: ૧૨ : આત્મધર્મ: ૨૧૯
કોઈવાર જ્ઞાનીની આંખમાંથી આંસુની ધારા ચાલી જતી હોય, ત્યાં જ્ઞાની શું કરે છે?–તો કહે છે કે
જ્ઞાની જ્ઞાનમય પરિણામને જ કરે છે. જેટલો જ્ઞાનમયભાવ છે તે જ જ્ઞાનીનો ભાવ છે, જે રાગ છે તે કાંઈ
જ્ઞાનીનો ભાવ નથી.
અજ્ઞાની ઉપર ટપકે બાહ્યચેષ્ટાને જોનાર છે, જ્ઞાની અંતરદ્રષ્ટિ સહિત પરિણામને જોનારા છે. અજ્ઞાની
એમ દેખે છે કે જ્ઞાની રડે છે, જ્ઞાની હસે છે, જ્ઞાની રાગ કરે છે, પણ તે જ વખતે ભેદજ્ઞાનના બળે જ્ઞાનીનાં
અંતરમાં રાગાદિથી ભિન્ન જ્ઞાનની ધારા વહી રહી છે.–તેને અજ્ઞાની બાહ્યદ્રષ્ટિને લીધે દેખતો નથી. જેમ
થાંભલા વગેરે અન્ય જ્ઞેયોને જ્ઞાનથી ભિન્નપણે જાણે છે તેવી જ રીતે, અન્ય જ્ઞેયોની જેમ જ ક્રોધાદિને પણ
પોતાના જ્ઞાનથી ભિન્ન જ જાણે છે, તેને જ્ઞાનની સાથે એકમેક કરતા નથી.–આ રીતે જ્ઞાનીના બધાય ભાવો
જ્ઞાનમય જ હોય છે. આવા જ્ઞાનમય ભાવથી ઓળખાણ થતાં જરૂર ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન થતાં
મોક્ષમાર્ગનો પ્રવાહ શરૂ થઈ જાય છે; એનું નામ ધર્મ છે.
સમ્યક્ત્વનો શું મહિમા છે, અનુભૂતિ શું ચીજ છે, તેની અજ્ઞાનીઓને ખબર નથી. લાકડું કે
વ્યવહારના રાગાદિ પરિણામ–તે બંનેને જ્ઞાની પરજ્ઞેયપણે જ દેખે છે. સમકિતી છ ખંડના ચક્રવર્તી રાજમાં
ઊભા હોય તો પણ જગતના એક રજકણના પણ સ્વામીપણે પરિણમતા નથી; વિકલ્પમાત્રનું સ્વામીપણું તેને
ઊડી ગયું છે; અને અજ્ઞાની રાજપાટ છોડી, નગ્ન દિગંબર મુનિ થઈને અંદર શુભ રાગની કર્તૃત્વબુદ્ધિથી ત્રણ
લોકના પરિગ્રહના સ્વામીપણે પરિણમે છે. જ્ઞાની અને અજ્ઞાનીની અંતરદ્રષ્ટિનો આ મહાન તફાવત છે, તેને
જ્ઞાની જ જાણે છે. આવા ભેદને જે જાણે તેને પોતામાં જરૂર જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થઈ જાય, એટલે તે
આત્મા જ્ઞાનમય ભાવરૂપે જ પરિણમે; એનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
વૈરાગ્ય સમાચાર:
શ્રી જીવણલાલજી મહારાજ માગશર સુદ ૧પ ને ગુરુવારના રોજ સવારે
લગભગ ૧૧ વાગે સોનગઢમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ઘણા વર્ષોથી પૂ. ગુરુદેવની
સેવામાં રહેતા હતા. છેલ્લા સાતેક વર્ષથી તેમને અનેકવિધ બિમારી રહ્યા કરતી હતી.
તેઓ સરલ અને ભદ્ર પ્રકૃતિના હોવાથી પૂ. ગુરુદેવ ઘણીવાર તેમને ‘દેવાનુપ્રિયા’ કહીને
બોલાવતા. બુધવારે સાંજે ગુરુદેવ તેમની પાસે પધારેલા ત્યારે ‘હું એક શુદ્ધ સદા
અરૂપી...’ ઈત્યાદિનું શ્રવણ કરાવ્યું હતું, તે તેમણે પ્રેમપૂર્વક સાંભળ્યું હતું. બીજે દિવસે
(ગુરુવારે) આકસ્મિક તેમની તબીયત વધુ લથડતાં પૂ. ગુરુદેવ તેમજ મંડળના સર્વે
ભાઈ–બહેનો ત્યાં આવેલા ને સહજાનંદી શુદ્ધસ્વરૂપી.....ઈત્યાદિ ધૂન બોલતા હતા. એ
પ્રસંગનું વાતાવરણ ઘણું જ વૈરાગ્યપ્રેરક હતું. જીવન આવું ક્ષણભંગુર છે તેમાં
સત્સમાગમે શ્રદ્ધા–જ્ઞાન–વૈરાગ્યના એવા દ્રઢ સંસ્કાર પાડવા જોઈએ કે જીવનમાં કે
મરણ પ્રસંગે પણ તે કાર્યકારી થાય. શ્રી જીવણલાલજી મહારાજનો આત્મા પૂ. ગુરુદેવના
સત્સમાગમના પ્રતાપે આગળ વધીને આત્મહિત સાધે–એમ ઈચ્છીએ છીએ.
રાજકોના ભાઈશ્રી દલપતરામ મોહનલાલ મહેતા તા. ૧૧–૧૨–૬૧ના રોજ
હોંગકોંગ મુકામે હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે. બોટાદના ભાઈશ્રી અનુપચંદ
ચત્રભુજ ગાંધી કારતક વદ ચોથના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. રાજકોટના સોલીસીટર
શ્રી લાભશંકર નરભેરામ મહેતા મુંબઈ (પાર્લા) મુકામે આસો સુદ એકમના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.–આ બધા ભાઈઓને પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ હતો, અને
તેઓ અવારનવાર પૂ. ગુરુદેવના પ્રવચનોનો લાભ લેતા હતા. તે દરેક આત્મા પોતાના
ધાર્મિક સંસ્કારમાં આગળ વધીને આત્મહિત સાધે–એમ ઈચ્છીએ છીએ.