Atmadharma magazine - Ank 217
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 27
single page version

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૪૮૮
– પરમ શાંતિ દાતારી–
*અધ્યાત્મભાવના *
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપે્રરક પ્રવચનોનો સાર
(વીર સં. ૨૪૮૨ અષાડ શુદ ૧૩ શુક્રવારથી ચાલુ)
* * *

જ્ઞાની અંતરાત્મા નિરંતર પોતાના આત્માને દેહથી ભિન્ન જ દેખે છે–એમ કહ્યું. ત્યાં હવે કોઈ પ્રશ્ન
પૂછે છે કે: જો અંતરાત્મા સ્વયં પોતાના આત્માને આવો અનુભવે છે તો મૂઢ આત્માઓને તેનું પ્રતિપાદન
કરીને કેમ સમજાવી દેતા નથી–કે જેથી તે અજ્ઞાનીઓ પણ તેને જાણે!–જો પોતે સમજ્યાં તો બીજાને પણ કેમ
સમજાવી દેતા નથી?–તેના ઉત્તરમાં આચાર્યદેવ પૂજ્યપાદ સ્વામી કહે છે કે–
अज्ञापितं न जानति यथा मां ज्ञापितं तथा।
मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापना श्रमः।। ५८।।
જેણે દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ જાણ્યું છે એવા અનુભવી ધર્માત્મા વિચારે છે કે: અહો, આ
અચિંત્ય આત્મતત્ત્વ જગતને દુર્લભ છે, વચન અને વિકલ્પથી તે પાર છે. આવા સ્વાનુભવગમ્ય
ચૈતન્યતત્ત્વને મૂઢ જીવો જેમ મારા જણાવ્યા વગર નથી જાણતા, તેમ મારા જણાવવાથી પણ તેઓ નથી
જાણતા; માટે બીજાને સમજાવવાનો મારો શ્રમ (–વિકલ્પ) વ્યર્થ છે.
તીર્થંકરો તો સમવસરણમાં ધમધોકાર ઉપદેશ આપીને સમજાવતા હતા, છતાં બધા જીવો ન સમજ્યા.
જેમની લાયકાત હતી તેઓ જ સમજ્યા, ને બીજા જીવો ન સમજ્યા. તીર્થંકરના ઉપદેશથી પણ તે જીવો ન
સમજ્યા તો મારાથી શું સમજશે? મારા પ્રતિપાદન કરવાથી પણ તે મૂઢાત્માઓ આત્મસ્વરૂપને જાણતા નથી;
માટે બીજાને સમજાવવાનો મારો શ્રમ વૃથા છે. સામાની લાયકાત વગર કોઈની તાકાત નથી કે તેને સમજાવી
શકે! ધર્મીને ઉપદેશાદિનો વિકલ્પ ઊઠે પણ તે વિકલ્પનેય તે વૃથા જાણે છે, મારા વિકલ્પ વડે બીજો સમજી
જશે–એમ માનતા નથી. એટલે વિકલ્પ ઉપર જોર નથી; તે વિકલ્પનેય તોડીને ચિદાનંદ સ્વરૂપમાં જ ઠરવા
માંગે છે.
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપમાં રહેવું તે જ સમાધિ છે; બીજાને સમજાવવાનો જે વિકલ્પ ઊઠે તે રાગ છે,

