–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૩] તંત્રી : જગજીવન બાઉચંદ દોશી [પોષ : ૨૪૮૮
સંત જનોની છાયામાં–
પાત્રતાની પુષ્ટિ
ગત માસના એક પ્રવચનમાં પૂ. ગુરુદેવે નિશ્ચયના ઉપાસક જીવની
વ્યવહારશુદ્ધિ કેવી હોય તેનું વર્ણન બહુ સરસ રીતે સમજાવ્યું હતું: જે જીવ
નિશ્ચયની ઉપાસના કરવા કટિબદ્ધ થયો છે તેની પરિણતિમાં પહેલાં કરતાં
વૈરાગ્યની ઘણી વૃદ્ધિ થતી જાય છે. તેને દોષનો ભય હોય;
અકષાયસ્વભાવને સાધવા તૈયાર થયો ત્યાં તેના કષાયો ઉપશાંત થવા
માંડે, તેના રાગદ્વેષ ઘટવા માંડે. તેની કોઈ પ્રવૃત્તિ કે આચરણ એવાં ન
હોય કે રાગાદિનું પોષણ કરે; પહેલાં રાગાદિની મંદતા હતી તેને બદલે હવે
રાગાદિની તીવ્રતા થાય–તો તો તે સ્વભાવ સાધવાની નજીક આવ્યો–એમ
કઈ રીતે કહેવાય? એકલું જ્ઞાન–જ્ઞાન કર્યા કરે પણ જ્ઞાનની સાથે રાગની
મંદતા હોવી જોઈએ, ધર્માત્મા પ્રત્યે વિનય–બહુમાન–ભક્તિ–નમ્રતા–
નરમાશ હોવાં જોઈએ, બીજા સાધર્મીજનો પ્રત્યે અંતરમાં વાત્સલ્ય હોવું
જોઈએ. વૈરાગ્ય હોવો જોઈએ, શાસ્ત્રાભ્યાસ વગેરેનો પ્રયત્ન હોવો
જોઈએ...એમ ચારેકોરના બધા પડખાથી પાત્રતા કેળવવી જોઈએ, તો જ
જ્ઞાન યથાર્થ પરિણમે. ખરેખર સાક્ષાત્ સત્સમાગમની બલિહારી છે–
સત્સંગમાં અને સંતધર્માત્માની છત્રછાયામાં રહીને–તેમના પવિત્ર
જીવનને નજર સમક્ષ ધ્યેયરૂપે રાખીને, ચારે પડખેથી સર્વ પ્રકારે ઉદ્યમ
કરી કરીને પોતાની પાત્રતાને પુષ્ટ કરવી જોઈએ. ખરેખર અત્યારે
આપણા સદ્ભાગ્ય છે કે સર્વ પડખાથી પાત્રતા કેળવીને આત્માની
ઉપાસના કઈ રીતે કરવી તે ગુરુદેવ જેવા સંત સાક્ષાત્પણે આપણને
અહર્નિશ સમજાવીને, આપણા જીવનનું ઘડતર કરી રહ્યા છે. તેઓશ્રીના
ઉપકાર સંબંધમાં કાંઈ પણ કહેવા જતાં વાણી અટકી જાય છે. તેઓશ્રીએ
ચીંધેલા માર્ગે ચાલીને તેઓશ્રીના ઉપકારને અતિશીઘ્રપણે સાર્થક કરીએ
એ જ ભાવના...
– જગુભાઈ દોશી (તંત્રી)
– હરિલાલ જૈન