Atmadharma magazine - Ank 218
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 23

background image
માગશર : ૨૪૮૮ : ૧પ :
અનાદિથી નિર્ણય નહોતો એવો નિર્ણય પહેલાં કરીને જ્ઞાન જ્યાં અંતર્મુખ થયું ત્યાં નિર્વિકલ્પ વેદનમાં
જ્ઞાન અને વિકલ્પ તદ્રન જુદા પડ્યા, જ્ઞાન તો અંતરમાં એકાકાર થયું, ને વિકલ્પ બહાર રહી ગયો.
અહો! સર્વજ્ઞતાના ધામરૂપ પોતાનો આત્મા છે–એમ તેનું બહુ જ માહાત્મ્ય, બહુ જ આદરને બહુ જ
ઉત્સાહ લાવીને ઉપયોગ તે તરફ વળે ત્યાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે. નયપક્ષનો
સૂક્ષ્મ વિકલ્પ તે પણ આસ્રવ જ છે, હું તો જ્ઞાનસ્વભાવ છું ને મારે મારા જ્ઞાનસ્વભાવનું જ અવલંબન
કરવા જેવું છે–એવો દ્રઢ નિર્ણય કર્યા વગર નિર્વિકલ્પભાવ કદી થાય નહિ. જેના નિર્ણયમાં જ ભૂલ હોય,
જે વિકલ્પના અવલંબનથી લાભ માનતો હોય તેને કદી નિર્વિકલ્પભાવ અથવા તો સમ્યગ્દર્શન–જ્ઞાન
પ્રગટે નહિ. ભગવાન શુદ્ધઆત્મા વિકલ્પ વડે નથી પ્રકાશતો. પણ નિર્વિકલ્પભાવ વડે જ પ્રકાશે છે.
બહારની ચિંતા તો ક્્યાંય દૂર રહો, પણ અંદરના વિકલ્પ વડે ચિંતા કરતાં પણ આત્મા અનુભવાતો
નથી ચૈતન્યમાં જેણે પોતાનો ઉપયોગ લીન કર્યો છે એવા નિશ્ચળ–નિશ્ચિંત આત્મલીન પુરુષો વડે
શુદ્ધઆત્મા અનુભવાય છે. અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવા માટે આ જ એક સાધન છે. જેનો પરમ
અચિંત્ય મહિમા છે એવો સમયસાર (શુદ્ધ આત્મા) જે નિર્મળ પરિણતિ વડે સ્વયં આસ્વાદમાં આવ્યો,
વિકલ્પના અવલંબન વગર પોતે પોતાથી જ અનુભવમાં આવ્યો, તે જ્ઞાનરસથી ભરેલો ભગવાન છે, તે
જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આચાર્ય ભગવાન કહે છે કે અહો, વિશેષ શું કહીએ?–જે કાંઈ છે તે
આ એક જ છે; અનુભૂતિમાં બધુંય સમાઈ જાય છે.
ચૈતન્યના રસનો રસીલો થઈને હે જીવ! તારા આત્માને વિજ્ઞાનરસવાળો જ અનુભવ.
અજ્ઞાનભાવે પરાશ્રયથી લાભ માની માનીને ભીખારી થયો હતો, તેણે જ્યાં સ્વસન્મુખ થઈને સ્વાશ્રય
કર્યો ત્યાં તે ‘ભગવાન’ થયો. સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને ‘ભગવાન’ તરીકે દેખે છે. જેને સમ્યગ્દર્શન
થયું તે જ પરમાત્માનો ખરો ભગત થયો, તે જ ભગવાનનો ખરો દાસ થયો; અંતરમાં ઝૂકીને નિર્વિકલ્પ
થયો તેને સમ્યગ્દર્શન કહો, તેને મોક્ષમાર્ગ કહો, તેને પરમેશ્વર કહો, તેને તરણતારણ કહો, તેને મુક્ત
કહો, ભગવાન કહો, તેને પરમ શાંતિ કહો, અતીન્દ્રિય આનંદ કહો, ભગવાનનો સાક્ષાત્કાર કહો,
આત્મસાક્ષાત્કાર કહો, ઈશ્વરનાં દર્શન કહો, એને વીતરાગીવિજ્ઞાન કહો, વિકલ્પાતીત કહો, દેહાતીત
કહો, મનાતીત કહો, વચનાતીત કહો, ધર્માત્મા કહો, પૂજ્ય કહો, પંચપરમેષ્ઠીપદ કહો.– આત્માની
નિર્વિકલ્પદશામાં બધુંય સમાઈ જાય છે.
અહા, એકવાર જ્યાં આવો અનુભવ થયો ત્યાં જ્ઞાન પોતે પોતામાં જ આવી મળે છે, જેમ પાણી
ઢાળવાળા માર્ગે સહેજે ચાલ્યું જાય તેમ વિજ્ઞાનઘનનો રસિલો થયો ત્યાં જ્ઞાનનું વલણ જ્ઞાન તરફ જ
વળ્‌યું ને વિકલ્પ તરફથી પાછું ફર્યું. જેમ સમૂહથી જુદું પડીને બીજા ફાંટામાં વળી ગયેલું પાણી વનમાં
જ્યાં ત્યાં ભમતું હોય, પણ જો તે પાણીને બળપૂર્વક ઢાળવાળા માર્ગે પાણીના પ્રવાહ તરફ વાળવામાં
આવે તો તે પાણીના પ્રવાહમાં ભળી જઈને, પોતે પોતાના પ્રવાહ તરફ ખેંચાય છે, ને એક પ્રવાહ થઈ
જાય છે. તેમ ભગવાન આત્મા પરમ ચૈતન્યરસનો મોટો પ્રવાહ છે; પણ તે પોતાના વિજ્ઞાનઘન
સ્વભાવને ભૂલીને, સ્વભાવથી ભ્રષ્ટ થઈને, વિકલ્પના કર્તાપણે વિકલ્પના ગહનવનમાં ભમતો હતો,
પણ હવે ભેદજ્ઞાન વડે રાગને અને જ્ઞાનને જુદા જુદા જાણીને, તે ભેદજ્ઞાનના બળવડે આત્માને
વિજ્ઞાનઘનસ્વભાવમાં વાળવામાં આવ્યો; અને વિકલ્પોમાંથી પાછો વાળવામાં આવ્યો; આવા ભેદજ્ઞાની
જીવ કેવળ વિજ્ઞાનઘન ચૈતન્યરસના જ રસીલા છે, તે આત્માને વિજ્ઞાનરસવાળો જ અનુભવે છે. પહેલાં
પર્યાય પરસન્મુખ ઢળીને વિકલ્પરૂપી વનમાં ભમતી, તે પર્યાયને જ્યાં સ્વસન્મુખ વાળી ત્યાં ચૈતન્યના
ઉત્કૃષ્ટ રસપૂર્વક જ્ઞાન પોતે પોતામાં લીન થયું. પર્યાયનો પ્રવાહ ચૈતન્ય–