PDF/HTML Page 22 of 27
single page version

background image
કારતક: ૨૪૮૮ : ૨૧ :
તે રાગ વડે પણ બંધન થાય છે, એટલે જ્ઞાનીને તે રાગમાં જોર આવતું નથી. બીજા જીવો કોઈ મારાથી સમજી
જાય તેમ નથી; અજ્ઞાની જીવો સ્વયં આત્માને નથી જાણતા, ને મારા કહેવાથી પણ તે નથી જાણતા; તે પોતે
અજ્ઞાન ટાળશે ને જ્ઞાન કરશે ત્યારે આત્માને જાણશે.–આવો અભિપ્રાય તો જ્ઞાનીને પહેલેથી જ છે, ને તે
ઉપરાંત ઉપદેશાદિની શુભવૃત્તિને પણ અસમાધિરૂપ જાણીને છોડવા માંગે છે ને ચિદાનંદસ્વરૂપમાં જ ઠરવા
માંગે છે.
જ્ઞાનીને પોતાના સ્વાનુભવથી આત્મજ્ઞાન થયું છે તેમાં તે નિઃશંક છે; જગત માને તો જ પોતાનું
સાચું ને જગત ન માને તો પોતાનું ખોટું,–એમ નથી. જગતના અજ્ઞાનીઓ તો ન સમજે–તેથી મને શું?
હું બીજાને સમજાવી દઉં તો જ મારું જ્ઞાન સાચું, બીજા મને સ્વીકારે તો જ મારું જ્ઞાન સાચું–એમ જ્ઞાનીને
શંકા કે પરાશ્રયબુદ્ધિ નથી, અંતરમાંથી આત્માની સાક્ષી આવી ગઈ છે. વળી જ્ઞાનીએ જાણ્યું છે કે
અહો! આ ચૈતન્યતત્ત્વ તો સ્વસંવેદનગમ્ય જ છે, કોઈ વાણી કે વિકલ્પ વડે તે જણાય તેવું નથી; તેથી
બીજા અજ્ઞાની જીવો પોતે જ્યારે અંતર્મુખ થઈને સમજશે ત્યારે જ તેમને આત્મસ્વરૂપ સમજાશે. જ્ઞાની
ઉપદેશ આપે ત્યાં અજ્ઞાનીને એમ થાય કે ‘આ જ્ઞાની બોલે છે, જ્ઞાની રાગ કરે છે.’–એમ વાણીથી ને
રાગથી જ જ્ઞાનીને ઓળખે છે, પણ જ્ઞાનીનું સ્વરૂપ તો રાગથી ને ભાષાથી પાર એકલું જ્ઞાનઆનંદમય
છે, એને તે ઓળખતો નથી.
બીજા સ્વીકારે તો મારું સાચું એવી શંકા જ્ઞાનીને નથી. તેમજ હું બીજાને સમજાવી દઉં એવી બુદ્ધિ
જ્ઞાનીને નથી, એટલે તે તો જાણે છે કે બીજાને સમજાવવાનો મારો વિકલ્પ વૃથા છે. પોતે ભાષાનું અવલંબન
તોડીને ચૈતન્યસન્મુખ થયા ત્યારે આત્માને સમજ્યા, અને બીજા જીવો પણ ભાષાનું અવલંબન છોડીને
