કારતક: ૨૪૮૮ઃપ:
ર્શવા દીધી નહિ. અંદર ચૈતન્યની મહત્તા ન ભાસી એટલે ચૈતન્યના ભાન વગર અનંતવાર મનુષ્યપણાં વ્યર્થ
ગયા.
જુઓ, અહીં આચાર્યદેવ આત્માની પ્રભુતા બતાવે છે. ચૈતન્યના ધ્યેયે દ્રવ્ય–ગુણની પ્રભુતા પર્યાયમાં
પણ પ્રગટી જાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક પોતાની પ્રભુતાને ધર્મી જીવ જાણે છે તે ખરા ધીર છે.
‘ધીર’ તેને કહેવાય કે ધ્યેય પ્રત્યે ‘ધી’ ને જે પ્રેરે, એટલે ચિદાનંદ સ્વભાવને ધ્યેય બનાવીને તેમાં
બુદ્ધિને જે વાળે–પ્રેરે–સ્વસન્મુખ કરે તે જ ખરેખર ધીર છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માએ પોતાના ઉપયોગની બુદ્ધિને
સ્વધ્યેયમાં જોડી છે તેથી તેઓ જ ખરા ધીર છે; જગતની ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતામાં પણ તેઓ
ચૈતન્યધ્યેયને છોડતા નથી, તેમની બુદ્ધિ ચૈતન્યધ્યેયમાં જ લાગેલી છે, તેથી તેઓ ધીર છે. અજ્ઞાની
શુભરાગને ધ્યેય બનાવીને ભલે સ્થૂળ ક્રોધ ન કરે, કોઈ ગાળ દે તો પણ ધીરજ રાખે,–છતાં તે ખરેખર ધીર
નથી, ચૈતન્યના ધ્યેયથી દૂર તેની બુદ્ધિ છે તેથી તે અધીર છે, આકુળ છે. ચૈતન્યધ્યેય તરફ બુદ્ધિ વળ્યા વગર
આકુળતા મટે નહિ ને ધૈર્ય થાય નહિ. ‘ધી’ ને ધ્યેય પ્રત્યે પ્રેરે તેને જ ધીર કહ્યા છે. ચૈતન્ય તરફ વળેલો
ઉપયોગ અત્યંત ધીર અને અનાકુળ છે, ગમે તેવી પ્રતિકૂળતાથી પણ તે ડગતો નથી.
સમ્યગ્દર્શન તે કેવળજ્ઞાન માટેનો કક્કો છે. જેમ કક્કો શિખ્યા વગર બીજું ભણતર આવડે નહિ, તેમ
સમ્યગ્દર્શનરૂપી કક્કા વગર ધર્મનાં ભણતર હોય નહિ. કેવળજ્ઞાનરૂપી સ્વઘરમાં વાસ્તુ કરવા માટે સમ્યગ્દર્શન
તે પ્રવેશદ્વાર છે. ભગવાન સર્વજ્ઞદેવોએ કેવળજ્ઞાન–કેવળદર્શન–અનંત આનંદ ને અનંત વીર્યરૂપ સ્વચતુષ્ટય
પ્રગટ કરીને અસંખ્ય ચૈતન્યપ્રદેશી સ્વઘરમાં વાસ કર્યો છે તે ખરું વાસ્તુ છે. વાસ્તુ કરવાની વિધિ શું તે અહીં
આચાર્ય ભગવાન બતાવે છે.
આ ચૈતન્યસ્વભાવી આત્મા–જેમાં ખરું વાસ્તુ કરવાનું છે–તેમાં કર્મરજ નથી, તેમજ તે પોતે કર્મરજના
બંધનનું કારણ પણ નથી. વિકારના નિમિત્તે કર્મ બંધાય છે તે દેખીને વિકારનો કર્તા અજ્ઞાની એમ માને છે કે
મેં આ કર્મ બાંધ્યું. ખરેખર કર્મનો કર્તા તે અજ્ઞાની પણ નથી. જ્ઞાનીને તો મિથ્યાત્વાદિ કર્મનાં બંધનમાં
નિમિત્તરૂપ થાય એવો ભાવ જ છૂટી ગયો છે.
શરીર સ્ત્રીનું હો કે પુરુષનું હો–તેની સાથે સમ્યગ્દર્શનનો સંબંધ નથી. આઠ વર્ષની બાલિકા પણ
અંદરમાં ચિદાનંદ સ્વભાવનો નિર્વિકલ્પ અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે છે. મહાવિદેહમાં અત્યારે
સીમંધર પરમાત્મા વગેરે તીર્થંકરો સાક્ષાત્ બિરાજે છે, ત્યાં ચક્રવર્તીની નાની નાની આઠ વર્ષની કુંવરીઓ પણ
ભગવાનની સભામાં જઈને ધર્મનું શ્રવણ કરે છે ને સમ્યગ્દર્શન પામે છે. શ્રેણીક રાજાએ આત્મભાન પ્રગટ
કર્યું ને પછી તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, પણ ત્યાં સમ્યગ્દર્શનના પરિણામ કાંઈ તે તીર્થંકરપ્રકૃતિના બંધનું
કારણ નથી. સમ્યગ્દર્શન સાથેની ભૂમિકામાં જ તેવી પ્રકૃતિ બંધાય છે, છતાં તે બંધનનું કારણ સમ્યગ્દર્શનના
પરિણામ નથી; ધર્મી પોતાના આત્માને ચૈતન્યભાવમય જ જાણે છે, ને મારો ચૈતન્યભાવ ૧૪૮ પ્રકૃતિમાંથી
કોઈ પણ કર્મની પ્રકૃતિના બંધનમાં નિમિત્ત પણ નથી, એમ ધર્મી જાણે છે.
અરે. જીવ! આવો મનુષ્ય અવતાર મળ્યો પણ તેમાં જો ચૈતન્યનું ભાન ન કર્યું તો આ ભવચક્રના
આંટા મટવાના નથી. મિથ્યાત્વના ઊંધા ભાવે અનંતવાર ભવચક્રમાં ભમ્યો. પણ એકવાર સમ્યક્ભાનનો
ભાવ પ્રગટ કર તો અનંતકાળના ભવચક્રનો અંત આવી જાય. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તો યે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?