી સાંભળે છે,–એ રીતે પરસ્પર આચાર્યપણું કરે છે.–અંતરમાં શુદ્ધ આત્માને સ્વવિષય કરવાની
વાત પોતાને રુચિ નથી, તેવું કહેનારાનો સંગ પણ રુચ્યો નથી; આવી ઊંધી રુચિને કારણે જીવને
એકત્વસ્વભાવની વાત દુર્લભ થઈ ગઈ છે, ને કામભોગબંધનની વાત સુલભ થઈ ગઈ છે. પણ એનું ફળ તો
સંસાર છે, એમાં આત્માનું અહિત છે.
આત્માનો જે એકત્વસ્વભાવ તે નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશ વડે સ્પષ્ટ જણાય છે, જ્ઞાનને અંતર્મુખ
વાળતાં તેના પ્રકાશથી–સ્વસંવેદનથી–આત્મા સ્પષ્ટ જણાય છે; આત્માનું એકપણું અંતરંગમાં સદાય
પ્રકાશમાન છે પણ મિથ્યાદ્રષ્ટિ તેને કષાયો સાથે એકમેક માનીને ઢાંકી રહ્યો છે,–જેવો દ્રવ્યસ્વભાવ છે તેવો
પર્યાયમાં વ્યક્ત નથી કરતો એટલે તે તિરોભાવરૂપ છે; પોતે અજ્ઞાની–અનાત્મજ્ઞ હોવાથી શુદ્ધ એકત્વ
આત્માને જાણતો નથી, અને બીજા આત્મજ્ઞ જ્ઞાની ધર્માત્માની સેવા–સંગતિ કરી નથી, તેથી જીવને તે
એકત્વસ્વભાવ કદી શ્રવણમાં–પરિચયમાં કે અનુભવમાં આવ્યો નથી. ધર્માત્માની સેવા એટલે શું? કે ધર્માત્મા
જ્ઞાનીએ કહેલો ભાવ સમજીને પોતામાં પ્રગટ કરે તો જ્ઞાનીની સેવા કરી કહેવાય.
ધર્માત્મા જેવો રાગથી પૃથક્ સ્વભાવ બતાવે છે તેવો પોતે જાણે તો ધર્માત્માની ખરી સેવા અને પરિચય
કર્યો કહેવાય. રાગથી જુદો પડીને ધર્માત્માના ભાવ સાથે પોતાના ભાવનું એકત્વ કદી પ્રગટ કર્યું નથી.
જ્ઞાનીને રાગથી પૃથક્ અપૂર્વ ચૈતન્યભાવ બતાવવો છે, એવો અપૂર્વ ભાવ ખ્યાલમાં લ્યે–તો તેણે
જ્ઞાનીનો આશય પોતામાં ઝીલ્યો ને જ્ઞાનીની સંગતિ–સેવા કરી. આવી સંગતિ–સેવાથી આત્માનો અનુભવ
થાય છે. જ્ઞાનીના આશયથી વિપરીત માને તો તેણે ખરેખર જ્ઞાનીની સેવા કરી નથી.