અંતર્મુખ થશે ત્યારે જ સમજશે,–મારાથી નહિ સમજે, એમ જાણતા હોવાથી જ્ઞાનીને બીજાને સમજાવવાનો
વેગ આવતો નથી. અજ્ઞાની જીવોને તો સભામાં ઉપદેશાદિનો પ્રસંગ આવે ને ઘણા જીવો સાંભળે ત્યાં ઉત્સાહ
આવી જાય છે કે ઘણા જીવોને મેં સમજાવ્યું; પણ તેને એવું ભાન નથી કે અરે! આ વિકલ્પ અને વાણી
બંનેથી હું પાર જ્ઞાયકસ્વરૂપ છું, અને બીજા જીવો પણ વાણી અને વિકલ્પથી પાર જ્ઞાયકસ્વરૂપ છે, વાણી અને
વિકલ્પ વડે તેઓ જ્ઞાયકસ્વરૂપને નહિ સમજી શકે. જુઓ, આ જ્ઞાનીનું ભેદજ્ઞાન! ઉપદેશ વડે હું બીજાને
સમજાવી શકું–એવું જ્ઞાની માનતા નથી; તેમને તો ચૈતન્યનું ચિંતન અને એકાગ્રતા જ પરમપ્રિય છે. અને
એવી અધ્યાત્મભાવના જ શાંતિદાતાર છે, એનું નામ સમાધિ છે.
સમક્તિી નાનું બાળક હોય તે પણ રાગથી ને દેહાદિથી પાર પોતાનું સ્વરૂપ જાણે છે, એટલે તે
દેહાદિની ક્રિયાથી ને રાગથી ઉદાસીન જ રહે છે. જે મૂઢ પ્રાણીઓમાં લાયકાત ન હતી તેઓ તો સાક્ષાત્
સર્વજ્ઞદેવના ઉપદેશથી પણ ન સમજ્યા. અહો, અંતરનું આ જ્ઞાનતત્ત્વ!! તે હું બીજાને કઈ રીતે બતાવું? તે
તો સ્વસંવેદનનો જ વિષય છે. આવા ભાનમાં જ્ઞાનીને બીજા જડબુદ્ધિ જીવોને સમજાવી દેવાની માથાકૂટ
ગમતી નથી. જડબુદ્ધિ–મૂઢપ્રાણીઓ સાથે વાદવિવાદના પરિશ્રમને તે વ્યર્થ સમજે છે, એટલે તે તો પોતે
પોતાનું આત્મહિત સાધવામાં જ તત્પર છે...આત્મહિતનું સાધન જ તેને મુખ્ય છે, ઉપદેશાદિની વૃત્તિ આવે
તેની મુખ્યતા નથી.
પ્રશ્ન:– જ્ઞાની પણ ઉપદેશ તો આપે છે?
ઉત્તર:– અરે ભાઈ? જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ સિવાય એક વિકલ્પના પણ કર્તા નથી, ને
ભાષાના કર્તા પણ નથી; જરાક વિકલ્પ આવે છે ને ઉપદેશ નીકળે છે–પણ તે વખતે જ્ઞાનીને તો પોતાના
ચૈતન્યતત્ત્વની જ ભાવના છે.–આવી જ્ઞાનીની અંતરભાવનાને

