આપે અચિંત્યચૈતન્યનિધાન ખૂલ્લાં મુકી દીધાં. અહા, આ ચૈતન્યનિધાન પાસે ચક્રવર્તીના નિધાનને પણ
તૂચ્છ જાણીને કોણ ન છોડે? રાગને અને રાગનાં ફળોને તૂચ્છ જાણીને ધર્મી જીવો અંતર્મુખપણે
ચૈતન્યનિધાનને સાધે છે. સમ્યગ્દર્શનાદિ સમસ્ત નિર્મળ ભાવની આદિમાં ચૈતન્યનું જ અવલંબન છે, મધ્યમાં
પણ ચૈતન્યનું જ અવલંબન છે ને અંતમાં પણ ચૈતન્યનું જ અવલંબન છે પરંતુ એમ નથી કે સમ્યગ્દર્શનની
શરૂઆતમાં રાગનું અવલંબન હોય! સમ્યગ્દર્શન થયા પછી મધ્યમાં પણ રાગનું અવલંબન નથી, ને પૂર્ણતા
માટે પણ રાગનું અવલંબન નથી. આદિ–મધ્ય–કે અંતમાં ક્યાંય નિર્મળ પરિણામને રાગાદિ સાથે કાંઈ લાગતું
વળગતું નથી, તેનાથી ભિન્નતા જ છે. આ રીતે નિર્મળ પરિણામરૂપે પરિણમતા જ્ઞાનીને વિકાર સાથે જરાપણ
કર્તાકર્મપણું નથી.
જ્ઞાન અને રાગ, તેમાં જ્ઞાન તો અંતરસ્થિત છે ને રાગ તો બાહ્યસ્થિત છે; જ્ઞાની અંતરસ્થિત એવા પોતાના
નિર્મળપરિણામના કર્તાપણે જ પરિણમે છે, ને બાહ્યસ્થિત એવા રાગાદિના કર્તાપણે નહિ પણ જ્ઞાતાપણે જ
પરિણમે છે. જ્ઞાનપરિણામ તો અંતર્મુખ સ્વભાવના આશ્રયે થયા છે ને રાગપરિણામ તો બહિર્મુખવલણથી–
પુદ્ગલના આશ્રયે થયા છે. આત્માના આશ્રયે થયા તેને જ આત્માના પરિણામ કહ્યા, ને પુદ્ગલના આશ્રયે
થયા તેને પુદ્ગલના જ પરિણામ કહી દીધા. રાગની ઉત્પત્તિ આત્માના આશ્રયે થાય નહિ, માટે રાગ તે
આત્માનું કાર્ય નથી. આવા આત્માને જાણતો થકો જ્ઞાની પોતાના નિર્મળપરિણામને જ કરે છે.–એના
પરિણામનો પ્રવાહ ચૈતન્યસ્વભાવ તરફ વહે છે, રાગ તરફ તેનો પ્રવાહ વહેતો નથી. નિર્મળપરિણામરૂપે
પરિણમેલો આત્મા રાગમાં તન્મયરૂપ પરિણમતો નથી. જેમ ઘડામાં સર્વત્ર માટી તન્મય છે, તેમ કાંઈ રાગમાં
જ્ઞાનીના પરિણામ તન્મય નથી. જ્ઞાનીના પરિણમનમાં તો અધ્યાત્મરસની રેલમછેલ છે. ચૈતન્યના સ્વચ્છ
મહેલમાં રાગરૂપ મેલ કેમ આવે? જ્ઞાની રાગથી જુદો ને જુદો રહીને, પોતાની નિર્મળપર્યાયને તન્મયપણે
જાણે છે. દ્રવ્ય–ગુણ અને તેના આશ્રયે ઉત્પન્ન થતી નિર્મળપર્યાય એ બધાને એકાકારપણે જ્ઞાની જાણે છે, ને
રાગને પોતાથી ભિન્નપણે જાણે છે. ભેદજ્ઞાનવડે ઝાટકી ઝાટકીને રાગને ચૈતન્યથી અત્યંત ભિન્ન કરી નાંખ્યો
છે.–કેવો ભિન્ન? કે જેવા પરદ્રવ્યો ભિન્ન છે તેવો જ રાગ પણ ચૈતન્યથી ભિન્ન છે.–આવા ભેદજ્ઞાન વગર
સાધકપણું થાય જ નહિ. ચૈતન્યને અને રાગને સ્પષ્ટ ભિન્ન જાણ્યા વગર કોને સાધવું ને કોને છોડવું–તેનો જ
નિર્ણય ક્યાંથી કરશે? અને તેના નિર્ણય વગર સાધકપણાનો પુરુષાર્થ ઉપડશે ક્યાંથી? ભેદજ્ઞાન વડે દ્રઢ
નિર્ણયના જોર વગર સાધકપણાનો ચૈતન્ય તરફનો પુરુષાર્થ ઊપડે જ નહિ.
પોતાના નિર્મળપરિણામને તેમજ રાગાદિને પણ જાણે છે. પરંતુ જ્યારે રાગને જાણવા તરફ ઉપયોગ હોય
ત્યારે તે રાગના કર્તા થતા હશે!–એમ શંકા ન કરવી. રાગને જાણવા છતાં તેના તે કર્તા નથી, કેમકે રાગ સાથે
ઉપયોગને એકમેક કરતા નથી, ને રાગને ઉપયોગમાં પ્રવેશવા દેતા નથી.