પોષ : ૨૪૮૮ : ૯ :
જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય છે
અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનમય છે
(સમયસાર ગાથા ૧૨૮ થી ૧૩૧ના પ્રવચનમાંથી)
જેણે જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કર્યું છે એવા જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય હોય છે; અને જેને રાગ
સાથે એકતાબુદ્ધિ છે એવા અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનમય જ હોય છે.
શિષ્ય પૂછે છે કે : જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય જ કેમ હોય છે? અને અજ્ઞાનીના બધાય ભાવો
અજ્ઞાનમય જ કેમ હોય છે? તેના ઉત્તરમાં આચાર્યદેવ બે ગાથાઓ કહે છે––
વળી જ્ઞાનમય કો ભાવમાંથી
જ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે જ્ઞાની તણા
સૌ ભાવ જ્ઞાનમયી બને. (૧૨૮)
અજ્ઞાનમય કો ભાવથી
અજ્ઞાનભાવ જ ઊપજે
તે કારણે અજ્ઞાનીના
અજ્ઞાનમય ભાવો બને. (૧૨૯)
કારણ જેવું કાર્ય થાય છે, એટલે જેના મૂળમાં અજ્ઞાન છે તેના બધાય ભાવો અજ્ઞાનમય જ હોય છે.
અજ્ઞાનીને શુદ્ધ ચિદાનંદમૂર્તિ આત્મામાં પ્રવેશ જ નથી, રાગના કર્તૃત્વપણે જ તેનાં બધા પરિણામો થાય છે
તેથી તેના કોઈ પરિણામો અજ્ઞાનને ઉલ્લંઘતા નથી; શાસ્ત્રજ્ઞાન હો કે વ્રત–તપના પરિણામ હો–તે બધાય
અજ્ઞાનભાવમય જ છે. શાસ્ત્રના ભણતર વખતેય તેની બુદ્ધિમાં વિકલ્પનું અવલંબન પડ્યું છે, તેથી
પરાશ્રયબુદ્ધિને તેના ભાવો ઓળંગતા નથી.
અને, શુદ્ધચૈતન્યસ્વભાવને રાગથી ભિન્નપણે જેણે અનુભવ્યો એટલે જેની પર્યાયમાં ચૈતન્યભગવાન
વ્યાપી ગયો એવા ધર્મી–જ્ઞાની જીવને ભેદજ્ઞાનની ભૂમિકામાં જે કોઈ પરિણામ થાય તે બધાય જ્ઞાનમય જ છે;
કારણ જેવું કાર્ય થાય છે; જ્ઞાનીના બધાય ભાવો ભેદજ્ઞાનપૂર્વક થાય છે, ક્્યાંય પણ રાગ સાથે જ્ઞાનની
એકતા તેને થતી નથી, રાગથી ભિન્ન જ્ઞાનમયભાવપણે જ તે પરિણમે છે. ક્્યારેક અશુભ પરિણામ હોય
ત્યારે પણ જ્ઞાની તે અશુભમાં તન્મયપણે નથી પરિણમતો પણ જ્ઞાનમાં જ તન્મયપણે પરિણમે છે; એટલે
તેના બધાય ભાવો જ્ઞાનમય જ છે. જ્ઞાનીનો કોઈપણ ભાવ જ્ઞાનમયપણાને છોડતો નથી. જ્ઞાન થોડું હો કે
ઝાઝું પણ અંતર્મુખપણે તેના બધાય ભાવો જ્ઞાનમય જ છે. સહજસ્વરૂપ ચૈતન્યના સ્વામીપણે પરિણમતાં
બધાય ભાવો ચૈતન્યમય જ થાય છે.
રાગના સ્વામીપણે જે પરિણમે તેના બધાય ભાવો રાગમય–અજ્ઞાનમય થાય છે; અને ચૈતન્યના
સ્વામીપણે જે પરિણમે તેના બધાય ભાવો ચૈતન્યમય–જ્ઞાનમય થાય છે. જુઓ તો ખરા, દ્રષ્ટિનું જોર!! જેવી
દ્રષ્ટિ તેવી સૃષ્ટિ; જ્ઞાનીએ ઉદયભાવોને પ્રજ્ઞાછીણી વડે જ્ઞાનથી ભિન્ન કરી નાંખ્યા છે, સદાય...જાગતાં કે
ઊંઘમાં, નિર્વિકલ્પતામાં કે વિકલ્પ વખતે તે જ્ઞાનમાં જ તન્મયપણે પરિણમે છે ને રાગને ચૈતન્યથી જુદો ને
જુદો જ રાખીને પરિણમે છે. આવું જ્ઞાનમય પરિણમન તેને સદાય વર્ત્યા જ કરે છે.