PDF/HTML Page 23 of 27
single page version

background image
: ૨૨ : આત્મધર્મ: ૨૪૮૮
તું ઓળખતો નથી, કેમકે વાણીથી ને રાગથી પાર એવા ચૈતન્યતત્ત્વની તને ખબર નથી. વિકલ્પ અને
વાણીના ચક્કરમાં જ્ઞાની કદી ચૈતન્યને ચૂકી જતા નથી.
।। પ૮ ।।
વળી વિકલ્પ ઊઠતાં જ્ઞાની–અંતરાત્મા એવો વિચાર કરે છે કે:–
यद् बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः।
ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये।। ५९।।
હું જેને સમજાવવા માગું છું તે વિકલ્પારૂઢ આત્મા કે શરીરાદિક હું નથી; વાણીમાં તો વિકલ્પથી
ને ભેદથી કથન આવે છે, તેનાથી કાંઈ આત્મા પકડાતો નથી, માટે વાણી અને વિકલ્પ વડે હું સમજાવું?
સામા જીવને પણ વાણી સામે જોયે તો વિકલ્પ થાય છે ને આત્મસ્વરૂપ તો અનુભવગમ્ય છે. જે
સ્વસંવેદનગમ્ય આત્મતત્ત્વ છે તે બીજા જીવોને વાણીથી કે વિકલ્પથી ગ્રાહ્ય થાય તેવું નથી, તો બીજા
જીવોને હું શું સમજાવું?
આ પ્રમાણે તત્ત્વજ્ઞાની અંતરાત્મા વિકલ્પની ને ભાષાની વ્યર્થતા સમજે છે કે અરે! જે આનંદનો
અનુભવ મને થયો તે હું બીજાને શબ્દો દ્વારા કઈ રીતે બતાવું? વિકલ્પ પણ આત્માના સ્વરૂપમાં નથી.
આત્માનું શુદ્ધ આનંદસ્વરૂપ વિકલ્પમાં કે શબ્દોમાં આવી શકતું નથી, તે તો સ્વસંવેદનમાં જ આવે છે. માટે
બીજા જીવોને ઉપદેશ દેવાથી મારે શું પ્રયોજન છે? આ રીતે ધર્માત્મા વિકલ્પ તરફનો ઉત્સાહ છોડીને
ચૈતન્યસ્વભાવની સાવધાનીનો ઉત્સાહ કરે છે, ને તેમાં એકાગ્રતા કરે છે.
જુઓ, આવા ભાનપૂર્વક જ્ઞાનીનો જે ઉપદેશ નીકળે તે જુદી જાતનો હોય છે, તે આત્માને
અંતર્મુખ થવાનું જ કહે છે, બહિર્મુખ વલણમાં આત્માને કિંચિત્ લાભ નથી...માટે વાણી અને વિકલ્પનું
અવલંબન છોડીને પરમ મહિમાપૂર્વક ચૈતન્યતત્ત્વનું જ અવલંબન કરો...એમ જ્ઞાની કહે છે.
જ્ઞાની થયા
પછી ઉપદેશાદિનો પ્રસંગ બને જ નહિ–એમ નથી. પણ તે ઉપદેશાદિમાં જ્ઞાનીને એવો અભિપ્રાય નથી કે
મારાથી બીજો સમજી જશે! અથવા તો આ વિકલ્પથી મારા ચૈતન્યને લાભ છે એમ પણ જ્ઞાની માનતા નથી.
જ્ઞાની જાણે છે કે બહિરાત્મા તો પરાશ્રયબુદ્ધિની મૂઢતાને લીધે અંતરમાં વળતા નથી તેથી મારા સમજાવવાથી
પણ તેઓ આત્મસ્વરૂપ સમજશે નહિ; જ્યારે તે પોતે પરાશ્રયબુદ્ધિ છોડીને, અંતર્મુખ થઈને સ્વસંવેદન કરશે
ત્યારે જ તે પ્રતિબોધ પામશે.
બહિર્બુદ્ધિવાળા અજ્ઞાની જીવને જરાક જાણપણુ થાય ત્યાં તો તેને એમ થઈ જાય છે કે હું બીજાને
સમજાવી દઉં. એમાંય વધારે માણસો સાંભળવા ભેગા થાય ત્યાં તો જાણે કેટલોય ધર્મ થઈ ગયો! એમ
તે માને છે, એટલે એકલી વાણી અને વિકલ્પ ઉપર તેનું જોર જાય છે, પણ વાણીથી ને વિકલ્પથી પાર
આત્મા ઉપર તેનું જોર જતું નથી. જગતના બીજા મૂઢજીવો પણ એની ભાષાની ઝપટથી જાણે કે એ કેવો
મોટો ધર્માત્મા છે–એમ માની લ્યે છે. પણ એ રીતે કાંઈ ધર્માત્માનું માપ નથી. કોઈ મહા ધર્માત્મા
આત્માના અનુભવી હોય છતાં વાણીનો જોગ ઘણો અલ્પ હોય. મૂક કેવળી થાય છે, તેમને કેવળજ્ઞાન
થવા છતાં વાણીનો જોગ નથી હોતો. વળી કોઈ ધર્માત્માને વાણીનો યોગ હોય ને ઉપદેશની વૃત્તિ પણ
ઊઠે; પરંતુ ઉપદેશની વૃત્તિ ઉપર તેનું જોર નથી; મારા ઉપદેશથી બીજો સમજી જશે–એવો અભિપ્રાય
નથી. અરે, અતીન્દ્રિય અને શબ્દાતીત એવું ચૈતન્યતત્ત્વ વાણી વડે કેમ બતાવાય? બોધ દેવાનો વિકલ્પ
ઊઠે તે કાંઈ હું નથી, મારું ચૈતન્યતત્ત્વ તે વિકલ્પથી પાર છે.–આવા ચૈતન્યની મહત્તા જેણે જાણી નથી
તેને જ એવી ભ્રમણા થાય છે કે વાણી વડે કે વિકલ્પ વડે, ચૈતન્યતત્ત્વ સમજાઈ જશે. પણ ભાઈ,
ચૈતન્યના અનુભવમાં વાણીનો પ્રવેશ નથી, વિકલ્પોનો પણ પ્રવેશ નથી. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–

