: ૮ : આત્મધર્મ: ૨૧૯
સ્વભાવમાં વિકારના કર્તૃત્વનો કણ પણ સમાય તેમ નથી. પછી તે વિકલ્પ બંધનનો હો કે અબંધનો હો,
અથવા બદ્ધ પણ છું ને અબદ્ધ પણ છું–એવો વિકલ્પ હો,–પણ તે વિકલ્પના કર્તૃત્વમાં જે અટકે તે મિથ્યાદ્રષ્ટિ
જ રહે છે, તે વિકલ્પના જ પક્ષમાં ઉભો છે પણ જ્ઞાનના પક્ષમાં આવ્યો નથી. સમસ્ત વિકલ્પોથી જ્ઞાનને છૂટું
પાડીને અંતર્મુખ ઉપયોગ વડે નિર્વિકલ્પ ચૈતન્યનું વેદન થાય તેનું નામ સમ્યગ્દર્શન છે.
જ્યાં આવું સમ્યગ્દર્શન થયું ત્યાં આત્મામાં સોનાનો સૂરજ ઊગ્યો. મંગલપ્રભાત ખીલ્યું. જુઓ,
આ “સોના સમોરે સૂરજ ઊગીઓ”
નિશ્ચયથી વસ્તુ તો અબદ્ધ જ છે, તે તો યથાર્થ છે, તે કાંઈ અસત્ય નથી; પણ ‘હું અબદ્ધ છું’ એવો જે
વિકલ્પ છે તે કાંઈ વસ્તુસ્વરૂપ નથી, તે વિકલ્પ વસ્તુસ્વરૂપથી બહાર છે, તેથી તે વિકલ્પના કર્તૃત્વમાં જે
રોકાય છે તે વસ્તુસ્વરૂપથી બહાર રહે છે. વસ્તુસ્વરૂપનો અનુભવ વિકલ્પ વડે થઈ શકતો નથી. અહીં બદ્ધ–
અબદ્ધના વિકલ્પની વાત કરી તે પ્રમાણે શુદ્ધ–અશુદ્ધ, એક–અનેક વગેરે ગમે તેના વિકલ્પ હો,–પણ તે જ્ઞાનનું
કાર્ય નથી; તેને જે જ્ઞાનનું કાર્ય માને છે તે જીવ તેનાથી આગળ જઈને ઉપયોગને ચૈતન્યસ્વભાવ તરફ
વાળતો નથી. જે જીવ સમસ્ત પ્રકારના નયપક્ષના વિકલ્પોને ઓળંગી જાય છે ને શુદ્ધાત્માનો સાક્ષાત્ આશ્રય
કરે છે તે જ ચૈતન્યને અનુભવે છે. જુઓ, આ ચૈતન્યના અનુભવના કોડ પૂરવાની રીત! અનુભવના કોડ
(ઉત્કંઠા) તો ઘણાને હોય પણ તેની રીત જાણ્યા વગર તે કોડ પૂરા કેમ થાય? ભાઈ, તારા અનુભવના કોડ
કેમ પૂરા થાય ને અનુભવ કેમ થાય–તે રીત સંતો તને બતાવે છે.
જુઓ, નિશ્ચયનયનો આશ્રય છોડવાની વાત નથી, પણ તે નિશ્ચયના વિકલ્પનો આશ્રય છોડવાની
વાત છે. જેમ વ્યવહારનો વિકલ્પ છોડવા યોગ્ય છે તેમ નિશ્ચયનયનો પણ વિકલ્પ તો છોડવા જેવો છે–એ
બરાબર છે; પરંતુ તેની જેમ કોઈ એમ કહે કે જેમ વ્યવહારનયનો આશ્રય છોડવા જેવો છે તેમ નિશ્ચયનયનો
પણ આશ્રય છોડવા જેવો છે તો તે વાત બરાબર નથી. વ્યવહારનયનો તો આશ્રય છોડવા જેવો છે પણ
નિશ્ચયનયનો આશ્રય છોડવા જેવો નથી. નિશ્ચયના આશ્રયમાં કાંઈ વિકલ્પ નથી. વિકલ્પથી પાર અંતર્મુખ
થાય ત્યારે જ નિશ્ચયનો આશ્રય પ્રગટે છે. શુદ્ધઆત્મા સમ્યગ્દર્શનનો વિષય છે, પણ ‘હું શુદ્ધ છું’ એવા
વિકલ્પનો કાંઈ તે વિષય નથી. આખી પરિણતિની જાત જ જુદી, વિકલ્પ તે વિભાવ પરિણતિ, અને
સમ્યગ્દર્શન તે સ્વભાવ–પરિણતિ, તેમને કાંઈ લાગતું વળગતું નથી. પરિણતિ જ્યારે ચૈતન્યમાં અંતર્મુખ
પરિણમે ત્યારે તેમાં વિકલ્પનું કર્તૃત્વ રહેતું નથી. જ્ઞેયપણે વિકલ્પ ભલે હો, પણ જ્ઞાનના કાર્યપણે વિકલ્પ
હોતો નથી. વિકલ્પને જ્ઞાનનું કાર્ય માને તો તે વિકલ્પને ઓળંગીને ચૈતન્ય તરફ કેમ વળે? અહા, કેટલી
વીતરાગતા!! સમ્યગ્દર્શનમાં પણ આવી વીતરાગતા છે કે રાગના અંશ માત્રને સ્વકાર્યપણે તે સ્વીકારતું
નથી. નિર્વિકલ્પ અનુભૂતિ જ્ઞાનને અંતર્મુખ કરવાથી જ થાય છે.
અહો, આવી વસ્તુસ્થિતિ છે તો વિકલ્પના કર્તૃત્વમાં કોણ અટકે? નયપક્ષના સમસ્ત વિકલ્પોના
ત્યાગની ભાવનાને કોણ ન નચાવે? વિકલ્પથી ભિન્ન ચેતનાને કોણ ન પરિણમાવે? જેઓ નયોના
પક્ષપાતને છોડીને એટલે વિકલ્પથી ભિન્ન પડીને નિર્વિકલ્પ અનુભૂતિથી ચૈતન્યને અનુભવે છે તેઓ
નિર્વિકલ્પ આનંદરસના પરમ અમૃતને સાક્ષાત્ પીએ છે.
પહેલી વખત તો નિર્વિકલ્પ અનુભૂતિથી સાક્ષાત્ અમૃતને અનુભવે છે, અને પછી વિકલ્પ ઊઠે તો
પણ તે વિકલ્પને જ્ઞાનથી જુદાપણે જ રાખે છે, એટલે પોતે તો પોતાના ચેતનસ્વરૂપમાં જ ગુપ્ત રહે છે.
વિકલ્પ આવે તેમાં જ્ઞાન ચાલ્યું જતું નથી; જે ભેદજ્ઞાન પરિણમી ગયું છે તે વિકલ્પ વખતેય સતત ચાલુ રહે
છે. વિકલ્પમાં તો ચિત્તનો ક્ષોભ છે, શુભ વિકલ્પમાં પણ ચિત્તનો ક્ષોભ છે, કલેશ છે; તેનાથી જ્ઞાનને ભિન્ન
જાણીને જ્યારે સર્વ વિકલ્પોને ઓળંગી જાય છે ત્યારે વિકલ્પોનો પક્ષપાત મટી જાય છે ને નિર્વિકલ્પ શ્રદ્ધા
થાય છે, એટલે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે ને અતીન્દ્રિય સુખ અનુભવાય છે.–આવી દશાનું નામ સમ્યગ્દર્શન
છે ને તે અપૂર્વ મંગલ પ્રભાત છે.
* * * * * * * *