Atmadharma magazine - Ank 219
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૧૯
તેથી તેનો ભાવ દ્રઢપણે વારંવાર કહેવામાં અને ઘૂંટવામાં આવે છે. સમ્યગ્દર્શન તો મૂળ પાયો છે, એના વગર
તો ધર્મની વાત જ કેવી? ગૃહસ્થપણામાં રહેલા જીવોએ પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સહિત રાગની
મંદતા કરીને ગૃહસ્થ ધર્મને દીપાવવો જોઈએ.
શ્રાવકના અંતરમાં સર્વજ્ઞ પરમાત્માની, નિર્ગ્રંથ મુનિઓની અને તેઓના કહેલા શાસ્ત્રોની ઓળખાણ
અને બહુમાન છે; તેથી તે ભક્તિપૂર્વક (–માન લેવા માટે કે બહારમાં પૂજાવા માટે નહિ, પણ પોતાના
અંતરની ભક્તિપૂર્વક) જિનબિંબ કરાવે છે, જિનમંદિરો બંધાવે છે, મુનિરાજ મળે તો બહુમાનપૂર્વક ભક્તિથી
દાનાદિ કરે છે, તેમ જ ભક્તિપૂર્વક શાસ્ત્રોનું વ્યાખ્યાન કરે છે, તથા વિશાળબુદ્ધિવાળા ભવ્ય જીવોને વાંચવા
માટે પુસ્તકો આપે છે. આચાર્યદેવ કહે છે કે અહો! આવા જ્ઞાનદાન વડે ભવ્ય જીવો અલ્પકાળમાં કેવળજ્ઞાન
પામે છે. (જુઓ, દેશવ્રતઉદ્યોતન ગાથા: ૧૦)
શાસ્ત્ર સ્વાધ્યાયમાં તેમજ બીજા જ્ઞાની ધર્માત્માઓને શાસ્ત્રદાન કરવામાં જ્ઞાનની વૃદ્ધિની ભાવના
ઘૂંટાય છે, તેમાં રાગરહિત જ્ઞાનનું જે ઘોલન છે તે મોક્ષનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને ચૈતન્યની
ભાવનાપૂર્વક જે શાસ્ત્રદાન વગેરેનો શુભ રાગ છે તે વ્યવહારે મોક્ષનું કારણ છે, અને તે વખતે જેટલું
રાગરહિત જ્ઞાન ઘૂંટાય છે તે ખરું મોક્ષનું કારણ છે. ધર્માત્માને અંદરમાં રાગ અને જ્ઞાનની ભિન્નતાના
ભાનપૂર્વક જ્ઞાનસ્વભાવની આરાધના જાગી છે તેથી તેને જ્ઞાનની પ્રભાવનાનો ખરો ભક્તિભાવ હોય છે.
નિયમસારમાં ભક્તિ અધિકારમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવ કહે છે કે:
શ્રાવક શ્રમણ સમ્યક્ત્વ–જ્ઞાન–ચારિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪.
જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની ભક્તિ કરે છે તેને નિવૃત્તિ–
ભક્તિ છે એટલે કે તે મોક્ષનો આરાધક છે એમ ભગવાન જિનદેવે કહ્યું છે.
જુઓ, રત્નત્રયની આરાધનારૂપ પરમ ભક્તિ શ્રાવકને પણ હોય છે. નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્–
શ્રદ્ધાન–જ્ઞાન–આચરણસ્વરૂપ શુદ્ધ રત્નત્રયપરિણામોનું ભજન તે ભક્તિ છે, અને આરાધના એવો તેનો અર્થ
છે, એટલે કે શુદ્ધ રત્નત્રયની જેટલી આરાધના છે તેટલી મોક્ષની પરમ ભક્તિ છે. બધાય શ્રાવકો અને
મુનિઓ આ રીતે રત્નત્રયની ભક્તિ કરે છે. અને અર્હંતો–સિદ્ધો વગેરેના કેવળજ્ઞાનાદિ પરમ ગુણો પ્રત્યે
બહુમાનરૂપ ભક્તિ તે વ્યવહારભક્તિ છે. ટીકાકાર પદ્મપ્રભ મુનિરાજ કહે છે કે, ભવભયને હરનારા
સમ્યક્ત્વની, જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર જે જીવ કરે છે તે, શ્રાવક હો કે શ્રમણ
હો,–નિરંતર ભક્ત છે, ભક્ત છે, એટલે કે તે મોક્ષનો આરાધક છે, આરાધક છે; અને તેનું ચિત્ત પાપ–
સમૂહથી મુક્ત છે. સમ્યગ્દર્શનાદિની આરાધના કરનાર આવા શ્રાવક પણ ધન્ય છે.
અષ્ટપ્રાભૃતમાં પણ આચાર્યદેવ કહે છે કે: જેણે સમ્યક્ત્વને સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તે જીવ
ધન્ય છે, તે કૃતકૃત્ય છે, તે શૂરવીર છે અને તે પંડિત છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી મોક્ષમાર્ગની શરૂઆત થઈ
ગઈ છે. મુનિ પણ કહે છે કે હે શ્રાવક! તું ધન્ય છો.....તું પ્રશંસનીય છો....તું મોક્ષના પંથે ચાલનાર છો.
જેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયું છે–એવા ધર્માત્મા ગૃહસ્થશ્રાવકનાં આચરણ કેવા હોય તેનું
અહીં વર્ણન છે. સમ્યગ્દર્શન થયા પહેલાં પણ ધર્મના જિજ્ઞાસુને તે યથાયોગ્ય લાગુ પડે છે.
શ્રાવકને પ્રથમ તો ભગવાન સર્વજ્ઞદેવની ઓળખાણપૂર્વક તેમના પ્રત્યે બહુમાન હોય. સાક્ષાત્
ભગવાનના વિયોગમાં તેમની સ્થાપના માટે જિનમંદિર બંધાવે. જેમ પોતાના ઘરની શોભાનો ભાવ આવે છે
તેમ તેનાથી પણ અધિક જિનમંદિરની શોભાનો ભાવ આવે છે. ભગવાન જેમાં બિરાજમાન છે, ભગવાનનું
જે ઘર છે–એવા જિનગૃહની ઉત્કૃષ્ટ શોભા કેમ થાય તેનો ભાવ ધર્માત્માને આવે છે. જિનપ્રતિમાને જોતાં
ધર્મીને