PDF/HTML Page 24 of 27
single page version

background image
કારતક: ૨૪૮૮ : ૨૩ :
નહીં દે તું ઉપદેશકું પ્રથમ લેહી ઉપદેશ,
સબસેં ન્યારા અગમ હૈ વો જ્ઞાનીકા દેશ.
કેટલાક લોકોને શાસ્ત્ર ભણતી વખતે કે સાંભળતી વખતે જ અંદર ઊંડે ઊંડે એવો અભિપ્રાય હોય છે
કે આ વાત સમજીને–ધારણામાં લઈને બીજાને સમજાવું. અરે, સત્ સમજીને ચૈતન્યના અનુભવ તરફ
વળવાનો તેનો અભિપ્રાય નથી પણ બીજાને સમજાવવા તરફનો તેનો અભિપ્રાય છે એટલે શાસ્ત્ર ભણતાં કે
સાંભળતાં પણ તે પોતાની બહિર્મુખ વૃત્તિને જ પોષે છે. અહા, અહીં તો ધર્માત્માની કેવી ઊંચી ભાવના છે!
જગતથી ઉદાસ થઈને ચૈતન્યમાં જ સમાઈ જવા માંગે છે.–મારે ને જગતને શું? વળી ચૈતન્યતત્ત્વ પણ એવું
ઊંડું ઊંડું ગંભીર છે કે એમ વાણી વડે બીજાને સમજાવી દેવાય–એવું નથી. અને કદાચિત વાણીના નિમિત્તે
બીજા જીવો સમજે તો તે વાણી કાંઈ હું નથી, તેમજ સામો જીવ પણ તે વાણીનું અવલંબન રાખીને સમજ્યો
નથી પણ વાણીનું અવલંબન છોડીને ચૈતન્યની સન્મુખ થયો ત્યારે જ સમજ્યો છે. આ રીતે વાણી અને
વિકલ્પ તો વ્યર્થ છે, એમ જાણીને ધર્મીજીવ નિજસ્વરૂપમાં જ રહેવા માંગે છે. બીજાને સમજાવવાનો વિકલ્પ,
કે સામા જીવને સાંભળવાનો વિકલ્પ, તે વિકલ્પો ચૈતન્યસ્વરૂપથી બાહ્ય છે, વિકલ્પો વડે ચૈતન્યસ્વરૂપ ગ્રાહ્ય
થતું નથી; ચૈતન્યસ્વરૂપ તો સ્વસંવેદન ગ્રાહ્ય છે. ભગવાનની દિવ્યધ્વનિ પણ ત્યારે જ ધર્મનું નિમિત્ત થાય છે
કે જ્યારે જીવ અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે, આવું સ્વસંવેદ્ય તત્ત્વ તે હું બીજાને કઈ રીતે પ્રતિબોધું?
બાહ્યચેષ્ટામાં હું શા માટે રોકાઊં? વાણી અને વિકલ્પો તો ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશવા માટે વ્યર્થ છે એમ
જાણીને ધર્મીજીવ નિજસ્વરૂપની ભાવનામાં જ તત્પર રહે છે. આવી અધ્યાત્મભાવના તે પરમ શાંતિની દાતાર
છે.
આનંદની ઉષા
અરે જીવ! પરના અને વિભાવના
કર્તૃત્વમાં પરાધીન થઈને અજ્ઞાનરૂપી
અંધકારમાં તેં અનંતકાળ વીતાવ્યો; એક
દિવસ, અરે એક ક્ષણ પણ પરાધીનતા વગરની
ખરી? એક ક્ષણ તો પર સાથેનો સંબંધ તોડીને
અને સ્વભાવ સાથેનો સંબંધ જોડીને સ્વાધીન
થા. ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ થતાં તારા
જીવનમાં સ્વાધીનતાથી શોભતી અતીન્દ્રિય
આનંદની ઉષા ઊગશે.
(બેસતા વર્ષના પ્રવચનમાંથી)

