: ૧૮ : આત્મધર્મ: ૨૧૭
વિશેષતા ન થઈ, એટલે કે ભેદજ્ઞાન ન થયું પણ અજ્ઞાન જ રહ્યું. જો ભેદજ્ઞાન તે જ્ઞાન છે, તો તે જ્ઞાન
આસ્રવોમાં જ પ્રવર્તે છે કે તેનાથી નિવર્ત્યું છે?
આત્મા–સન્મુખ થયું છે કે વિકાર તરફ જ વર્તે છે? જો આસ્રવોમાં જ વર્તે છે, તો આત્મા અને
આસ્રવોની એકતાબુદ્ધિથી તે જ્ઞાનની કાંઈ વિશેષતા ન થઈ, તે અજ્ઞાન જ રહ્યું. અને જો તે ભેદજ્ઞાન
આસ્રવોથી નિવર્તેલું છે ને શુદ્ધાત્માની સન્મુખ થયું છે તો તે જ્ઞાનથી બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આ
રીતે ભેદજ્ઞાનથી જ બંધનનો નિરોધ થાય છે, અને તે ભેદજ્ઞાન આસ્રવોથી નિવર્તેલું જ છે, તેથી એકલા
જાણપણારૂપ એકાંત જ્ઞાનનય, તેમજ ભેદજ્ઞાન વગરના મંદકષાયરૂપ ક્રિયાનય, તે બંને એકાંતનયોનું
ખંડન થયું. આત્મા અને આસ્રવ ભિન્ન છે–એમ વિકલ્પ કર્યા કરે પણ આસ્રવથી પાછો વળીને સ્વભાવ
તરફ ઢળે નહિ તો તેના જ્ઞાનને જ્ઞાન કહેતા જ નથી. જેણે જ્ઞાનની અને રાગની અનેકતા ન જાણી પણ
રાગ સાથે જ્ઞાનની એકતા માની તે એકાંતજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન છે; જેણે રાગથી ભિન્નતા ને જ્ઞાન
સાથે એકતા કરીને, જ્ઞાન અને રાગની અનેકતા જાણી તે અનેકાંતજ્ઞાન એટલે કે ભેદજ્ઞાન છે. તે
ભેદજ્ઞાન આસ્રવોથી નિવર્તેલું છે, તે જ્ઞાનમાં આસ્રવ નથી. આસ્રવમાં આસ્રવ છે પણ જ્ઞાનમાં
આસ્રવ નથી, જ્ઞાન તો જ્ઞાનમાં જ પ્રવર્તે છે, જ્ઞાન આસ્રવમાં વર્તતું નથી.–આવા ભેદજ્ઞાનરૂપ જ્ઞાનથી
બંધનનો નિરોધ થાય છે.
આ કર્તાકર્મ અધિકાર છે; કર્તા અને કર્મ અભિન્ન હોય અને એક જાતના હોય; જ્ઞાયકસ્વભાવી
આત્મા છે તે કર્તા છે અને નિર્મળ જ્ઞાનપર્યાય પ્રગટીને અભેદ થઈ તે તેનું કર્મ છે. આ રીતે જ્ઞાન જ આત્માનું
કર્મ છે; પરંતુ રાગ તે આત્માનું ખરેખર કર્મ નથી, કેમ કે જ્ઞાનને અને રાગને એકતા નથી પણ ભિન્નતા છે;
જ્ઞાન અને રાગની એક જાત નથી પણ ભિન્ન જાત છે; જ્ઞાન તો જ્ઞાનના પક્ષમાં છે ને રાગાદિભાવો તો
અજ્ઞાનના પક્ષમાં છે; આ પ્રમાણે જાણનાર ધર્મી જીવને રાગ સાથે કર્તાકર્મપણું છૂટી ગયું છે. અને રાગ સાથે
કર્તાકર્મપણું છૂટી જતાં તેને બંધન પણ અટકી જાય છે.
જે જ્ઞાન રાગમાં જ તન્મયપણે વર્તે છે તેને જ્ઞાન કહેતા જ નથી, તે તો અજ્ઞાન જ છે. આત્મા અને
રાગ જુદા છે–એમ શાસ્ત્રથી કહે છે પણ અંદરમાં રાગના વેદનથી ઉપયોગને જુદો પાડીને અંતરમાં વાળતો
નથી તો તેનું જ્ઞાન તે પણ જ્ઞાન નથી, અજ્ઞાન જ છે. એકલા શાસ્ત્રજ્ઞાનનો વિકાસ, કે એકલી કષાયની
મંદતા, તે કાંઈ ભેદજ્ઞાનનું કારણ નથી. ભલે ૧૧ અંગ જાણે ને પંચમહાવ્રત પાળે, પણ જેના અંતરમાં એમ છે
કે આ મહાવ્રતનો વિકલ્પ મને લાભકારી છે, અથવા શાસ્ત્ર તરફનું જ્ઞાન તે મારા આત્માને ભેદજ્ઞાનનું
સહાયક છે,–તો તે જીવ રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન કરી શકતો નથી, શાસ્ત્ર ભણવા છતાં અને વ્રતાદિ
પાળવા છતાં તે અજ્ઞાનથી રાગાદિ આસ્રવોમાં જ વર્તી રહ્યો છે.
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.
રાગની મંદતાની ક્રિયા કરે ને તેને જ ધર્મ માને, પણ તે રાગથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન ન કરે તો તે
જીવો ‘ક્રિયાજડ’ છે; અને ભેદજ્ઞાનની વાત કર્યા કરે પણ અંદરમાં રાગની મીઠાસ છોડે નહિ, રાગ પરિણતિથી
પાછો વળે નહિ, તો તે ‘શૂષ્કજ્ઞાની’ છે. રાગ હોય તે જુદી વાત છે પણ જ્ઞાનીને તેનો રસ નથી, તેમાં
આત્મબુદ્ધિ નથી, જ્ઞાનીએ પોતાની જ્ઞાનપરિણતિને તે રાગથી પાછી વાળી દીધી છે, જુદી પાડી દીધી છે, માટે
ખરેખર જ્ઞાની રાગથી છુટેલો જ છે; ને તેને બંધન થતું નથી.
પ્રશ્ન:– અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ રાગ તો થતો જોવામાં આવે છે ને અમુક પ્રકૃતિનું બંધન તો તેને
પણ થાય છે, તો તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની?
ઉત્તર:– ભાઈ, અવિરત સમ્યગ્દ્રષ્ટિ તે જ્ઞાની જ છે. રાગ હોવા છતાં તેની અંતરદ્રષ્ટિ જુદી છે; તેની દ્રષ્ટિમાં
રાગનું સ્વામીત્વ અંશે પણ નથી. જ્ઞાનમાં પણ તે રાગને અને બંધનને પોતાના ચિદાનંદ સ્વભાવથી જુદા જ
જાણે છે, તેથી જ્ઞાની તે રાગનો કે જડકર્મનો સ્વામી
નથી, તે ચૈતન્યના શુદ્ધભાવનો જ સ્વામી છે. જે અલ્પ બંધન કે રાગ છે તેનું કારણ કાંઈ જ્ઞાન નથી.
જ્ઞાનીને જે જ્ઞાનભાવ પ્રગટ્યો તે તો બંધનનું કારણ છે જ નહિ. જ્ઞાનની પંક્તિ જુદી જ છે, ને બંધનની પંક્તિ
જુદી છે. સાધકને