Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૨૦
છે; દેવ–ગુરુનો વિનય. વૈયાવચ્ચ. ભક્તિપૂર્વક તેમની સેવા. દોષોનું પ્રાયશ્ચિત, ચૈતન્યના ધ્યાનનો
અભ્યાસ,–એ બધા તપના પ્રકાર છે; આવા તપના અભ્યાસવડે શ્રાવક પોતાની ઈચ્છાને સંકોચે ને
ચૈતન્યની આરાધનામાં ઉપયોગને વિશેષપણે જોડે. અહા, શ્રાવકદશા શું છે તેની જગતને ખબર નથી;
‘શ્રાવક’ કૂળમાં જન્મીને શ્રાવક નામ ધરાવનારાને પણ ખબર નથી કે શ્રાવકધર્મ શું છે? જેટલાં
મુનિઓનાં આચરણ છે તે બધાય એકદેશપણે શ્રાવકને પણ હોય છે–એમ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં
અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે.
(૬) દાન:– શ્રાવક હંમેશા પોતાની શક્તિના પ્રમાણમાં દાન કરે. લાખો રૂા. ની મૂડીમાંથી પાંચપચીસ
રૂા. વાપરે તે કાંઈ શક્તિનાં પ્રમાણમાં ન કહેવાય. જુઓ, મુનિ વગેરે સંતધર્માત્માઓને કાંઈ તેની લક્ષ્મીનું
પ્રયોજન નથી પણ શ્રાવકને તૃષ્ણા ઘટાડવાનો એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. અહા, હું એક શુદ્ધ
ચૈતન્ય છું, એક પરમાણુ માત્ર પણ પરદ્રવ્ય મારું નથી–એવું જેને ભાન અને ભાવના વર્તે છે તેને પરિગ્રહની
મમતા ઘટાડવાનો ભાવ જરૂર હોય જ, એટલે તૃષ્ણા ઘટાડીને ધર્માત્મા મુનિઓને કે સાધર્મીઓને આદરપૂર્વક
પોતાની વસ્તુનું દાન કરે, તેમજ બીજા દીનદુઃખી જીવોને પણ કરુણાપૂર્વક દાન કરે. લૌકિકરુચિવાળા જીવો
જેમ દરરોજ લક્ષ્મી મેળવવાની મમતા કરે છે તેમ ધર્મની પ્રીતિવાળા જીવોએ દરરોજ મમતા ઘટાડવી જોઈએ.
–એ શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે. સવારથી સાંજ પ્રમાદના પોટલા થઈને વિષયકષાયમાં પડ્યા રહે, લક્ષ્મી
વગેરેની તીવ્ર લોલુપતા આડે ધર્મને માટે જરાય નવરો પણ ન થાય–એવા જીવને ધર્મ ક્્યાંથી થાય? અરે,
આત્માને સાધવા માટે તો આખી દુનિયાની મમતા છોડવી પડે. જે લૌકિકકાર્યો (દીકરા દીકરી પરણાવવા
વગેરેની દરકાર કરે, તેમાં તો ઉત્સાહથી પ્રવર્તે અને આત્મહિતના કાર્ય માટે દરકાર ન કરે, દેવ–ગુરુ–શાસ્ત્રની
ઉપાસનાના સંસ્કાર ન પાડે–તે ખરેખર શ્રાવક નથી. ધર્મનો જેને પ્રેમ હોય એવા શ્રાવકને નિત્ય કરવા યોગ્ય
આ છ કર્તવ્યોના સંસ્કાર જરૂર હોય.
આત્માનું સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયા પછી પણ સ્વરૂપમાં નિર્વિકલ્પ ઉપયોગ જ્યારે ન
હોય ત્યારે ધર્મીને વીતરાગદેવની પૂજા–ભક્તિ, સંત–ગુરુની સેવા, ધર્માત્માનું બહુમાન, શાસ્ત્રસ્વાધ્યાય
વગેરે ભાવો હોય છે, તેથી તે તેનું દરરોજનું કર્તવ્ય છે. ‘આટલું કરવું પડશે’ એમ નહિ પણ સહેજે
અંદરથી તેવો ભાવ આવે છે. જેમ સંસારમાં રાજા વગેરેની કે માતાપિતા વગેરે કુટુંબીઓની સેવા કરે છે
તેમ ધર્મની રુચિવાળો ધર્મના રાજા એવા જિનેન્દ્રભગવાનની, તેમજ નિર્ગ્રંથગુરુની, જ્ઞાની
ધર્માત્માઓની બહુમાનપૂર્વક સેવા–ઉપાસના કરે છે, તથા વીગરાગીશાસ્ત્રોની સ્વાધ્યાય વડે દરરોજ
સ્વભાવની ભાવનાનું પોષણ કરે છે. વળી સંયમ અને તપનો અભ્યાસ તેમજ દિનદિન પ્રત્યે ધર્માત્મા
પ્રત્યે ભક્તિથી–વાત્સલ્યથી દાનાદિ કરે. બીજા દુઃખી–રોગી જીવો પ્રત્યે કરુણાથી દાનાદિ કરે. વિવાહ
વગેરે પાપકાર્યોમાં ધનનો લોભ કરે તેને તો કદાચ આ લોકમાં લોભીયો કહીને લોકો અપયશ કરે,
પરંતુ ધર્મના કાર્યમાં લોભ કરે તો આ લોક ને પરલોક બંને બગડે છે; ધર્મના પ્રેમ કરતાં સંસારનો પ્રેમ
વધી જતાં સમ્યક્ત્વ જ બગડે છે. તેથી નિયમસારના આલોચના અધિકારમાં મુનિરાજ કહે છે કે યોગ્ય
સ્થળે ધનવ્યયનો અભાવ તે લોભ છે. વિષયકષાયોના પોષણમાં કે દીકરાદીકરીના લગ્નમાં લાખો રૂા.
વાપરી નાખે અને જિનમંદિર વગેરે ધર્મપ્રભાવનાના કાર્યોમાં સો–બસો રૂા. વાપરવાનો પ્રસંગ આવે
તોયે લોભ કરે, તો તેને યોગ્યસ્થળે ધન વાપરવાની ખબર નથી, એટલે ખરેખર તેને સંસાર અને ધર્મ
વચ્ચેનો વિવેક જ નથી. અરે, શ્રાવક નામ ધરાવે અને ભગવાનના દર્શન કરે નહિ, ગુરુની સેવા કરે
નહિ, શાસ્ત્ર વાંચે નહિ–સાંભળે નહિ, ધર્મના પ્રસંગમાં દાનાદિનો ઉત્સાહ બતાવે નહિ–તો તે શ્રાવક નથી
પણ માયાચારી છે; ચૈતન્યની ઉપાસના તેને હોતી નથી. જે ચૈતન્યનો ઉપાસક થયો, જિનદેવનો ભક્ત
થયો તેને દેવપૂજા વગેરે છ પ્રકારના કાર્યોના સંસ્કાર જરૂર હોય છે.
આ રીતે શ્રાવકને હંમેશના છ કર્તવ્ય હોય છે તે બતાવ્યું. તે ઉપરાંત તેને સામાયિકનો પણ અભ્યાસ
હોય છે–તે વાત આઠમા શ્લોકમાં બતાવશે ।। ।।