PDF/HTML Page 25 of 27
single page version

background image
બાળકોનું પાનું
દીપાવલી ઊજવીએ
ધર્મપ્રેમી બાલબન્ધુઓ, દીવાળીનું પર્વ આવ્યું...ભારત ભરમાં આપણે
સૌ દીવાળી આનંદથી ઉજવીએ છીએ, એને એક ઘણો જ ઉત્તમ ઉત્સવ ગણીએ
છીએ. પરંતુ, તમને ખબર છે–એ દીવાળીપર્વ આપણે શા માટે ઉજવીએ
છીએ? જો આપણે તે જાણીએ તો જ દીવાળીપર્વ ખરી રીતે ઉજવી શકીએ.
દીવાળી એ કાંઈ ફટાકડા ફોડવાનું પર્વ નથી, એ તો મોક્ષની ભાવનાનું મહાન
પર્વ છે.
આજથી ૨૪૮૭ વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આપણા તીર્થંકર
ભગવાન શ્રી મહાવીર સ્વામી આ ભરત ભૂમિમાં વિચરતા હતા. દિવ્ય વાણી
વડે ઘણા ઘણા જીવોને ધર્મ પમાડીને છેવટે તેઓ પાવાપુરી નગરીમાં
પધાર્યા...ધનતેરશથી તેમની વાણી અટકી ગઈ... આસો વદ ૧૪ની પાછલ
રાતે તેઓ તેરમું ગુણસ્થાન છોડીને ૧૪મા ગુણસ્થાને પધાર્યા...પછી જરાક જ
વારમાં તેમનો આત્મા દેહ અને કર્મોથી મુક્ત થઈને મોક્ષ પામ્યો...ભગવાન
સિદ્ધ થઈને સિદ્ધાલયમાં બિરાજ્યા...મુક્તિ પામ્યાં.
તે વખતે ત્યાં ભારતદેશમાંથી ઘણા રાજાઓ આવ્યા હતા, ઈન્દ્રો વગેરે
દેવો પણ આવ્યા હતા; તે બધાએ મળીને ભગવાનની મુક્તિનો મહોત્સવ
ઉજવ્યો. ઉત્સવ તો ઘણા ઉજવાય છે–પણ આ તો મોક્ષનો મહોત્સવ! હજારો–
લાખો દીપકોની હારમાળા પ્રગટાવીને, અમાસના પરોઢીએ ઝગઝગતા પ્રકાશ
વચ્ચે એ ઉત્સવ ઊજવાયો તેથી તેનું નામ પડ્યું–“દીપાવલી મહોત્સવ!”
ભગવાન જ્યાંંથી મોક્ષ પામ્યા તે પાવાપુરી ધામમાં અત્યારે પણ
દરવર્ષે હજારો દીપકોની હારમાળા વચ્ચે એ દીપાવલી મહોત્સવ અદ્ભુત રીતે
ઊજવાય છે. એ દ્રશ્ય બહુ જોવા જેવું હોય છે.
ભગવાનની મુક્તિનો ખરો મહોત્સવ તો, ગુરુદેવે શીખડાવ્યું છે તે
રીતે, રત્નત્રયના દીવડાથી ઊજવાય છે. દીપાવલી પ્રસંગે આપણે રત્નત્રય
દીવડા પ્રગટાવવાની ભાવના કરવી જોઈએ. ગુરુદેવના આશીર્વાદથી આપણે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના દીવડા પ્રગટાવીને રત્નત્રય દીવડાવડે મોક્ષનો
મહોત્સવ ઊજવીએ...એનું નામ દીવાળી.

PDF/HTML Page 26 of 27
single page version

background image
‘અમે ગ્યા’તા ભગવાનના દેશમાં ગુરુદેવની સાથમાં
(દીપાવલી પર્વનું ઉદ્ભવસ્થાન : : : પાવાપુરી)
જેમ આરાધક સંતોની પરિણતિ મોક્ષને ભેટવા દોડે તેમ
યાત્રાસંઘની મોટરો વીરનાથના મોક્ષધામને ભેટવા દોડી રહી હતી.
થોડીવાર થઈ ત્યાં પાવાપુરી દેખાણી...સરોવરની વચ્ચે શોભતું
જળમંદિર પણ દેખાયું. અહા, આ તો આપણા ભગવાનનું
મુક્તિધામ!!...દૂરથી પણ મહાવીર ભગવાનની મુક્તિનગરી જોતાં
યાત્રિકોને આનંદ થયો–જેમ સાધકને સિદ્ધના દર્શનથી આનંદ થાય
તેમ. જેની મધ્યમાં નિર્વાણધામ છે એવા પદ્મસરોવર ને લગભગ
પ્રદક્ષિણા દેતા દેતા પાવાપુરીમાં પ્રવેશ્યા ત્યારે એમ થતું કે આપણા
ભગવાન આ સ્થળ ઉપર સિદ્ધભગવંતોના દેશમાં–મુક્તિપુરીમાં
બિરાજી રહ્યા છે.–આ એ જ મુક્તિપુરી છે, આપણે ભગવાનના
દેશમાં આવી ગયા છીએ ને સંસારને ભૂલી ગયા છીએ.
ભગવાનના દેશમાં કોને આનંદ ન હોય!! આજે તો મુક્તિધામમાં
મુક્તિમાર્ગ પ્રદર્શક સંત પણ સાથે જ હતા–તેથી ઘણો આનંદ થતો
હતો. આજે પણ યાદ આવે છે કે–“અમે ગ્યા’તા ભગવાનના
દેશમાં...ગુરુદેવની સાથમાં.’

PDF/HTML Page 27 of 27
single page version

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
ભા...વ....ના
* શ્રાવકે પ્રથમ શું કરવું? કે સમ્યકત્વની ભાવના કરવી.
* ગૃહવાસ સંબંધી જે ક્ષોભ–કલેશ–દુઃખ હોય તે સમ્યકત્વથી મટી જાય છે.
* ગમે તેવા પ્રસંગ કે ઉપદ્રવ આવી પડયા હોય પણ સમ્યકત્વની ભાવનાથી શુદ્ધાત્મા પર જ્યાં
નજર કરે ત્યાં ધર્માત્મા આખા સંસારને ભૂલી જાય છે.
* સર્વજ્ઞો અને સંતો જેનો આટલો–આટલો મહિમા કરે છે તે ચીજ તારા અંતરમાં જ છે, તો અરે
જીવ! તે ચીજ કેવી છે–તેને જોવાનું કુતૂહલ કરીને અંદરમાં તેને પ્રગટપણે દેખ.
* અહા, ચૈતન્યના શાંતરસમાં ઝુલતા સંતો જગતને તેનો માર્ગ ચીંધી રહ્યા છે.
* ચૈતન્યના સાધક ધર્માત્મા સંતો જગતની કોઈ પ્રતિકૂળતાથી ડગતા નથી; કેમકે તેમની આરાધના
(શ્રદ્ધા વગેરે) ચૈતન્યના જ આધારે પ્રગટી છે તેથી ચૈતન્યના આધારે તે ટકી રહે છે; સંયોગના
આધારે કાંઈ તેમની આરાધના પ્રગટી નથી, તેથી કોઈપણ સંયોગ વડે તે આરાધનાથી ડગતા નથી.
* ધર્માત્મા સંતો અને મુનિઓ જગતથી નિરપેક્ષપણે પોતાના ચૈતન્યને સાધવામાં જ તત્પર છે.
* પહેલાં સમ્યગ્દર્શનનું વાસ્તવિકસ્વરૂપ લક્ષમાં લઈને, વારંવાર ચિંતન કરીને, અંતર્મુખ પ્રવાહમાં
ઊતરતાં સમ્યગ્દર્શન થાય છે.
* નિર્વિકલ્પ આનંદના અનુભવ સહિત સમ્યગ્દર્શન થયું ત્યાં મોક્ષનો દરવાજો ખૂલ્યો.
* અહો, જે જે ઉત્તમ પુરુષો પૂર્વે સિદ્ધિ પામ્યા છે, અત્યારે પામે છે ને ભવિષ્યમાં પામશે–તે બધું આ
સમ્યકત્વનું જ માહાત્મ્ય જાણો.
* સમ્યગ્દર્શનની આરાધના વગરનું જ્ઞાન કે ચારિત્ર તે બધું પોલંપોલ છે, તેમાં કાંઈ સાર નથી.
* સ્વપ્નમાં પણ ધર્માત્માને ચૈતન્યનો અને આનંદનો મહિમા ભાસે. આચાર્યદેવ કહે છે કે આવા
સમકિતી જગતમાં ધન્ય છે.
* જ્ઞાની–સમકિતી જ્ઞાન અને રાગની ભેળસેળ કરતા નથી, તેમને જુદા ને જુદા જ જાણે છે. જ્ઞાનને
તો ‘નિજભાવ’ જાણે છે ને રાગને ‘પરભાવ’ જાણે છે.
* સર્વ પરભાવોથી પોતાના જ્ઞાનને જુદું ને જુદું રાખવું (અનુભવવું) તેમાં વીતરાગી ભેદજ્ઞાનનો
મહાન પુરુષાર્થ છે.
* અહા, જ્ઞાનીના શ્રીમુખેથી ભેદજ્ઞાનની વાર્તા અપૂર્વ ઉલ્લાસભાવે જે સાંભળે છે તેના ચૈતન્ય–
ખજાના ખૂલી જાય છે.
* દ્રષ્ટિઅપેક્ષાએ સમ્યદ્રષ્ટિને મુક્ત કહ્યો છે, કેમકે તેની દ્રષ્ટિમાં બંધનરહિત શુદ્ધઆત્મા જ છે.
* હે જીવ! ભેદજ્ઞાનના અભ્યાસની એવી દ્રઢતા કર કે ત્રણકાળ ત્રણલોકમાં આસ્રવનો અંશ પણ
ચૈતન્યસ્વભાવપણે ન ભાસે.
* ભેદજ્ઞાન તે જ ધર્મલબ્ધિનો કાળ છે. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં જીવ છૂટકારાના પંથે ચડયો.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક–પ્રકાશક : હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ– ભાવનગર.